હોમ

શુક્રવાર, 14 ઑક્ટોબર, 2016

એન્ટ્રેપ્રેન્યોર સીરીઝ : ખભે કોથળો ને દેશ મોકળો - Gujarati Book Review

એન્ટ્રેપ્રેન્યોર સીરીઝ : ખભે કોથળો ને દેશ મોકળો

Stay Hungry Stay Foolish - ગુજરાતીમાં ખભે કોથળો ને દેશ મોકળો. - રશ્મી બંસલ અને ગુજરાતી અનુવાદ - સોનલ મોદી.

હાલમાં સ્ટાર્ટઅપ શબ્દ ખુબ પ્રચલીત થયો છે. નવા સાહસ, નવી તકો અને નવી રીતે વ્યવસાય કરવાની પધ્ધતીઓ.

Stay Hungry Stay Foolish ૨૦૦૫ની સાલમાં સ્ટેન્ફર્ડ યુનિવર્સીટીના પદવીદાન સમારંભમાં આ વાક્ય સ્ટીવ જોબ્સની પ્રખ્યાત સ્પીચના સમાપનમાં એમણે કહેલું. એમના કહેવાનો અર્થ એ હતો કે જે મળ્યું છે તેનાથી સંતોષ ન માનવો પણ ખુદની જાતને વધુને વધુ ઉપલબ્ધી માટે સતત પ્રયત્નશીલ રાખવી.

આ વાક્ય એમણે ગુગલના જન્મના ૨૫ વરસ પહેલાના અમેરીકાના એક પ્રકાશન હોલ અર્થ કેટેલોગના ૧૯૭૧ના અંકમાં એમણે અભ્યાસ દરમ્યાન વાંચેલું. અને એને જીવન મંત્ર બનાવેલો. વેલ સ્ટીવ જોબ્સ વીશે તો ફરી ક્યારેક વાત.

પણ આ Stay Hungry Stay Foolish કે ખભે કોથળો ને દેશ મોકળો - આ પુસ્તક વીશે થોડી વાત કરીએ.

સામાન્ય રીતે IIM-A પ્લેસમેન્ટના સમાચાર આંખો ખોલી નાખે. કઈ કંપની કેટલા ઉંચા પેકેજથી કેમ્પસ હાયરીંગ કરે અને લગભગ દરેક મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ કદાચ એ સપનાઓ લઈને જ IIM-A કે અન્ય કોઈ પણ IIMમાં પ્રવેશ લેતો હોય છે.

આ સમુહમાં ૨૫ એવા વિરલ વ્યક્તિઓ હતા (વેલ બીજા પણ હશે) કે જેઓ પેકેજ કે પ્લેસમેન્ટની પરવા કર્યા વગર ખુદના સપનાઓને સાકાર કરવાની મહેનતમાં પડ્યા અને સફળતાના શીખરો સર કર્યા.

એમને ફક્ત એમના ભવિષ્યના સપનાઓ ઉપર જ વિશ્વાસ હતો.

આ પુસ્તકમાં આમ તો ૨૫ IIM-A મેનેજમેન્ટ ગ્રેજ્યુએટની સક્સેસ સ્ટોરી છે. પણ એમને ત્રણ ભાગમાં વહેંચી છે.

૧. બીલીવર્સ: એવા લોકો કે જેઓના માટે એન્ટ્રેપ્રેન્યોરશીપ પહેલેથી જ નક્કી કરેલો માર્ગ હતો. MBA થયા બાદ તુરંત જ કે એક-બે વરસના અનુભવ પછી સતત પ્રયત્નશીલ રહી સફળ થયા.

૨. ઓપોર્ટ્યુનીસ્ટસ: તેઓ એવું તો નક્કી કરીને MBA ન થયા હતા કે એન્ટ્રેપ્રેન્યોર જ થવું, સફળ નોકરી હતી, સારો પેકેજ પણ હતો. જ્યારે તક એમની સામે આવી ત્યારે તેમણે તકને ઝડપી ખુદનો વ્યવસાય શરૂ કર્યો અને સફળ થય.

