હોમ

સોમવાર, 14 ડિસેમ્બર, 2015

પપેટ ઓન અ ચેઈન - Gujarati Book Review

ઓલ્ડ ઇઝ ગોલ્ડ - વાંચવા જેવું એક પુસ્તક અને એવા જ જોરદાર લેખક.

પપેટ ઓન અ ચેઈન.

વલસાડ મ્યુનિસિપલ લાયબ્રેરીમાં જ્યારે આ પેપરબેક એડીશનમાં એ પુસ્તક જ્યારે મારી સમક્ષ આવ્યું ત્યારે ટાયટલ કવર જોઈ મુંઝવણ થઈ. શું હશે આમાં?

૧૯૮૨-૯૨ના દસકમાં આપણા દેશમાં અનેક ટેલીવીઝન સીરીયલ કે પછી ફીલ્મો.. એક કોમન સામજીક સમસ્યાને મેગ્નીફાઈ કરીને બતાડતા હતા. સમસ્યા? ડ્રગ્સ અને નાર્કોટીક્સ પ્રત્યે યુવા વર્ગનું વધતું આકર્ષણ અને એ ડ્રગ્સની નાગચુડમાં ફસાતું યુવાધન. જોકે એ સમસ્યા આજે પણ એટલી જ વિકરાળ છે.

વેલ.. આ પુસ્તક તો ૧૯૬૯માં લખાયેલું. લેખક એલીસ્ટર મેક્ક્લેઈન.

લેખક વિશે કોઈ વધુ માહિતિ તે સમયે મારી પાસે ન હતી. પણ લાયબ્રેરીયન જે ખુદ એક સારા વાંચક હતા એમણે મને કહ્યું કે તું આની બધી ચોપડી શોધતો ફરશે. લઈ જા. અને પછી મને કહેજે.

થ્રીલર અને સાહસીક કથાઓમાં સેલીબ્રીટી લેખક. સ્કોટલેન્ડમાં જન્મેલા અને બ્રીટીશ નેવી સૈનીક ૧૯૪૧-૪૬ એમણે બીજા વિશ્વયુધ્ધમાં પણ એક્ટીવ ભાગ લીધેલો. વિશ્વયુધ્ધ સમાપ્તી બાદ અંગ્રેજી ભાષા (એમની માતૄભાષા સ્કોટીશ) સ્નાતક થયા અને શિક્ષક તરીકે કારકીર્દી શરૂ કરી. વધુ આવક મેળવવા એમણે લઘુકથાઓ લખવાની શરૂ કરી. મુખ્યત્વે એમના નેવીના બેકગ્રાઉન્ડને કારણે મરીન પાર્શ્વભુમિ ઉપર એમણે લખ્યું અને નામના પણ મળી.

એમના યુધ્ધના અનુભવો ઉપરની પ્રથમ નવલકથા એચ.એમ.એસ. યુલીસીસ પ્રગટ થઈ અને એ જબરદસ્ત સફળતા પામી. એમની તમામ થ્રીલરમાં એક બાબતમાં સામ્યતા હતી કે સેક્સ બાબતે કે પ્રેમને ન બરાબર મહત્વ આપતા. એમનું માનવું હતું કે મુખ્ય વિષયને આવા મુદ્દા ચલીત કરી નાખતા હોય છે.

હા તો, પપેટ ઓન અ ચેઈન...

નેધરલેન્ડની પાર્શ્વભુમિ ઉપર લખાયેલી હેરોઈન સ્મગલીંગ અને એના રેકેટ ઉપરની જબરદસ્ત નવલકથા. પાત્રાલેખન, ઘટનાઓની હારમાળા અને હવે શું થશે? ટ્વીસ્ટ્સ અને વળાંકોથી ભરપુર.

આ વાંચતા એમ લાગે કે આમ્સ્ટર્ડમની શેરીઓમાં ગોડાઉન્સ, કેનાલ્સ વચ્ચે આપણે ખુદ તમામ ઘટનાઓ નજરે જોઇ રહ્યા છીએ. એમનું જે લેખન છે તે એક ઉમદા વાર્તાકાર - જાણે એ ઘટનાઓ આપણી આંખ સમક્ષ જ બની રહી હોય અને આપણે જોઇ રહ્યા હોઇએ. એટલું પ્રવાહી.

એક બેઠકે પુસ્તક પુર્ણ થાય એટલું રસપ્રદ છે.

સ્કીફોલ એરપોર્ટથી શરૂ થતી સતત બદલતી ઘટમાળ પળે પળે રોમાંચીત કરી મુકે. હિંસક ઘટનાઓ પણ ઝટકા આપતી રહે.

