હોમ

ગુરુવાર, 23 નવેમ્બર, 2017

તહેવારનો ઉલ્લાસ - બાળ સહજ

લીંબુ મરચાંના સેટ બનાવવામાં મગ્ન
અમદાવાદમાં ગુરુકુળ રોડ ઉપર દિવાળીના દિવસોમાં વહેલી સવારે ફટાકડાની લારી પાસે ત્રણ બાળકો કામમાં મગ્ન હતા. 

ગણીને ત્રણ મિનિટ આ બાળકો અને એના પિતા જોડે સંવાદ કર્યો. પણ ઉત્સાહના ફુવારા દેખાતા હતા. કોઇ ફરીયાદ નહી. 

લોકોની શ્રદ્ધા કે અંધ શ્રદ્ધા - અમારે તો આ વેંચાય એટલે દિવાળી અને  લાભપાંચમ. બાપા અમને ભણાવે તો છે. પણ નીશાળે રજા હોય એટલે બે રૂપીયા કમાઈને બાપાને મદદ કરીએ તો તહેવારમાં મજા આવે. 

ટાંચા સાધન સગવડ, સુખની ઓછપ, તહેવારોની મીઠાઈ એવો કશો જ રંજ નથી. જે મળે એનો જલસો છે. 

પરીપક્વતા કોઇ રૂપીયાવાળાની જાગીર નથી જ. આપકમાઈના રૂપીયાની કિંમત બાપકમાઈ બાબુડાઓને કેમ સમજણ પડે?

આ છે આજમાં જીવવા વાળા. ખુમારી ભરપુર.

#આ_તો_એક_વાત

શુક્રવાર, 10 નવેમ્બર, 2017

ગુજરાતી થાળી પુરાણ - ૨

ગુજરાતી થાળી પુરાણ - ૨

રીલીફ રોડ ઉપર ક્લાયન્ટ સાથે એક થાળી જમવા ગયેલા. નોર્મલી થાળીમાં અગણીત વાટકીઓ મુકાણી અને ધમાધમ પીરસણીયાઓ શરૂ થયા...

જમવાની શરૂઆત જ કરી હતી ત્યાં એમના કેપ્ટન આવ્યા. અને પુછપરછ કરી કે બધું બરાબર છે? કેમ લાગે છે તમને?

જવાબ આપ્યો ભાઇ તમે તો એવી રીતે જમાડો છો.જાણે ભગવાન જેવું લાગે છે.

પાર્ટી મુંઝાઈ ગઈ: કેમ ભગવાન જેવું?

મેં કીધું કે અરે પ્રભુ જેમ ભગવાનને નૈવેદ્ય ધરીએ ત્યારે કેવી નાની નાની વાટકીમાં પ્રસાદ ધર્યો હોય એમ લાગે છે. દેખાય બધું
પણ વાટકી એવી નાની કે આંગળા નાખીએ તો આંગળી સલવાઈ જાય અને ભેગી વાટકી પણ આવી જાય છે.

પછી વાટકી બદલાવી આપી.


ગુજરાતી થાળી પુરાણ - ૧

ગુજરાતી થાળી પુરાણ - ૧



ગુજરાતી થાળી... વેલ આમ જુવો તો ગુજરાત ઉપરાંત ભારત અને ભારત બહારની પણ અનેક વાનગીઓએ એમાં સારી રીતે અડીંગો જમાવ્યો છે.

વિદેશમાં તો કોર્સ પ્રમાણે ભોજન સર્વ થાય. સ્ટાર્ટર, સુપ બાદમાં મેઈન કોર્સ અને છેવટે ડેઝર્ટ. આ બધું જ હકડે ઠઠ્ઠ એક સાથે એક જ થાળીમાં ખડકાય એટલે ગુજરાતી થાળી. 

એમાં પાછું તહેવારોમાં બહાર જમવા જવાનું માહત્મ્ય. અને એ પણ પરંપરાગત ભોજન જ.  

અમદાવાદમાં તમે કોઇ પણ ગુજરાતી થાળી જમવા જાવ એટલે મોટી થાળી મુકાય, અંદર ૫-૬ વાટકા અને બે ત્રણ ડીશો મુકાય, અને એક ચોતરફો હુમલો થાય.

અને દે ધનાધન બુટીંયાવાળા વેઇટરો ફરજના ભાગ રૂપે બોમ્બમારો કરતા હોય એમ મંડ્યા થાળીમાં બધું ઠલવવા લાગે.

આપણો હાથ આપણા મોઢા સુધી ન પહોંચે એમ બસ પીરસ્યા જ કરે.

પીળા પચરક સાફા પહેરેલા કેપ્ટન કે હેડ વેઈટરનો હોદ્દો ધરાવતા સજ્જન આવીને પુછે બીજો સું જોવે?

આવી પરિસ્થિતિમાં જો તમે કહો કે મોટા શ્વાસ તો ખાવા દે,

એ સાફાધારી અવાજ કરી જ નાખે કે હટે... એક ડીશ લેતો આય.........