૩. ઓલ્ટરનેટ વીઝનરી: આ એવા વ્યક્તિઓ વિશે છે કે જેઓએ એન્ટ્રેપ્રેન્યોરશીપ વડે સમાજ ઉપર ઉંડી અસર ઉભી કરી. અને એક એવું માધ્યમ પણ સર્જ્યું કે અન્ય લોકોને પણ વિસ્તૃત તક પણ સાંપડે.

૩૪૯ પેઈજનું આ પુસ્તક એક એવું પુસ્તક છે જેમાં નાના ૨૫ પુસ્તકો છે. પ્રત્યેક લોકોની સફળતાની કથા. એમણે જે પરિસ્થિતિમાં શરૂ કર્યું, જે મુશ્કેલીઓનો સામનો કર્યો. કઈ રીતે પાછા પડ્યા વગર સતત કાર્યશીલ રહી ટોચ ઉપર પહોંચ્યા...

અદભુત શૈલીમાં લખાયેલું પુસ્તક છે. પ્રત્યેક વ્યક્તિઓના ચેપ્ટર બાદ નવા એન્ટ્રેપ્રેન્યોરને માટે વિશેષ સંદેશ પણ એકદમ સચોટ છે. ૩૦૦,૦૦૦ કરતાં વધુ સંખ્યામાં વેંચાયેલ આ નોન-ફીક્શનમાં બેસ્ટ સેલર અને ભારતની આઠ ભાષામાં અનુવાદ પણ થયેલો છે.

આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પણ ખુબ જોરદાર છે.

આ પુસ્તક ૨૦૦૮માં એક મિત્રના ડેસ્ક ઉપર જોયેલું. અને ૨૦૦૯ જાન્યુઆરીમાં ક્રોસવર્ડ અમદાવાદમાં મેં લીધું. અમદાવાદ - રાજકોટ મુસાફરી દરમ્યાન અંધારૂં ન થાય ત્યાં સુધી વાંચ્યું અને ત્યાર બાદ અનેક વખત. પછી તો ગુજરાતી અનુવાદ પણ વસાવ્યો.

રશ્મી બંસલની એન્ટ્રેપ્રેન્યોર સીરીઝમાં આ પુસ્તક ઉપરાંત કનેક્ટ ધ ડોટ્સ (અગેઈન સ્ટીવ જોબ્સ પ્રેરીત શબ્દ છે), I have a Dream, Poor Little Rich Slum અને Follow Every Rainbow.

આભાર.

શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016

સેલ્ફ-હેલ્પ પુસ્તક Who Moved My Cheese - સ્પેનસર જહોન્સન. - Book Review

સેલ્ફ-હેલ્પ પુસ્તક Who Moved My Cheese - સ્પેનસર જહોન્સન.

વરસ ૨૦૦૨માં કોર્પોરેટ ટ્રેઈનીંગના ભાગ રૂપે એક સેશન હતું, ચેન્જ મેનેજમેન્ટનું. કારણ તો એ હતું કે ૧૮ વરસ એક એન્ટ્રેપ્રેન્યોર તરીકે કામ કર્યા બાદ મેં કોર્પોરેટ એસાઈનમેન્ટ લીધું હતું. ટેકનીકલી માલીક મટીને નોકર થયો. એટલે માનસીકતામાં પરીવર્તન, કાર્ય પધ્ધતીમાં પરીવર્તન જરૂરી હતા. અને મારી જેવા ઘણા લોકો હતા. એ દરેકને માટે કંપનીના લર્નીંગ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આયોજન થયેલું.

એ બે દિવસના વર્કશોપમાં વ્હુ મુવ્ડ માય ચીઝ - પહેલાં એનો વીડીયો અને ત્યાર બાદ ગૃપ ડીસ્કશન, પાવર પોઈન્ટ અને એક્સરસાઈઝ. અંદાજે ૩ કલાકનું પાવર પેક્ડ સેશન હતું.

પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ. દરેક જગ્યાએ ખુબ કામ લાગે તેવી શીખ મળી. અને એકદમ પ્રેક્ટીકલ. રોજબરોજના જીવનમાં કામ લાગે તેવી.

આ સેશન પુર્ણ થયા બાદ એ પુસ્તક લેવું એવી સલાહ પણ મળી. ચર્ચગેટ સેન્ટ્રલ ટેલીગ્રાફ ઓફીસનો ફુટપાથ એક સમયે કદાચ વિશ્વનો સહુથી મોટો પુસ્તક મેળો હતો. ક્રોસ મેદાનના છેડે આવેલ પારસીના કુવાથી ફાઉન્ટેન સુધી અને એ જ રીતે સામેનો ફુટપાથ. પુસ્તકોથી ભરપુર. એ ફેરીયાઓ ભલે વાંચતા નહી હોય, એમનું શિક્ષણ કેટલું હશે તે ખબર નહી હોય, પણ તમે લેખકનું નામ આપો કે પછી વિષય કહો કે ટાયટલ કહો, ગણતરીની મીનીટમાં શોધી આપે.

તો સેશન પુર્ણ થયા બાદ ચર્ચગેટના ફુટપાથ ઉપરથી આ પુસ્તક શોધી કાઢ્યું. અંદાજે ૧૦૦ પેજની નાની એવી પુસ્તીકા જ કહી શકાય. પણ પાવર પેક્ડ. એશીયાટીક પાછળ આવેલી હોટેલમાં પહોંચી ૨ કલાકમાં તો વાંચી લીધી.

આ વાર્તામાં ચાર પાત્રો છે.

બે ઉંદર અને બે વ્યક્તિઓ (જે ઉંદર જેટલા જ નાના દર્શાવેલા છે).

ઉંદર - સ્નીફ અને સ્કરી
માણસો - હેમ અને હો

જીવન જીવવાની હોડમાં ભુલભુલામણી (મેઝ) તેઓ ચીઝ શોધતા રહેતા હોય છે.
ઉંદર - સામાન્ય ઉંદરનું જ મગજ (ઓબ્વીયસલી) અને સુંઘવાની ગજબ શક્તી.
માણસો - વિચક્ષણ મગજ (અગેઈન ઓબ્વીયસલી) અને માન્યતાઓ, લાગણીઓ સાથે.

એ ભુલભુલામણીની અંધારી ગલીઓમાં અનેક ચેમ્બર્સ, ગલીઓ અને ખુણાઓ હોય છે. અને ખોવાઈ જવાની પુરેપુરી શકયતાઓ પણ.

ઉંદરોની કાર્ય પધ્ધતી? - ટ્રાયલ અને એરર. પ્રયત્ન કરતા જ રહેવાનું, ખોવાઈ જવાય, અંધારી ગલીઓમાં દીવાલ સાથે ટકરાય, પણ પ્રયત્ન સતત કરતા રહેવાનું,.

માણસો? વિચારતા રહે, લાગણીઓ અને માન્યતાઓને આધારે પુર્વધારણા બાંધતા રહે,

એમને ચીઝ સ્ટેશન સી મળી આવે છે.

ઉંદર શું કરે? રોજ સવારે ચીઝ સ્ટેશન સી તરફ દોડી જવાનું. કારણ પર્યાપ્ત ચીઝનો જથ્થો છે.

માણસો? - તૈયાર થશે, આરામથી ચાલતા જશે, એમને ખબર જ છે કે ત્યાં ચીઝ છે. પુરતું છે. ખાત્રી છે. અને હવે જગ્યા પણ ખબર છે.

ચીઝ છે તો જીવન છે એ ચારેય ને ખબર છે. અને ચીઝ મળે એટલે ખુશી મળે.

અહીં ચીઝ એટલે?
- કારકીર્દી
- તંદુરસ્તી
- પરીવાર
- સુખ સગવડ સાથેનું ઘર
- સમાજમાં નામ, પ્રતિષ્ઠા
- સંપત્તી
- જીવનના તમામ ભૌતિક સુખ
- પાયાની જરૂરીયાત

એક સમય એવો આવે છે કે ચીઝ સ્ટેશન સી ખાલી થઈ જાય છે. ઉંદરોની નજર સતત ઘટતા જતા જથ્થા તરફ હતી. માણસો એ બાબતે તદ્દન બેફીકર હતા.