વધુ આ પુસ્તક વિશે લખીશ તો વટાણા અહીં જ વેરાઈ જશે.

આ બેસ્ટ સેલર નવલકથા હતી.

આ પુસ્તક ઉપરથી ૧૯૭૨માં હોલીવુડ મુવી પણ બન્યું હતું. અને તે પણ જબરદસ્ત સફળતા પામ્યું હતું.

જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે આ પ્લોટ ઉપરથી એક હિન્દી ચલચીત્ર પણ બન્યું હતું. ચરસ. ધરમેન્દ્ર- હેમા માલીની અભિનિત અને રામાનંદ સાગર દ્વારા નિર્મિત ચરસ કે જેનું શુટીંગ રોમ અને માલ્ટામાં થયું હતું.

વેલ - આ પુસ્તક બાદ બીજી નવલકથા હાથ લાગી તે હતી ફીયર ઈઝ ધ કી. અને ત્યાર બાદ વ્હેર ઈગલ્સ ડેર, ગન્સ ઓફ નેવેરોન, ફોર્સ ટેન ફ્રોમ નેવેરોન.

ફીયર ઈઝ ધ કી ઉપર હવે પછી.

વ્હેર ઈગલ્સ ડેર, ગન્સ ઓફ નેવેરોન અને ફોર્સ ટેન ફ્રોમ નેવેરોન. પહેલાં અંગ્રેજી વર્ઝન વાંચ્યા, ત્યાર બાદ ત્રણે ઉપર બનેલા બ્લોક બસ્ટર મુવીઝ જોયાં. અને ત્યાર બાદ આપણા ધુરંધર અશ્વીની ભટ્ટ સાહેબ અનુવાદીત ગુજરાતી પેપરબેક. અત્યારે ગુજરાતી અનુવાદ મળી રહે છે. વાંચવા માટે શ્રેષ્ઠ.

આભાર. :)

મંગળવાર, 10 નવેમ્બર, 2015

ગુજરાતની હાસ્ય ધારા - ગુજરાતી પુસ્તક રીવ્યુ

ઘરની લાયબ્રેરીમાં વસાવવા જેવું અને વાંચવા જેવું પુસ્તક.

ગુજરાતની હાસ્ય ધારા....

ક્યારેય એવી કલ્પના કરી છે કે કવિશ્રી ઉમાશંકર જોશી હાસ્ય લેખ લખે? ગુજરાતી ભાષામાં અમર દરીયાઈ સાહસ કથાના સર્જક શ્રી ગુણવંતરાય આચાર્ય હાસ્ય લેખ લખે?

સામાન્ય રીતે મહાન ગુજરાતી હાસ્ય લેખકોની યાદી કરીએ તો શ્રી વિનોદ ભટ્ટ, શ્રી તારક મહેતા શ્રી જ્યોતિન્દ્ર દવે, શ્રી બકુલ ત્રીપાઠી, ભદ્રંભદ્રના સર્જક શ્રી રમણભાઇ નિલકંઠ યાદ આવે. અને નવી પેઢીમાં શ્રી અશોક દવે, નિરંજન ત્રિવેદી, રતીલાલ બોરીસાગર ઉપરાંત અન્ય લોકો યાદ આવે. આમના કલેક્શન ઉપરાંત પ્રયોગાત્મક રીતે હાસ્ય લેખ અને એ પણ ઉમદા કક્ષાના. એવા અનેક લેખનું કલેક્શન એક જ પુસ્તક રૂપે મળે છે.

શ્રી ઉમાશંકર જોશીએ તો મંગ્લાષ્ટક લીમીટેડ નામનો સુંદર લેખ લખ્યો છે. વૈશાખ મહીને લગ્નગાળો ફાટી નીકળે અને એ સમયે કેવી બીઝનેસ ઓપોર્ટ્યુનીટી બધાને મળે તો કવિઓ કેમ રહી જાય? મંગલાષ્ટક લખવાની ઉજ્જવળ તક દેખાણી એમને.

અને જબરદસ્ત લેખ એમણે લખ્યો છે. એવી જ રીતે ગુણવંતરાય આચાર્યએ સૌરાષ્ટ્રના રાજાઓને ધ્યાનમાં રાખીને એક સુંદર વાર્તા લખી છે.

આ વાર્તા મેં બહુ વરસો પહેલાં વાંચેલી હતી યાદગાર છે. અને જ્યારે યાદ કરૂં છું ત્યારે બસ આનંદ આવે છે. આ તેનો સારાંશ છે. આવા અનેક સુંદર લેખોનું જબરદસ્ત કલેક્શન છે.