#આ_તો_એક_વાત

શુક્રવાર, 20 ઑક્ટોબર, 2017

મુંબઈની દિવાળીની મજા દાયકાઓ પહેલાં

વીડીયો કિલ્ડ ધ રેડીયો સ્ટાર... આવું એક પશ્ચિમી ગીત હતું જેની બેઠ્ઠી ઉઠાંતરી ભપીદાએ કોઈ યહાં નાચે નાચે... ગીત બનાવ્યું. વેલ ઉઠાંતરી એ મુદ્દો નથી. મુદ્દો આજે વોટ્સએપ વડે સંદેશ મોકલી લાગણીઓ વ્યક્ત કરી દીધી. રૂબરૂ મિલન મુલાકાત ના શિષ્ટાચાર હવે દુર્લભ થતા જાય છે.

કેટલીક વાતો હવે નોસ્ટાલ્જીક જ લાગે.

સવારે પાંચ વાગે ઉઠી ન્હાઈને તૈયાર થઈ જવાનું. ગોવાલીયા ટેંક પાસે લક્ષ્મી નારાયણ મંદિર, બાબુલનાથ, મુંબાદેવી, મહાલક્ષ્મી અને બિલ્ડીંગ ના જ કબીરવાડી હનુમાનજી દર્શન.

મારા ફુવા બોરીવલીથી પહેલી લોકલ (ચાર વાગ્યા ની) પકડીને ગ્રાન્ટરોડ સ્ટેશનથી મુંબાદેવી દર્શન કરી સાડાપાંચ વાગ્યે અમારા ઘરે આવે. એમના આવતાં પહેલાં તૈયાર થઇ જવું એ આદેશ રહેતો.

રાજકોટ ખાતે લગભગ આવો જ કાર્યક્રમ હોય. પણ અમદાવાદમાં આવ્યા બાદ હવે રીલેક્સ થયું. પહેલી દિવાળીના દિવસે પાડોશીઓ બઘવાઈ ગયા કે આટલા વહેલી સવારે ક્યાં? જણાવ્યું કે મંગળા દર્શન કરવા. બપોરના એ પુછવા આવ્યા કે ઘરે બધાને સારું છે ને? આટલા બધા તમારા ઘરે આવ્યા એટલે. વેલ સમય અને સ્થળ અનુસાર બદલાવ આવતો જ રહે છે.

વેલ પાછા મુંબઈમાં

સાત વાગતાં દેવ દર્શન કાર્યક્રમ પુર્ણ થયો હોય. પુણ્યના ભાથા ભર્યાં બાદ હવે પેટ ભરવાની વેતરણ હોય.

બિલ્ડીંગ ના છોકરાંવના ચાર ગૃપ પડે (ઉંમર અને જેન્ડર અનુસાર) અલગ અલગ બ્લોકથી શરૂઆત થાય. વીસ-પચ્ચીસ નું એક ટોળું હોય. સામુહિક હુમલો થાય... પહેલાં ઘરના તમામ સદસ્યો ને પગે લાગી, નૂતન વર્ષાભિનંદન કરવાનું અને પછી ટેબલ ઉપર પડેલી વાનગીઓ, મુખવાસ પર ત્રાપડ બોલે. આવું 240+ ઘરમાં થાય અને એટલી ઝડપ કે સાડા દસ વાગે મેદાનમાં ફટાકડા ફોડવા હાજર રહેવું જરૂરી હોય. ખીસ્સા તરબતર હોય. ચોકલેટ, ટોફીઝ, મુખવાસ અને પેક્ડ મીઠાઈ. એ, બી, સી બ્લોક અને એક થી ચાર માળ સતત દોડતાં રહેવાનું. જ્યારે અન્ય ગૃપ ક્રોસ થાય ત્યારે માહિતી આપ-લે થાય. ક્યાં શું છે.
સાડાદસ સુધીમાં સિનિયર બોય્ઝ મેદાનમાં આવે. જેટલા બિલ્ડિંગ માં રહેતા લોકો દર્શન કરવા કે અન્ય કારણે બહાર નીકળે તેને પગે લાગી ફટાકડા ફંડ એકત્ર કરવામાં આવે. અને લેમિંગ્ટન રોડ પોલીસ સ્ટેશન સામે આવેલ વેલજી ભાઈની દુકાનમાં થી ફટાકડા આવે. મુખ્યત્વે બોમ્બ હોય અને આકર્ષણ રૂપ હોય 10000ની લુમ (લાંબી તડાફડી) વીસ મિનિટ માટે મેદાન માં યુદ્ધ ભુમિ જેવો હાલ હોય.

નાણાવટી ભાઈ સળગતી લુમને ફેરવીને લોકોને ચકીત કરતા.

અગ્યાર વાગે સમુહમાં ઉજવણી સમાપન થાય અને પછી પરિવાર એક બીજાને ત્યાં બપોર સુધી ફરતા રહે.

