હોમ

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2014

ફીયર ઇઝ ધ કી - ગુજરાતી પુસ્તક રીવ્યુ

ઓલ્ડ ઇઝ ગોલ્ડ - વાંચવા જેવું એક પુસ્તક અને એવા જ જોરદાર લેખક.

ફીયર ઇઝ ધ કી - લેખક એલીસ્ટર મેક્ક્લેઈન. ૧૯૬૧માં લખાયેલી આ સુપર સક્સેસ નોવેલ છે.

બેધીસ્કેફ - આવા કોઈ સબમર્સીબલ વાહનનું નામ આપણે કદાચ જ સાંભળ્યું હશે. આ એક એવું સબમરીન ટાઈપનું વાહન કે ૧૯૪૬-૪૮ દરમ્યાન ઉંડા સમુદ્રમાં શોધખોળ અને અભ્યાસમાં કામ આવે તે હેતુ વિકસાવવામાં આવેલું. અને ૧૯૬૦ની શરૂઆતમાં ૩૫૦૦૦ ફીટની ઉંડાઈ સુધી તે પહોંચેલું. આ સમાનવ વાહન હતું.

વેલ.. આ વાહનનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે ફીયર ઈઝ ધ કી પુસ્તકમાં આ વાહન પણ એક અગત્યનો ભાગ ભજવે છે. અગાઉની પોસ્ટમાં લેખકના પરીચયમાં લખેલું કે તેઓએ નેવી સૈનિક તરીકે ૧૯૪૧-૪૬ સેવા આપેલી અને તેમની ઘણી નવલકથાઓમાં સમુદ્રને વિસ્તૃત રીતે કોઇ ને કોઇ રીતે રજુ કરતા. આ નવલકથામાં પણ એનો વિસ્તૃત ઉલ્લેખ છે જ.

૧૯૫૮ના સમયગાળાની આ વાત છે.

જહોન ટાલ્બોટ - પાયલોટ કમ એર ચાર્ટર કંપનીનો માલીક. ફ્લોરીડામાં એની ઓફીસમાં બેઠો એમના એક વિમાનને રેડીયો કોન્ટેક્ટ કરવાનો સતત પ્રયાસ કરતો હોય છે અને થોડી ક્ષણો માટે કોન્ટેક્ટ થાય પણ છે. અને હજી વાત શરૂ થાય તે દરમ્યાન, અન્ય વિમાન એટેક કરે છે અને જહોન ટાલ્બોટની દુનિયા બરબાદ થાય છે.

એ વિમાનને શું થયું? એ શું કામ થયું? તેની શોધખોળ અને તે કરાવવા પાછળ ક્યું ષડયંત્ર રચાણું? એના રચયીતા કોણ હતા? એ ઘટનાક્રમ અત્યંત રસપ્રદ રીતે રજુ થયો છે.

કોર્ટમાં જહોનને રજુ કરવામાં આવે છે અને તે સમયે ધનાઢ્ય ઓઈલ રીગના માલીક જનરલ રુથ્વેનની દીકરી મેરીનું અપહરણ કરી જહોન ત્યાંથી ભાગે છે. હર્મન જેબ્લોન્સ્કી - જે પોલીસ અધીકારી છે તે મેરીને સુખરૂપ છોડાવવા સતત એમની પાછળ પડે છે. અને જહોનને પકડી એ જનરલને હવાલે કરે છે.

જેબ્લોન્સકી જ્યારે જનરલને મળે છે ત્યારે ખ્યાલ આવે છે કે જનરલ કોઇ પ્રેશરમાં હોય તેમ વર્તન કરે છે કારણ તેમના બીઝનેસ એસોસીએટ્સ સતત પડછાયાની જેમ એમની સાથે જ હોય છે.

ડીટેક્ટીવ જેબ્લોન્સકીનું ખુન અને ઓઈલ રીગ ઉપર પહોંચ્યા બાદ બેધીસ્કેફની ઉંડા સમુદ્રની સફર.

વિમાનમાં રહેલ કિંમતી સામન અને તેનું રહસ્ય...

વેલ બાકી તો આ પુસ્તક વાંચવાની મજા મરી જશે જો અંહી લખીશ તો.