“હોઊં તો હોઊં પણ ખરો”

આઝાદીના વરસો પહેલાંની વાત છે. જ્યારે સૌરાષ્ટ્ર અનેક નાના રજવાડામાં વહેંચાયેલ હતું અને ચંદ્રવંશી, સુર્યવંશી રાજપૂતો અને નવાબી શાસન હતું. આવા જ એક રાજ્યની વાત છે. ત્યાં રાજા તો પરોપકારી હતો અને નીજાનંદમાં મસ્ત અને વ્યસ્ત રહેતો. પણ રોજ-બરોજનું કાર્ય એનો કારભારી સંભાળતો. કારભારી એટલે બધી વાતે પુરો. રાજાના નામને વટાવીને લોકો પર ભારે હાથે રાજ કરતો અને ખુબ મજા લેતો. લોકો એને જાહેરમાં તો રાજાની બીક કે ભયના કારણે કંઇજ કહી ન શકતા પણ પાછળ ખુબ જ ગાળો આપતા અને પ્રયત્ન કરતા કે કેમ કરીને પણ રાજાને તો જણાવવું જ.
પણ કારભારી એનું નામ. મોકો આપે જ નહી. લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા. કોઇએ એક વખત હિંમત કરીને રાજાને ફરીયાદ કરી. રાજા ત્યારે રાજાપાઠમાં ન હતા અને શાંતીથી સાંભળીને એકદમ ઉક્ળી ઉઠ્યા. શું વાત છે, મારો કારભારી મારા નામ ઉપર આવો જુલમ? ન ચાલે. અન્ય લોકોને પણ સાંભળ્યા. સુર એ જ હતો. રાજા એ અતીશય ગુસ્સે થઈને કારભારીને બોલાવી અંતીમ સજા જાહેર કરી જ દીધી. ૨૪ કલાકમાં દેશ-નીકાલ. અને જો ૨૪ કલાક પછી મોઢું દેખાડ્યું તો માથું ધડ પર નહી રહે.
લોકો છાને ખુણે ખુબ ખુશ થયા. પણ ખુશી કોઇએ જાહેર કરી નહી. કારણ કે લોકો એ સજાનો અમલ જોવા માંગતા હતા.
બીજા દિવસે ઢળતી બપોર હતી, બજાર જ્યારે લોકોથી છલકાતું હતું તે વખતે એ કારભારી બળદ ગાડામાં પરીવાર અને થોડી ઘણી ઘરવખરી લઈને નીકળ્યો. બધાને છેલ્લા રામ-રામ કરતો જાય અને કહેતો જાય કે જેવા નસીબ. હવે તો અંજળ-પાણી ખુટ્યા. બસ નસીબ લઈ જાય ત્યાં જવાનું. બોલ્યું ચાલ્યું માફ કરજો અને કોઇને પણ દુ:ખ થયું હોય તો પણ માફ કરજો.
લોકોએ હાશકારો અનુભવ્યો. કે ચાલો પીડા ગઈ.
ત્રીજા દિવસે વહેલી સવારે સુર્યોદય સમયે અચાનક કારભારી હાથમાં પુજાની થાળી, નાળીયેર, હાર-તોરા લઈ રાજાના મહેલની બહાર ઉભો હતો અને દ્વારપાળને કહે જલ્દી મહારાજાને બોલાવો. હમણાને હમણા.
દ્વારપાળ કહે કે હે ભાઇ, શું કામ મને બ્રહ્મ હત્યાનું પાપ આપે છે? મહારાજા તમને જોતાં વેંત મારી નાખશે. સજા તો ખબર જ છે ને?
કારભારી કહે કે મારે એ જ જોઇએ છે. જલ્દીથી મહારાજાને બોલાવો.
હિંમત કરીને મહારાજાને ઉઠાડ્યા. અને ખબર પડી તો એ તો તલવાર મ્યાનમાંથી કાઢી, લાલ આંખ અને મોઢા પર ગુસ્સો લઈ, પગ પછાડતા દરવાજા પાસે આવી ગયા. અને કહ્યું કે તારૂં મોત તને અહીં લઈ આવ્યું છે. તું તો મરવાનો થયો છે.
કારભારીએ તો ત્યાં મહારાજાના પગ પાસે નાળીયેર ફોડ્યું, હાર-તોરા કર્યા, અને માથું ઝુકાવી કહે કે હે મહારાજ હવે બસ આપની તલવાર અને મારૂ માથું. બસ ચલાવો તલવાર.
હવે મહારાજ મુંઝાઇ ગયા. કે આ બધું શું છે? કારભારી કહે બસ મહારાજ તલવાર ચલાવો. મહારાજ કહે વાત તો કર આ બધું શું છે એ તો કહે.
કારભારી કહે, મહારાજ આપે દેશનીકાલ કર્યા પછી અમે કચ્છના રણમાં ઉતરી ગયા. અમારી પાસે ખાવા-પીવાનું કાંઇ જ નહી. બાળકો તરસે ટળવળે અને મારી ઘરવાળી પણ રડે. મારાથી બોલાઇ ગયું કે હે દ્વારકાધીશ, પાપ મેં કર્યા છે અને સજા મારા પત્ની-બાળકોને શું કામ? મારી આંખમાં પણ આંસુ આવી ગયા.
ત્યાં તો આકાશમાંથી તેજ પુંજ જમીન પર આવ્યું. અને ચારભુજા વાળા દ્વારકાધીશ સદેહે હાજર. મારા પત્ની-બાળકોએ પાણી પીધું, અન્ન લીધું. પણ મેં કાંઇજ ન લીધું.
મહારાજ કહે કેમ?
કારભારી કહે, મારૂં ધ્યાન તો ફક્ત દ્વારકાધીશના ચહેરા પર હતું. એ મનોહારી ચહેરો. એ જ શાંતી, એ જ તેજ એજ આભા. મહારાજ આપ જ હતા.
પછી વિચાર આવ્યો કે દ્વારકાધીશનો અવતાર તો આપણા ગામમાં બેઠો છે અને તું રણમાં રઝળીને મરીશ? બસ મહારાજ આપના હાથેથી મરીશતો મોક્ષ થશે. બસ ચલાવો તલવાર.
મહારાજ કહે.. બસ. આ અવતાર વાળી વાત મુક અને કામે ચડી જા.
પણ કોઇને કહેતો નહી, આ અવતાર વાળી વાત.
વધુ લોકોને કહેવામાં માલ નહી, શું સમજ્યો.