બપોરના અઢી બાદ પરાંમાં રહેતા સગાં ની શરૂઆત થાય. પાર્લા, ખાર, અંધેરી, બોરીવલી અને ઘાટકોપર. હવે સવારની સફેદ ચાદર થોડી મેલી થઈ હોય, નાસ્તા ના બાઉલ સતત રીફીલ થતા રહે. કેલ્વર્ટના શરબતના શીશા સ્ટોક ચેક થતા રહે. રાત્રે દસ સુધી ધબધબાટી હોય. પછી ગરમાગરમ ફુલવડા જમવામાં આવે. બીજા દિવસે પરાંમાં જવાનું હોય. મામા, કાકા અને અન્ય સગા વહાલાં ને ઘરે.

અને બદલાયેલા ડટ્ટા કેલેન્ડર માં આવતી દિવાળી ક્યારે છે તે જાણી એના આયોજન શરૂ થાય.

#આ_તો_એક_વાત #એ_પણ_શ્રેષ્ઠ_દિવસો_હતા

મંગળવાર, 17 ઑક્ટોબર, 2017

દિવાળીની મજા ૧૯૮૦ ના દાયકાની વાત

આજે સાંજે ગુરૂકુળ રોડ, વ્યાસ વાડી અને નારણપુરાના માર્કેટમાં અવર્ણનીય ભીડ જોઈ બાળપણમાં એક યાત્રા આપોઆપ થઈ ગઈ. 1977 - 1984.

મુંબઈમાં રવો, મેંદો, ખાંડ, સિંગતેલ કે ઈવન આરે ડેરીનું દુધ...સવારના એક હળવો અવાજ મિતેષ ચાલો દુધનો સમય થયો. અને સવારે સાડા પાંચ વાગ્યે લાઈનમાં ઉભા રહી જવાનું. ખુદના કાર્ડ (યસ ક્વોટા મુજબ જ મળે) ઉપરાંત જે પાડોશીઓ વેકેશનમાં દેશ માં ગયા હોય એમના પણ કાર્ડ સાથે. સાત વાગ્યા સુધીમાં દુધ મળી જાય. જેના પાસે કાર્ડ ન હોય એને "પરત રાંગેત યા, જાસ્ત અસેલ તર મિળેલ".

દુધ બાદ તેલની લાઈન અને રવો મેંદો અને ખાંડની લાઈન. આ બધું અઢીસો ગ્રામ પ્રત્યેક વ્યક્તિનું.
મીઠાઈ અલભ્ય અને માવો લેવા દાદર જવું પડતું. ગ્રાન્ટરોડ શાકભાજી માર્કેટ મોંઘુ. એટલે ભાયખલ્લા કે ક્રોફર્ડ માર્કેટ જ જવું પડતું.

મહેમાનો ઘરે પધાર્યા હોય, મુંબઇ દિવાળી કરવા અને ફરવા. એમને આ જફામાં પાડવાના ન હોય.

લગભગ ત્રણ દિવસની ફિલ્ડિંગ બાદ પુરતો સ્ટોક થાય. હા દુધ માટે રોજ.

બપોરના બે વાગ્યા બાદ મહેમાનોને મુંબઈમાં ફેરવવા લઈ જવાની જવાબદારી. અને એ પણ પદયાત્રા. હેંગીંગ ગાર્ડનથી નરીમાન પોઈંટ (બીજી વાર મહેમાન હિંમત ન કરે એટલી જ ભાવના  ) અને થાકેલા મહેમાનો મીઠી ફરીયાદ કરે કે આ મિતેષ બહુ ચલાવે.

અને રાત્રે ગણતરીના ફટાકડા ફોડવામાં આવે.પછી અંતાક્ષરી, રંગોળી અને જ્યાં જગ્યા મળે ત્યાં ઉંઘી.જવાનું. એમાં પણ આનંદની અનુભૂતિ થાય.

ઓછપ ક્યારેય નહોતી અનુભવી. એક રૂમ રસોડાના ઘરમાં સત્તર થી વિસ મહેમાનો સાથે સંકડામણ નહોતી અનુભવી. સ્ટેશન (મુંબઇ સેન્ટ્રલ ઘરથી વોકિંગ ડીસ્ટન્સ) લેવા જવામાં પણ ઉમળકો હતો.

ભભકો વધ્યો, ભૌતિક સુખ સગવડો વધી. પણ પારીવારીક આત્મિયતા આજે અલભ્ય છે.

શનિવાર, 30 સપ્ટેમ્બર, 2017

સંવેદના અને ખુમારી

આને લઈને ચક્કર મારવા નીકળી?

બે અઢી વરસની છોકરીને આંગળી પકડીને જતી એની મોટી બેનને કોઈએ પુછ્યું.

જવાબ: હા એ કંટાળતી હતી અને છોકરાંવ થોડું કાંઈ સમજે?

વેલ મોટી બેનનો ઠાવકો જવાબ પણ આવ્યો.

મોટી બેન ઉંમર આશરે પાંચ કે છ વરસની.

મોટીબેન ખરા અર્થમાં એક પરિપક્વ, જવાબદારી સંભાળી એના પરીવારને સંપૂર્ણ રીતે મદદ કરે છે.
આ ફોટો ફક્ત સીમ્બોલીક છે. અને ઇન્ટરનેટ પરથી લીધેલો છે. 