જેટલું રસાળ વર્ણન, પ્લોટ અને શૈલી મુળ અંગ્રેજીમાં છે. તેટલી ઉત્ક્ટ રસ ભરી શૈલી શ્રી અશ્વીની ભટ્ટ સાહેબ અનુવાદીત ગુજરાતી નોવેલમાં છે.

આ નોવેલ ઉપરથી ૧૯૭૨માં બ્રીટનમાં મુવી પણ બનેલું.

વેલ અત્યાર સુધી તો અનુવાદીત પુસ્તકો પરીચય આપ્યો છે. થોડા સમય પહેલાં એક ઐતિહાસીક ઘટના ઉપરથી અને ઉંડાણપુર્વકના રીસર્ચ બાદ લખાયેલી સત્ય ઘટ્ના ઉપરની એક ગુજરાતી નવલકથા વિશે હવે પછી.

આભાર.

રવિવાર, 20 એપ્રિલ, 2014

અનુભવોક્તિ :::

ગઈકાલે રાત્રે અંદાજે ૯.૩૦ કલાકે વોલ્વો બસમાં (બીજી રો હતી) બાજુનો મુસાફર અચાનક જ મોટા અવાજે રાડ પાડી ઉઠ્યો. ઓઓઓ મમ્મીઇઇઇઇઇઇઇઇ.... હેમાંઆંઆંમાંઆંઆં

અને બસ ડ્રાઈવર સહીત સહુ ધ્રુજી ઉઠ્યા. મારી સાવ બાજુની સીટ ઉપરનો અવાજ એટલે હું પણ ચોંકી ઉઠ્યો. અને જેવું મેં એની તરફ જોયું ત્યાં તો વધુ મોટો અવાજ...
ઓઓઓઓઓઓ મમ્મીઇઇઇઇઇઇઇઇ

અંદાજે ૩૭-૩૮ની ઉંમર, અને આવું વર્તન??

પહેલી રો માંથી બન્ને મુસાફરો પાછળ ફરીને જોવા ઉભા થયા, અને એ પણ હેએએએ અરે આ શું???? ઓઓઓઓઓઓ કરી ચુક્યા..

કારણ??

ગઈકાલ રાત્રીની જ તાજી વાત છે. હમણાં છેલ્લા ૪ દિવસથી કામના હિસાબે અમદાવાદ-વડોદરા અપડાઉન રહે છે. એક જ પીક્ચર (ઢોલ - તુસ્સાર કપુર / શર્મન જોશી વગેરે ૪ દિવસમાં ત્રણ વખત જોયું હતું અને કાલે સાંજે ચોથી વખત પાછું) એસ.ટી.ની વોલ્વોમાં જોવું ન પડે એ માટે મેં મોઢા ઉપર રૂમાલ ઢાંકી રાખેલો. અને રૂમાલ ઉડી ન જાય એટલે એ સફેદ રૂમાલ ઉપર કાળા સનગ્લાસ પહેરી રાખેલા..

અને

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર પુલનું કામ ચાલુ છે, ડાઈવર્ઝન ને કારણે એક જ લેન (૧૦૦ મીટર જેટલો જ ભાગ) ઉપર સામેથી આવતા વાહનની હેડલાઈટનો પ્રકાશ મારા ચહેરા ઉપર પડ્યો અને એણે મને જોયો અને આ ચીત્કાર.....

બસ આટલી જ વાત હતી.

#આ_તો_એક_વાત

ગુરુવાર, 10 એપ્રિલ, 2014

અર્થઘટનની સુઝ

અર્થઘટનની સુઝ ::::

આ પ્રસંગ મને મારા એક વડીલે જણાવ્યો હતો. એમના જ શબ્દમાં રજુ કરીશ..

મારો મિત્ર M.A.(ગુજરાતી) B.Ed. અને શહેરની પ્રતિષ્ઠિત સરકારી શાળામાં ગુજરાતીના શિક્ષક તરીકે ફરજ બજાવે. શાળામાં ઇન્સ્પેક્શન આવેલું હતું, એ સાહેબને ઇમ્પ્રેસ કરવા મિત્ર જોરદાર રીતે ભણાવતો હતો.