અને હા... આ અવતાર.....


હોંઉ તો હોંઉ પણ ખરો.

શનિવાર, 10 ઑક્ટોબર, 2015

રીડીંગ ટીપ્સ - Reading Tips

રીડીંગ ટીપ્સ :

નોન-ફીક્શન સીરીઝના પુસ્તકો જેમ કે Self Help, ઓટોબાયોગ્રાફી કે પછી રેફરન્સ બુક્સ...

વાંચવા માટે કે ભવિષ્યમાં વારંવાર કામમાં આવી શકે તે માટે કેટલીક ટીપ્સ - આ નોર્મલી બધા ઉપયોગ કરતા જ હોય છે. કદાચ આ કોમન પ્રેક્ટીસ છે. આ બાબતે મારો અનુભવ અને પ્રેક્ટીસ અહીં શેર કરૂં છું.

મારી પાસે અંદાજે ૧૩૦૦+ પુસ્તકોની લાયબ્રેરી છે. (બધી ખુદની ખરીદ કરી વસાવેલ ;)કેટલાક માઠા અનુભવ થયા બાદ હવે સ્વાર્થી થયો છું)

પુસ્તકોનો ઇન્ડેક્સ - ભાષા, લેખક, વિષય અને ઇમ્પોર્ટન્ટ રીડીંગ - સમરી જેવું તૈયાર કરેલ છે. જે ક્યારે પણ જરૂર પડે શોધવામાં સરળતા રહે છે. જેમ જેમ પુસ્તકો ઉમેરાતા જાય કે કોઇ નવો રેફરન્સ મળે તો સમરીમાં એડ કરી નવી પ્રીન્ટ લાયબ્રેરી કબાટમાં ચોંટાડી રાખું છું.

ઘણી વખત કોઈ અસરકારક ક્વોટ કે એક્ઝામ્પલ વાંચન દરમ્યાન એમ ખ્યાલ આવે કે આ તો ઉપયોગી માહિતિ છે. અને તેને યાદ કેમ રાખવું? નોંધ કેમ રાખવી કે ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાય?

નોર્મલી કોમ્પ્યુટરના નિયમિત ઉપયોગને કારણે PDF કે વર્ડના ડોક્યુમેન્ટમાં Ctrl+F કે #હેશટેગ સર્ચ ઓપ્શન આસાનીથી ઉપલબ્ધ હોય છે. પુસ્તકોમાં એ કેમ શક્ય બને?