સોસાયટીમાં રહેતા લોકોના કપડા ઈસ્ત્રી કરવાનું કામ એ બાળકોના માતૃશ્રી કરે છે. દોઢ વરસ પહેલાં એક અકસ્માત થયો અને એ બહેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ એની મોટી પુત્રી સવારે અને સાંજે ઘરે ઘરે ફરી કપડાંની ડીલીવર કરે કલેક્શન કરે અને બાળ સહજ આનંદ ઉલ્લાસથી રમતી હોય.




કોઈ બોજની લાગણીઓ નહી, કામ કરે છે એનું કોઈ ટેન્શન નહી. કોઈ સમક્ષ ખોટી ફેવર માટે માંગણીઓ નહી. નરી ખુમારી સાથે એ ત્રણ જણાનો પરીવાર માથું ઉંચુ રાખી જીવે છે. હવે તો એક સ્કુટી પણ વસાવી લીધું છે.
એ પરીવાર મારી સોસાયટીમાં જ કામ કરે છે. એમની પ્રાઈવસી માટે ફોટોઝ નથી મુકતો.
હકારાત્મક અભિગમ સાથે જીવવું સરળ છે. અનેક ઉદાહરણો મળી શકે. ફકત નજર કેળવવાની જરૂર છે.

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2017

ખુદ્દારી અને ખુમારી... સલામ છે એ સજ્જનને.

ખુમારી ::

ગયા અઠવાડીયાની આ વાત છે. રાત્રે વરસાદ હતો અને પાલડીથી નવરંગપુરા માટે રીક્ષામાં બેઠો.

મીટર ઝીરો કરવા માટે આગળ નાની લાઈટ કરી રીક્ષા ચાલકે ખાત્રી કરાવી કે જોઇ લેજો. મીટર ઝીરો કરેલ છે.

એ લાઈટના થોડા પ્રકાશમાં એ રીક્ષા ચાલકના હાથ ઉપર ગાંઠ જેવા બે ત્રણ ગઠ્ઠા (હથેળીથી કોણી વચ્ચે) દેખાણા.

ફોટો સીમ્બોલીક છે. 
સાહજીક રીતે પુછ્યું - આ કોઈ તકલીફ છે કે કોઇ ઇજા?

રીક્ષા ચાલક: મારી કીડની છેલ્લા બે-ત્રણ વરસથી ફેઈલ છે. અને હવે અઠવાડીયે બે વખત ડાયાલીસીસ કરાવું છું. અને એના કારણે વેઈન આ રીતે દેખાય છે. આજે જ રાત્રે દસ વાગ્યે સીવીલમાં મારો ટર્ન છે. એટલે સવારના ૩ સુધી ઉજાગરો રહેશે.

હું: એક ડાયાલીસીસનો કેટલો ખર્ચ આવે છે?

એ: સરકારી મદદ છે. કોઇ ખર્ચ તો નથી, પણ ત્યાર બાદ થોડી દવાનો ખર્ચ આવે છે જે આ રીક્ષાનો વ્યવસાય પુરો પાડે છે.

હું: કોઇ મદદ કરી શકું તમને દવા માટે?

એ: આભાર. મેં ત્રીસ વરસ કાપડ મીલમાં નોકરી કરેલ છે. મીલ બંધ થઈ, બેકારી આવી અને ત્યાર બાદ શરમ મુકી આ રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું. પંદર વરસથી ચલાવું છું અને શરીર ચાલે ત્યાં સુધી રીક્ષા ચલાવીશ. પછી હરી ઇચ્છા. મદદ મારા પુત્ર પાસેથી પણ નથી માંગતો.

અને મીટર મુજબ જ ભાડું લઈ એ રવાના થયો. સલામ એના સ્પીરીટને.

#આ_તો_એક_વાત 

મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2017

વાંચનની ભુખ કેમ વિકસે? : Hunger for Reading

વાંચનની ભુખ કેમ વિકસે?

હું શાળા અભ્યાસ દરમ્યાન ટ્રાવેલોગને રવાડે ચડ્યો અને ત્યાર બાદ વલસાડ નગરપાલીકા સંચાલીત લાયબ્રેરી જે કેટલાક પારસી દાતાઓને કારણે પુસ્તકોથી સમૃધ્ધ હતી.

પેપર બેક કલેક્શન ત્યાં બે-ત્રણ કબાટ ભરીને હતા. તે વિભાગ આજુબાજુ સ્કુલ કોલેજની છોકરીઓ અને યુવાન સ્ત્રીઓનો ધસારો વધુ રહેતો. કારણ મીલ્સ એન્ડ બુન્સની સીરીઝ તેમાં મુખ્યત્વે રહેતી. એક વખત ધસારો ઓછો હતો અને થોડું એ પેપર બેક કલેક્શન જોતો હતો ત્યાં આર્થર હેઈલીની સ્ટ્રોન્ગ મેડીસીન હાથમાં આવી.

૧૯૮૪માં પ્રકાશીત નવલકથા. લાયબ્રેરીયનને પુછ્યું કે આ કેવી હશે?