ક્લાસમાં કવિતા ભાવ સાથે સવિસ્તર સમજાવતો હતો. મારા દીકરાને ન મારો. મારવો હોય તો સિંહ મારો. મારા છોકરાને નહી. માં વીલાપ કરતાં આ બાબત એના પતીને સમજાવે છે. વીનવે છે.

આટલું સાંભળીને એ શીક્ષણાધીકારી કમ કવિ બેભાન અવસ્થામાં મુકાઈ ગયા. અને એ કહે કે મારી કવિતાનો આવો અર્થ નીકળી શકે એ મને આજે ખબર પડી. કારણ એ કવિતા એમની જ લખેલી હતી અને ધોરણ ૬ના અભ્યાસક્રમના ભાગરૂપે હતી.

કાવ્યની પંક્તી એવો ભાવ દર્શાવતી હતી કે એક નાના બાળકની માં ગુસ્સાવાળા કૃર બાપને સમજાવે છે કે રોજ રોજ આપના ગુસ્સાનો ભોગ આ બાળક બને છે અને એને રોજ રોજ આપનો માર પડે છે. આમ ટુકડે ટુકડે ન મારો. મારવો હોય તો સાવ જ મારી નાખો. આ રોજની પીડા એક માંથી નથી જોવાતી.

આ સાવ જ (તદ્દન મારી નાખો) ને એમણે સાવજ સિહ બનાવી નાખેલો.

#આ_તો_એક_વાત

સોમવાર, 10 ફેબ્રુઆરી, 2014

કાયદાના પાલનમાં જ કેમ લાલીયાવાડી? અને પછી કહેવું કે હલકું લોહી હવાલદારનું?

હલકું લોહી હવાલદારનું. આ કહેવત આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. પણ એ હવાલદારને કયારે કોઇએ પુછ્યું છે કે સાચે શું છે? અને ખરેખર ક્યા સંજોગોમાં તમને હલકાઇ જોવા મળે કે તમને ખુબ આનંદ આવે??

મેં થોડા સમયમાં - ઓફીસ પાસેના ટ્રાફીક સીગ્નલ પાસે ચા પીવા જઈએ ત્યારે થોડો સત્સંગ થાય અને સારા રમુજી કીસ્સા મળે અને એમની તણાવ ભરેલ જીંદગીમાં રમુજ છે તે માનવીય ચહેરો પણ જોવા મળે.

કેટલાક કીસ્સા::

- જ્યારે પણ મોટી કારમાં જ્યારે લાઇસન્સ વગર કોઇ ડ્રાઇવીંગ કરતાં પકડાય એટલે પહેલો પ્રશ્ન: તને ખબર છે મારા પપ્પા કોણ છે?? હવે એનો સાચો જવાબ ગરીબ કોન્સ્ટેબલ કેમ આપી શકે?? કાં તો DNA ટેસ્ટ અને કાં તો પછી....
- અત્યારે તો બપોરે બે વાગ્યા છે, તો પણ નિયમ પાલન? કેમ જાણે રાજકોટના લોકોની જેમ નિયમો પણ ૧-૪ વચ્ચે સુસુપ્ત હોય.
- મેં લાલ સીગ્નલ તો જોયેલ, તમે નહોતા દેખાણા.
- આ ગાડી કોની છે તને ખબર છે? હમણા ને હમણા બકલ પટ્ટા ઉતરાવી દઈશ. (કોન્સટેબલ: સેડા લુતાય ન આવડતું હોય, પહેલા ઇ કરને મારા ભાય)
- બીજી વાર આ બાજુ તમારી સામે નહી આવું, આજે જવા દ્યો.
- મારા એક સગા ડી.એસ.પી. છે. (કોન્સ્ટેબલ: આ આંકડા જો નોંધ્યા હોત તો ખાલી રાજકોટ કે અમદાવાદમાં જ રહેતા લોકોના સગામાં ૧૦૦૦-૧૨૦૦ ડી.એસ.પી. રહેતા હોત)
- ડીપાર્ટમેન્ટવાળાની જ બાઇક/કાર છે. (ક્યું ડીપાર્ટમેન્ટ? એ ફોડ ક્યારેય ન પાડે)
- અમોઘ હથીયાર: ખાસ મહીલા જેન્ડર: તમે તો મારા મોટા ભાઇ જેવા છો. તહેવાર નિમીત્તે જવા દ્યો.
- અમોઘ હથીયાર (૨) : ખાસ મહીલા જેન્ડર: આંસુ, ચોધાર આંસુ. અને એ કરુણાનું પાન કરાવવા માટે ભઈલાનો સમુહ સમજાવવા આવે. અમને પકડી લ્યો, પણ બેનને જવા દ્યો.
- આ નિયમ તોડ્યો એ વાત માનું છું, પણ બીજું કાંઇ પણ સાંભળવા હું તૈયાર નથી. (કોન્સ્ટેબલ: તો શું તને પ્રેમગીત કે હાલરડાં સંભળાવું?)
- જે કરવું હોય એ કરી લ્યો. રૂપીયા છે જ નહી ને. કહેતા હોય તો આ ગાડી મુકતા જઈએ.
- હેલ્મેટ કે સીટ બેલ્ટ બાંધીએ તો એવી ગભરામણ થાય છે કે હાર્ટ એટેક જેવું થાય છે. એટલે નથી ઉપયોગ કરતો.
- મને ખબર જ નથી કે આ નિયમ છે. બોલો નહીતર ૧૦૦% ધ્યાન રાખ્યું હોત. આ વખતે માફ કરો. પગે લાગું.
આપની પાસે છે કોઇ આવા સચોટ બહાના...........????