જ્યારે વાંચીએ ત્યારે એક ફ્લોરોસેન્ટ હાઈલાઈટર, પેન્સીલ અને સ્ટીકી-પેડ હાથવગા હોય તો એ પણ Ctrl+F કે #હેશટેગ નું કામ આપી શકે છે.

જે મુદ્દો કે પોઇન્ટ તમને ઉપયોગી લાગે તે હાઈલાઈટ કરી સ્ટીકી પેડ ઉપર પોઇન્ટ ટપકાવી તે પેઈજ ઉપર ચીપકાવી દેવાથી ભવિષ્યમાં ફરી એક વખત રીફર કરવાના પ્રસંગ આવે તો શોધવામાં એકદમ સરળતા રહે છે.

અભ્યાસ દરમ્યાન વડીલો એવી સલાહ આપતા કે પુસ્તકોમાં કોઈ પણ લખાણ કે ચીતરામણ ન કરાય. અને ભુલેચુકે જો એવી કોઈ હરકત પકડાઈ જતી તો ઠપકો પણ મળતો.

એનો પણ સરળ ઉપાય છે. પુસ્તકના પહેલા પેઈજ ઉપર વધારાનું એક કોરૂં પેઈજ રાખી તેમાં મુદ્દાઓ અને તેના રેફરન્સના પેઈજ નંબર અને પેરેગ્રાફ સાથે સમરી બનાવી રાખવાથી એ પણ રેફરન્સ માટે કામ લાગી શકે છે.

આભાર

ગુરુવાર, 12 માર્ચ, 2015

પર્સેપ્શન કે અર્થઘટન - Perceptions

પર્સેપ્શન કે અર્થઘટન (મનમાં માની લીધેલા) :

એક ઘટના અને એના કેટલા પર્સેપ્શન કે અર્થઘટન નીકળી શકે?

ઘટના સરળ છે.

સાંજના સમયે પરીવારોથી ઉભરાતા બગીચામાં એક વ્યક્તિ એના પાળતુ ગ્રેટ ડેન (મોટા વાછરડાની સાઈઝનો આવે) કુતરાને લઈને પ્રવેશે છે. કુતરાને સાંકળથી બાંધેલો છે. અને એ બગીચાના ફુટપાથ ઉપર ચાલવા માંડે છે.

હવે?

આ દ્રશ્ય જોઈ

એક વડીલ વિચારવા લાગ્યા કે : આવી રીતે કુતરાને બગીચામાં લવાય જ નહી. જો હાથમાંથી છુટી ગયો તો ભાગદોડ થશે અને કેટલાયને ઇજા થશે. લોકોને શીસ્તની કંઈ પડી જ નથી.

એક મધ્યમવર્ગની સ્ત્રી વિચારવા લાગી કે : અરરર અત્યારે કયાં આ કુતરો આવ્યો? અત્યારે જો આ કરડે તો ઇન્જેક્શન મુકાવવા પડે અને આખર તારીખમાં મારા વરને કેટલી તકલીફ પડે? બીજાની આર્થીક પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ.

એ મધ્યમવર્ગની સ્ત્રીનો ત્રણ વરસનો બાળક : આ કુતરાની પુંછડી પકડીને પાછળ સરકવાની કેવી મજા આવે? જો મોકો મળે તો આ કરવા જેવું. રમવાની મજા તો લેવી જ છે.

સત્તર વરસની કોલેજ કન્યા : અરરર આ કુતરો જો કરડે તો મારે દુંટી આસપાસ ઇન્જેક્શન લેવા પડે અને ત્યાર બાદ આ શોર્ટ શર્ટ કે ટી-શર્ટ ન પહેરી શકાય.. ઓહ્હ ગોડ આ મને ન કરડે તો સારૂં. મારી બ્યુટી ખરાબ કરી નાખશે.

એ છોકરી પાછળ એ ઉંમરનો છોકરો: કાશ આ કુતરો આ છોકરીને જ કરડે.. તો એને મદદ કરવાનો મોકો મળે અને પરીચયથી વાત આગળ વધે. મારે હીરો બનવું છે અને આ મોકો મળી શકે એમ છે.

એક પેડીગ્રી લવર : વાહ કેવો સરસ ગ્રેટ ડેન છે. સંભાળ સરસ લેવાય છે.

એક જ ઘટના છે. બધાની સામે જ દ્રશ્યમાન થતી હોય છે. પણ અલગ અલગ પર્સેપ્શન બનતા જ રહેતા હોય છે.