જવાબ: તું જ વાંચીને કેજે. બીજા ને કેવા થહે.

સાંજે ઘરે લઈ ગયો.

અને લગભગ બે સીટીંગમાં નવલકથા પુર્ણ કરી. આર્થર હેઈલીની વિશેષતા વીશે ત્યારે તો કશો ખ્યાલ જ ન હતો. પણ આ નવલકથા વાંચ્યા પછી એમ લાગ્યું કે આ લેખક ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં સેલ્સ પ્રોફેશન જોડે સંકળાયેલ હશે. માટે જ આટલું ઝીણવટ ભર્યું લખી શકયા હશે.

વડીલો પાસે અને બીજા વાંચકો પાસેથી વિસ્તૃત જાણવા મળ્યું કે તેઓ હંમેશા કોઇ એક ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને પ્લોટ તૈયાર કરે અને એટલી ઝીણવટ અને સચોટ માહિતિ સાથે લખે કે તમને પર્ટીક્યુલર ઇન્ડસ્ટ્રી વીશે પણ ઘણી ઉંડાણમાં માહિતિ મળે. ખુબ ઉંડુ રીસર્ચ, હીરો હંમેશા વાસ્તવીક ગ્રાઉન્ડ રીયાલીટી ધરાવતો સાધારણ મનુષ્ય જ હોય.

સ્ટ્રોન્ગ મેડીસીનમાં પણ એક ફાર્મા કંપનીની રીપ્રઝ્ન્ટેટીવ મહીલાની વાત છે. જે મહાત્વાકાંક્ષી અને સેલ્સ કારકીર્દીમાં સત્યને માટે લડાઇ લડતી બતાવી છે. કારકીર્દીમાં શીખરો સર કરવા અને પરીવારને પણ પ્રાધાન્ય આપવું વગેરે. એક ડોક્ટર કે જે એમને હોસ્પીટલમાં સેલ્સ કોલ વખતે પ્રથમ વખત મળે છે. અને આ ફાર્મા રીપ્રેઝન્ટેટીવ એક અન-ટેસ્ટેડ દવાની ભલામણ કરે છે કે જે પેશન્ટને માટે ક્રીટીકલ હોય છે. અને એ પરીચય લગ્નમાં પરીણમે છે.

કંપનીના પ્રેસીડન્ટ થવા સુધીની મહાત્વાકાંક્ષા, વિશ્વ સ્તર ઉપર કંપની, પ્રોડક્ટને લઈ જવાની પ્રેક્ટીસ અને રાજકારણના ઓછાયા...

જબરદસ્ત વર્ણન છે. ક્યારેક તો ફાર્મા ઇન્ડસ્ટ્રી સેલ્સ મેન્યુઅલ જેવી ડીટેઈલ્ડ માહિતિ સાથે લખાયેલ નવલકથા લાગે.
કોઇ પણ સેલ્સ પ્રોફેશનલ કે સેલ્સ મેનેજમેન્ટનો રસ ધરાવતો વ્યક્તિ માટે આજે પણ આ શ્રેષ્ઠમાંનું એક વાંચન છે.
આર્થર હેઈલીના આ પ્રથમ પરિચયથી અંજાઈને અન્ય નવલકથાઓ પણ શોધી.

અને લાયબ્રેરીમાં ત્રણ પુસ્તકો મળ્યા મને.

એરપોર્ટ - એરપોર્ટ પોલીટીક્સ ઉપર
હોટેલ - હોટેલ ઇન્ડ્સ્ટ્રીની આંટીઘુંટી
મની ચેઈન્જર્સ. - જે અમેરીકન બેંક સીસ્ટમ ઉપર આધારીત હતી.

એક એક નોવેલ જે તે ઇન્ડસ્ટ્રી વીશે ઉંડાણ પુર્વકના રીસર્ચ આધારીત. એક્સ્ટ્રીમ ડીટેઇલીંગ સાથે.

ઉપરાંત અન્ય પુસ્તકો પણ એકદમ પ્રખ્યાત છે.

વ્હીલ્સ - ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર
ઓવર લોડેડ - કેલીફોર્નીયા રાજ્યમાં સર્જાયેલી પાવર કટોકટી ઉપર
ઇવનીંગ ન્યુઝ - નેટવર્ક ન્યુઝ કાસ્ટ ઉપર
ડીટેક્ટીવ - ઇન્વેસ્ટીગેટીવ રાજકારણ ઉપર
રન-વે ઝીરો એઈટ - પાયલોટ અને પેસેન્જરને ફુડ પોઈઝનીંગ થાય અને કઈ રીતે એ હવાઈ જહાજને નીચે ઉતારે છે.
હાઈ પ્લેસીસ - અમેરીકન રાજકારણ - શીત યુધ્ધ પરિસ્થિતિ દરમ્યાન
ફાયનલ ડાયગ્નોસીસ - હોસ્પીટલ પોલીટીક્સ પેથોલોજી વિભાગની નજરે.

હાં તો એ પેપરબેક સેક્શનમાં બીજા એક ધુરંધર લેખકનો પરિચય થયો, અને એના વીશે વિસ્તૃત મારા ફાધરે મને જણાવ્યું.
એલીસ્ટર મેક્લેઈન.