શનિવાર, 25 જાન્યુઆરી, 2014

ટ્રાફિક સેન્સ અને આપણે બધા...

ગુજરાતના કોઈ એક શહેરના લોકોની ટ્રાફીકનું અવલોકન ::::
(નમ્ર સુચના: કોઇ નગરજને બંધબેસતી પાઘડી, ટોપી, ઓઢણી, ઇંઢોણી, ટોપા, હેલ્મેટ ઉપરાંત માથા ઉપર જે કાંઇ જ પહેરી શકાતું હોય તે પણ પહેરવું નહી)

- જો કોઇ સતત ડાબી બાજુ કે જમણી બાજુ જોતો જોતો ટુ-વ્હીલર ચલાવતો હોય તો માની જ લેવાનું કે એ ભાઇ/બહેન એ દીશામાં માન ભેર (કોઇ ને જાણ કર્યા વગર) વળાંક લેશે જ.

- ટુ વ્હીલર ચાલક ભાઇ જ્યારે ડાબી તરફ સહેજ ઝુકીને ચલાવે તો સમજવાનું કે એ પાન/મસાલા જેવા દ્ર્વ્યોના ભારી માત્રામાં જાહેર વીસર્જન કરશે. (એ જમણી તરફ પણ ઝુકી શકે - કોઇ જ મોટાઇ નહી)

- રોડ ઉપર ડીવાઇડર એ સ્ટીપલ ચેઇઝનું પ્રેક્ટીસ માટે આદર્શ સ્થાન છે. માટે કોઇ પણ રોડ ઉપર ક્યાંય પણ રોડ ડીવાઇડર ઉપરથી માણસો અચાનક ટપકી શકે છે. (તમારે ધ્યાનથી ચલાવવું, એ તો આઝાદ દેશના મહા-આઝાદ નાગરીક છે અને અલભ્ય પ્રાણી હોવાને કારણે એમની સુરક્ષા એ વાહન ચાલકની નૈતીક ફરજ છે)

- કોઇ પણ ફોર વ્હીલરનું ડ્રાઇવર સાઈડનું બારણું જો થોડું ખુલે (વાહન ચાલુ જ હોય) તો પણ એ સજ્જન રસ્તા ઉપર થુક વિસર્જનની ક્રીયા કરશે. એમને ખલેલ ન પહોંચે તે અવશ્ય ધ્યાન રાખવું.