ઉંદરોએ આ પરિસ્થિતિને પહેલેથી માપી લીધેલી. પણ માણસો?
- આ અન્યાય છે.
- આમ કેમ ખાલી થઈ જાય?
- મારૂં ચીઝ કોણે ફેરવ્યું? Who Moved My Cheese?
- અને હતાશા છવાઈ ગઈ.

આ તમામ જરૂરીયાતો જેટલી મહત્વની લાગે એટલી જ એ પ્રત્યે આસક્તી વધે. એને કબજો જમાવી દેવાની પ્રબળ પ્રક્રીયા શરૂ થાય.

ઉંદરો આ દરમ્યાન શું કરતા હતા? એમણે બીજો કોઈ વિચાર કર્યા વગર નવું ચીઝ સ્ટેશન શોધવાનું શરૂ કરી દીધું અને આ જથ્થા કરતાં પણ વધુ જથ્થાવાળા ચીઝ સ્ટેશનને શોધી કાઢ્યું.

જ્યારે માણસો? હજુ વિશ્લેષણમાં સમય વ્યતીત કરતા હતા, અન્યાય (હું બીચારો) ગાથા સંભળાવતા રહ્યા, લાભ શોધતા રહ્યા અને આ મારો હક્ક કોઈ કેમ છીનવી લે? એ ચીંતામાં હતાશામાં રહ્યા.

બે માણસોમાં થી હો વિચારે છે કે હવે નવું ચીઝ સ્ટેશન શોધવું જ રહ્યું. અને હેમ કહે છે કે એ તો ભયાનક કલ્પના છે. મારી હવે ઉંમર થઈ, નિષ્ફળતા મળશે તો? ખોવાઈ જશું તો શું થશે? લોકો મને મુરખ ગણશે..

પરિવર્તન ન કરવા ને અભાવે બન્નેની તબીયત ઉપર અસર થવા લાગી.

ઘણી વખત પરિસ્થિતિ બદલાય છે, અને પહેલાં જેવી સ્થિતિ નથી રહેતી, અને આવી સ્થિતિમાં કેમ રીએક્ટ કરવું? જીવનમાં બદલાવ કેટલો જરૂરી છે?

વેલ... આખું તો સ્પેન્સર જહોન્સનના પુસ્તકમાં વધુ મજા આવશે.

આના ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે. સરળ, સમજી શકાય તેમ અને પ્રેક્ટીકલ. તેના અનુવાદક શ્રી અલ્કેશભાઈ પટેલ છે. અલકેશભાઈ આપનો ખુબ આભાર કે આ પ્રકારના પુસ્તકોને સરળ ગુજરાતીમાં લોકો સમક્ષ રજુ કર્યું.

અંગત જીવનમાં, પ્રોફેશનલ લાઈફમાં, અરસપરસના સંબંધોમાં. દરેક જગ્યાએ.
અંગત લાયબ્રેરીમાં આ પુસ્તક અનિવાર્ય ગણી શકાય.

- અગત્યનું: એ સેશનમાં સેલ્ફ હેલ્પ પુસ્તક કેમ વાંચવું એ પણ શીખ્યો. ફ્લોરોસેન્ટ હાઈલાઈટર અને સ્ટીકી પેડ / પોસ્ટ ઈટ (નાના પીળા કલરના) સાથે રાખવાના. અને જે મુદ્દો તમને આકર્ષીત કરે તેને હાઈલાઈટ કરતા જવાનું અને જે એમ લાગે કે આ અમલમાં મુકી શકાય તેમ છે. તો તેને પહેલાં સ્ટીકીપેડ ઉપર ટપકાવી, ડેસ્ક ઉપર નજર સમક્ષ રહે તેમ રાખવાનુ.

આભાર.