એમના વિશે હવે પછી.
આભાર.

મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2017

Time Management

સમય પાલન ક્યારેક(!!) ઉપયોગી પણ નીવડી શકે (આમ તો હંમેશા)

હું એક NGOનો ૧૯૯૮માં નવો નવો સદસ્ય બન્યો હતો. અને એક ગુરૂવારે સર્ક્યુલર આવ્યો કે Fortune 500 કંપનીઓના કન્સલ્ટન્ટસ સાથે એક કલાક મેનેજમેન્ટના વિષયો પર વાર્તાલાપ.

વાર: રવીવાર અને સમય: બપોરના ૩.૦૦ થી સાંજે ૪.૦૦

પહેલી હરોળમાં સીટ્સ મળે અને શાંતીથી એમનો વાર્તાલાપ સંભળાય એ માટે રવીવારે બપોરના ૨.૪૦ વાગ્યે પહોંચી ગયો. હોલ બહાર તો સન્નાટો. થયું કે હું જ છેલ્લો હોઈશ અને બધા ગોઠવાઈ ગયા હશે.

અંદર જઈને જોયું તો હોલ ખાલી હતો. ૨.૫૦ જેવો સમય થવા આવ્યો. હજુ તો બેઠક વ્યવસ્થા ઠીક કરાવું ત્યાં ૨.૫૫ એ તમામ દિગ્ગજ મહેમાનો આવી પહોંચ્યા.

એમણે પરિસ્થિતિ જોઈ અને એક જ સેકન્ડમાં નિર્ણય લીધો. કે વક્તાઓ ત્રણ અને શ્રોતા એક? સ્ટેજ ઉપર તો નહી બેસીએ. પણ એક રાઉન્ડ ટેબલ પર ગોઠવાઈ ગયા. અંદાજે પચાસ મિનિટ અમે ચાર (આમ તો એ ત્રણ વાતો કરતા રહ્યા અને હું સાંભળીને સમજવાનો પ્રયત્ન) પણ ઘણું જાણવા મળ્યું. અને છેલ્લી દસ મિનિટ બાકી હતી ત્યાં સંસ્થાના પ્રમુખ, સેક્રેટરી અને ચાર-પાંચ સદસ્યો આવી ચડ્યા.

પછી એ સ્પીકરે લોકોનું માન રાખતાં કહ્યું કે કોઇ પણ બે સવાલના જવાબ આપશું. કારણ હવે ચાર વાગવા આવ્યા છે અને ૪.૩૦ થી ૬.૩૦ અમારે રામકૃષ્ણ આશ્રમમાં સેશન છે. બાકી જે જાણવા જેવું હતું તે મિતેષને જણાવ્યું છે એની પાસેથી જાણી લેજો.

ખરેખર દિગ્ગજો જ હતા. એમના નામ અંહી રજુ નથી કરતો. અને એ તમામ દિગ્ગજો રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં બે દિવસના સેશન માટે જ આવેલ હતા. અને એમના ખાલી સમયમાંથી એમણે મુશ્કેલીથી એક કલાક ફાળવ્યો હતો.

#આ_તો_એક_વાત

Gir Pride Story

કોઇ પણ પ્રદેશની વિશેષતા કે પ્રતિષ્ઠા પર જોયા જાણ્યા વગર પ્રહાર ન કરવો. નહીતર?

આવો એક કિસ્સો મને મારા કઝીને સંભળાવેલો. તે વાઇલ્ડ લાઇફનો ખુબ અભ્યાસી તેમજ અનુભવી અને ગીર નેશનલ પાર્કનો પ્રેમી. ત્યાંના બધા સીદી-બાદશાહ કે જે ગાઈડ તરીકે પણ સેવા આપે છે. તેમાંનો એક મારા કઝીનનો મિત્ર. આ વાત ૧૯૮૯-૯૦ અરસાની છે.

આ વાત એના જ શબ્દોમાં...

અમે એ ગાઈડને કીધું કે ક્યારેય તને મોજ આવી હોય એવી કોઇ વાત કર.

તો એ કહે કે એક વખત દિલ્હીથી એર-ફોર્સના બહુ જ મોટા અધિકારી તેમના પરીવાર સાથે ગીરમાં સિંહ દર્શન માટે આવેલ. ઉપરથી ખુબ ભલામણ આવેલ કે સાહેબનું ધ્યાન રાખજો. સિંહ દર્શન તો થવા જ જોઇએ. VVIP છે. એમને તકલીફ ન થાવી જોઇએ. અને ઝાઝા સિંહ બતાડજો.

મારણની વ્યવસ્થા કરી અને મારણ બાદના સિંહ દર્શન થયા (મારણ કરેલું હોય એટલે સિંહ આરામ અવસ્થામાં હતા) અને તે વખતે સાહેબના ધર્મ પત્ની ઉર્ફે મેડમના મોઢામાં થી શબ્દો નીક્ળ્યા કે આ તો કુતરા જેવા છે.