- બહેનો અને સ્કુટી (જાણે રબને બનાદી જોડી) લટકતા પગ, અને સ્કુટી (અહીં સ્કુટી એટલે એક્ટીવા, પ્લેઝર, વેગો, એસેસ કે કોઇ પણ) ચલાવવું એ કઠીન કામ છે. એમાં બ્રેક મારવી એ વધુ કઠીન કામ છે. સીગ્નલ આપવું એટલે શું? એ પ્રશ્ન અસ્થાને છે, એમના ભાઇઓ કૌરવ કરતાં પણ વધારે હોય છે. એટલે આપ જો એમના રસ્તામાં વચ્ચે આવશો, અને આપની કોઇ ભુલ (બહેનો જીવનમાં ક્યારેય કોઇ જ ભુલ ન કરે - આવું દરેક પથ્થર ઉપર શીલાલેખ હોય છે) તો એ જ કૌરવો આપને શારીરીક પીડા આપશે જ. એમનો હક્ક છે. કેટલાયના સંસાર આમાંથી બનેલા છે.

- રોડ ડીવાઇડર તો રસ્તા વચ્ચે જગ્યા રોકવા જ સર્જાણા છે. રસ્તાની કોઇ પણ બાજુ વાહન ચલાવવા એ અબાધીત હક્ક છે. અને એને ચેલેન્જ કરનાર આ જગતમાં હ્જજી સુધી કોઇ જ સર્જાણું નથી. તમે કે હું પણ નહી. જેને મનમાં આવે એમ ચલાવે.

- આવું લખવાથી જો સમાજમાં લોકો સુધરશે તો એ પણ મારો ગુજરાતની સુંદર ટ્રાફીક સેન્સ જેવો એક મોટો કોઈ જોક જ છે.

#આ_તો_એક_વાત #વ્યર્થ_પ્રયાસ

શનિવાર, 18 જાન્યુઆરી, 2014

લીફ્ટ મુસાફરી ઓબ્ઝર્વેશન - Lift Manners

લીફ્ટ મુસાફરી ઓબ્ઝર્વેશન

લીફ્ટ - વર્ટીકલ ટ્રાન્સ્પોર્ટ વેહીકલ..... ૪ x ૪ની ઓરડી અને એમાં મુસાફરી કરતા લોકો કેવું કેવું વર્તન કરે?

- વારંવાર બટન દબાવવાથી લીફ્ટ સીધી એમના જ ચરણોમાં આવશે.

- અંદર પ્રવેશવા માટે એવા તો તલપાપડ કે જેને ઉતરવું હોય તેને બહાર પણ ના નીકળવા દે. જાણે ઉતરવા વાળો લીફ્ટ લઈને લોંગ ડ્રાઈવ જવાનો હોય.

- જો કોઇ સ્ત્રી પાત્ર લીફ્ટમાં આવશે એટલે બધા ડાહી ડાહી વાતો અને વર્તન કરશે. શ્વાસ ઉંડો લઈ પેટ અંદર કરી નાખશે.

- લીફ્ટમાં મોબાઈલ કવરેજ નહી આવે તો દુનિયા લુંટાઈ ગઈ એમ વર્તન કરશે. અને મોટા મોટા અવાજે... અભીમેં લીફ્ટમેં હું. બાર નીકલકે ફોન કરતા હું એમ બરાડશે.

- જે માળ ઉપર જવું હોય, અન્ય કોઇએ બટન દબાવ્યું હોય તો પણ એ ફરી એક વખત બટન દાબા દાબ કરતો રહેશે.

- અમુક લીફ્ટમાં એવો તો ગંભીર મુદ્રામાં આવી જાય જાણે કોઈના બેસણામાં બેઠા હોય.

- લીફ્ટના પંખાના પાંખીયા ગણવા માંડે અને વારંવાર ગણ્યા જ કરે એમ નજર ઉપર ચોંટાડી ઉભો રહે.

- અરીસામાં ભવાં ઉંચા કરી ચહેરાઓ બનાવે.

- ઘણા લીફ્ટમાં ચડી બેસે, લીફ્ટ ખાલી જ હોય અને અન્ય કોઇને આવતા જોવે તો ઉતાવળે દરવાજા બંધ કરી નાખે. અને એવો આનંદ વ્યકત કરે જાણે બાજુવાળા બાબ્બભાયનો હેપી બર્થડે.