ગાઇડ કહે કે આપણા સિંહને કુતરો કીધો??? કાંઇક ચોક્ક્સ હરકત એમણે કરી (વ્હીસલ વગાડી) અને અચાનક સિંહ ત્રાડ પાડીને ઉભો થઈ ગયો. (સામાન્ય રીતે ૩-૪ કી.મી. રેડીયસમાં ત્રાડ સંભળાય) અને આ તો ફ્ક્ત ૩૦-૪૦ મીટર દુર ઊભા હતા.

પછી.........

મેડમ સાહેબને પડતા મુકી ગાઇડને વળગી ગયા હતા અને ગાઇડની ભાષામાં ’સણીયો પલળી ગ્યો તો’.. અને ૪ દિવસનો પ્રોગ્રામ પહેલી સાંજે પુરો અને કાફલો તાત્કાલીક રવાના થઈ ગયો.

ગાઇડ ગુજરાતીમાં કહી દીધું કે .. બીજી વાર આવું ન બોલતા હો ભાય...

#આ_તો_એક_વાત

Importance of Timing in Humor

રમુજમાં ટાઈમીંગનું ઘણું મહત્વ છે. અને યોગ્ય સમયે યોગ્ય શબ્દ કે વાક્ય આખા વાતાવરણને રમુજથી ભરી નાખે છે. ક્યારેક અણધારી જગ્યાએ અમસ્તી જ રમુજ મળી આવે. ફક્ત ધ્યાનથી સાંભળવાની જ જરૂર રહેતી હોય છે.

૧૯૯૧-૯૨માં હું રાજકોટ શીફ્ટ થયો હતો અને રૈયા રોડ ઉપર વોહરાની આયુર્વેદ દવાની તેમજ દેશી ઓસડીયાં અને કરીયાણાની દુકાન. ત્યાં હંમેશા જબરી ભીડ રહેતી હોય છે. અને એમની વિશિષ્ટ પધ્ધતિ... તમે ઓર્ડર આપો એટલે કાઉન્ટર ઉપરથી અંદર વજન અને પેકીંગ માટે બુમ પડે.
એક સાંજે હું ત્યાં વરીયાળી અને અન્ય વસ્તુઓ લેવા ગયો હતો.
ત્યાં મારી આગળ એક બહેન ઉભા હતા અને એમણે ઓર્ડર આપ્યો.. કે અઢીસો ગ્રામ સુવાદાણા આપજો.
અને કાઉન્ટર ઉપરથી બુમ પડી... બેનને સુવા દેજે...
.
અને
.
હજી વજન કહેવા જાય ત્યાં બીજો બોલ્યો કે મને પણ બસ્સો સુવા દાણા...
ત્યાં પાછી રાડ પાડી કે સાથે ભાયને પણ સુવા દેજે....
.
.
.
બેય નોખા પડીકાં એક અઢીસો અને બીજા બસ્સો..
પણ ત્યાં સુધીતો પરિસ્થિતિ હાસ્ય હુલ્લડમાં પરિવર્તીત થઈ ચુકી હતી. પરંતુ એ કાઉન્ટર પરની વ્યક્તિ એના કામમાં એટલી મશગુલ હતી કે રહી રહીને એમને ખ્યાલ આવ્યો કે શું કહી બેઠા....

#આ_તો_એક_વાત

સોમવાર, 6 ફેબ્રુઆરી, 2017

લગ્નના ડાંડીયા રાસ કે ત્રાસ?