- અમુકને લીફ્ટ એટલે જાણે સીટી વગાડવા કે ગીતો ગણગણવાની મોકળાશ. કુમાર સાનુ પંડમાં આવી જાય.

- લીફ્ટમેનના ટેબલ ઉપર કબજો જમાવી દે. જાણે રાત્રી મુકામ નક્કી હોય.

- જે બીલ્ડીંગમાં બેઝમેન્ટ તરફ જતા હોય અને ગ્રાઉન્ડફ્લોર ઉપર લીફ્ટ ઉભે એટલે નીચે જવા વાળો તો સલવાણો. ગ્રાઉન્ડફ્લોર ઉપરથી ટોળું હલ્લો બોલાવી દેશે.

- જે બીલ્ડીંગની અગાસી કે બેઝમેન્ટમાં વોચમેન રહેતો હોય તે સંજોગમાં એ પરીવાર જ લીફ્ટનો કબજો વધુ જમાવે. એને બાદ કરતાં સમય મળે તો જ અન્ય લોકોને લીફ્ટ મળશે.

- અને હા.. જો આ કેની જી કે યાનીનું સંગીત ન હોત તો લીફ્ટના મ્યુઝીક ક્ષેત્રે તો શું નું શું થઈ ગયું હોત.

એકદમ અલ્ટીમેટ

- લીફ્ટના બટન્સની લાઈટ બંધ હોય, લીફ્ટની પણ લાઈટ બંધ હોય. આઉટ ઓફ ઓર્ડરનું બોર્ડ માર્યું હોય તો છત્તાં પણ બટન દબાવતા રહે અને પુછે કે બંધ લાગે છે કાં??

#આ_તો_એક_વાત

મંગળવાર, 14 જાન્યુઆરી, 2014

બીજાના સમયને પણ મહત્વ આપો. તમારા સમયને લોકો મહત્વ આપશે જ.

સંબંધ પાલન કે સમય પાલન કે પછી કશું જ નહી?

વરસો પહેલાં જ્યારે હું મુંબઈ અભ્યાસ કરતો હતો તે વખતે મારા કેટલાક સગા ત્યાં ફરવા માટે આવેલ હતા. તેમનો રાત્રી મુકામ સબર્બમાં અન્ય સંબંધીને ત્યાં હતો.

શનીવારે સાંજે મારી સાથે ફોન ઉપર કાર્યક્ર્મ ’ફાઇનલ’ કર્યો. રવીવાર આખો ચર્ચગેટ, મ્યુઝીયમ અને મરીન ડ્રાઇવ ફરશું. એ પણ નક્કી કર્યું કે રવીવારે સવારે ૯.૦૦ કલાકે ચર્ચગેટ સ્ટેશન ઉપર વ્હીલરના બુક સ્ટોલ પાસે મળવું.

માંડ મળતો રવીવાર - ૭ વાગે ઉઠીને સવારે ૯.૦૦ કલાકે વ્હીલર પાસે ઉભો રહ્યો અને લગભગ ૧૦.૩૦ કલાક સુધી સંઘના દર્શન જ નહી, અને પાછું વ્હીલર છોડીને જવાય પણ કેમ? એ લોકો મુંબઈના અજાણ્યા હતા.

અને છત્તાં હિંમત કરી PCOથી સબર્બમાં જ્યાં રહેલા હતા ત્યાં ફોન કર્યો તો કહે, રવીવારે થોડું આળસ આવી ગયું અને નીરાંતે ૯.૦૦ વાગે તો ઉઠયાં. અને પછી થયું કે ચાલોને બોરીવલી નેશનલ પાર્ક જઈ આવીએ. અને ખાસ શબ્દો હતા કે આપણે ક્યાં ’સાવ ફાઇનલ’ કર્યું હતું?

બધા વડીલો, કોને કહેવું? શું એક ફોન ન કરી શકે? કે પછી એક વિધ્યાર્થી તરીકે તેમના મતે મારા સમયની શું કોઇ મોટી કિંમત હોય? કે પછી બે-જવાબદારી? હજી મને જવાબ નથી મળ્યો.

આપણે હજી પણ આવા જ છીએ. LOL

#આ_તો_એક_વાત