કેટલુંક ઓબ્ઝર્વેશન.
આ લગનગાળા આવે અને સાથે સંગીત શંધ્યા ઉપ્પ્સ્સ્સ્સ મ્યુજીકલ ઇવનીંગ લાવે. સાથે ડાંડીયા રાસની રમઝટ હોય. વેલ આ ડાંડીયા રાસ તો સમજી શકાય. એમાં રમવાની મજા પણ આવે.
પરંતુ જોવાની મજા જોઈએ તો?
ડાંડીયામાં બધા થાક્યા હોય ત્યારે અચાનક કપાલ ડાન્સ.. ઉપ્પ્સ્સ્સ કપલ ડાન્સ શરૂ કરવા એક જગ વિખ્યાત ગીત વાગે
જબ કોઇ બાત બીગડ જાયે જબ મુસ્કીલ પડ જાયે...
તુમ દેનાઆઆઆ સાઆઆઅથ મેરાઆઅ ઓ હમનવાઆઆજ્જ્જ્જ જ્જ
હવે સમજી લેવું કે લગ્ન પ્રસંગે ડીસ્કામાં આ ગીત વાગે એટ્લે ગમ્મે ન્યાં બેઠા હોય (વાડી/પાર્ટી પ્લોટ/બેન્ક્વેટ/લોન/કે મંડ્પ) ની આજુબાજુ હોય કે અંદર હોય....
તરતજ ખબર પડી જાય કે હવે પીપણાં ફેરવવાનો કાર્યક્રમ શરૂ થયો.
કપાલ (જોનારા પોતાના કપાળ પર ટાપલા મારે એવા) ડાન્સ આઈ મીન કપલ ડેન્સ. ઘણા લગ્ન પ્રસંગોમાં આવા સંજોગોમાં મને તો બહાર જ કાઢે. હાલો મિતેષભાઇ બહાર ચા પીવા જઈએ. હવે સમજાય નહી કે રાત્રે દસ વાગ્યે કોણ ચા પીવડાવશે? પણ ઉદ્દેશ એ ખરો કે આવી પોસ્ટમાં એમનું નામ ન આવે.
અને કેવા કેવા તો એક્સ્પ્રેક્સન આપે.
- કપલીયા ભલે છેતાલીસની ઉંમરના પણ સોળ વરસનાની જેમ શરમાતા જાય
- બે પાંચ વાર પગના આંગળા કચરે એકાબીજાના એટલે છણકા કરતા જાય
- ફુદેડી ફેરવે અને જો બેલેન્સ જાય એટલે માંડે ખીજાવા... મને ખબર જ હ્તી કે તમે પાડશો જ મને.
- દરેક લગનમાં આમ ઉલ્લારા લેતા હોય પણ આ ડેન્સ પતે એટલે - પેલ્લી વાર જ આમ ડેન્સ કર્યો. તમારા ભાઇ બવ શરમાય.
- અમુક છેલ છબીલા તો પાછા મોઢામાં લાંબી ડાંડલી સાથેનું ગુલાબ લઈને નાચે અને વચે ફુદડી ફરી ઢીચણીયા ભેર લપસી હાથ લંબાવીને ગુલાબ આપે. વવ પાછી એવી શરમાય જાણે ન પુછો વાત.
- અડખે પડખે વાળાને ધકે ચડાવે અને ખુરશીઓ ઠેબે ઉડાડતા જાય.
- નાના છોકરાંવ જે વચ્ચે રમતાં હોય એને અડફેટે લઈ લે.
પણ ઓવર ઓલ જોવાનો ખુબ આનંદ આવે.

#આ_તો_એક_વાત

રવિવાર, 15 જાન્યુઆરી, 2017

સંવેદના - એક નાના માણસનું મોટું કામ.

સંવેદના :::
પુસ્તક વિક્રેતાને ત્યાં ખુબ ભીડમાં એક થીગડાં વાળું શર્ટ અને ચડ્ડી પહેરેલો એક છોકરો ગાઈડ અને ટેક્સ્ટ બુક્સની કિંમત જોઈ અચકાતો હતો. અને ભીડમાં દુકાનદાર ચીડથી બોલ્યો કે ભાઇ જો લેવી જ હોય તો ઝટ કર. પાછળ ટોળું છે, બધાનો સમય ખોટી ન કર. કદાચ બાવીસ રૂપીયાના પુસ્તકો હતા.
શહેરના પૈસાદાર વર્ગના બે ત્રણ વડીલો બાળકો સાથે આવેલા હતા અને એમણે લગભગ ઉપહાસની ભાષામાં કહ્યું કે એ છોકરા જે પોસાય તે જ લેવાય... અને અટ્ટહાસ્ય પણ ફટકારી દીધું.
વલસાડના એક બુક સ્ટોરમાં ઉઘડતી શાળાએ હું પુસ્તકો લેવા ગયેલો હતો. હું ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો એ સમયે એ ટોળામાં ઉભો રહી હું પણ અસહાય અવસ્થામાં આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. ૧૯૭૭-૭૮ની આ વાત છે.
એ ભીડમાં એક મજુર જેવા કપડાં પહેરેલા સજ્જન આગળ આવ્યા અને એ બાળકને પુછ્યું કે કેટલા રૂપીયા જોહે તારે?
પેલો કહે કે મારી પાસે ૧૪ રૂપીયા છે હ્જુ આઠ ઘટે છે, કોઈ વાંધો ની, કાલે લૈ લેવા.
તો એ મજુરના પોશાકવાળા સજ્જને એ બાળકને વીસની નોટ આપી કહ્યું કે અન્ય કોઈ ચોપડી જોઈતી હોય તો તે બી લૈ લેજે. અને ઘટે તો કેજે મેં પછાડી જ ઉભેલો છે.
એ બાળકે આનાકાની બાદ રૂપીયા સ્વીકાર્યા અને આંખમાં આંસુ સાથે પુસ્તકો લઈ આભારવશ સ્મીત આપી રવાના થયો.
એ મજુર જેવા સજ્જન કહે કે ભણવું તો મારે બી અતું, પણ મને કોઈએ મદદ ની કરેલી. મારી જેવું ની થાય એટલે આ પોયરાને આય્પા. એમાં હું. અને એ પોતાની પુત્રીના પુસ્તકો લઈ રવાના થઈ ગયો.
પૈસાપાત્ર સજ્જનોના ચહેરા જોવા જેવા હતા. બાય ધ વે એ મજુર જેવા દેખાતા સજ્જન વલસાડમાં સ્કુલની બહાર સીંગ-ચણાની લારી ચલાવતા એ પછી ખબર પડેલી.

#અનુભવોક્તિ #આ_તો_એક_વાત  #Re_Post