હોમ

શુક્રવાર, 1 નવેમ્બર, 2013

અક્કલ વગરની અમલ બજવણી

અમલ બજવણીમાં અક્કલ જોઈએ?

મહારાજાને અંગ્રેજ ગવર્નરનું ફરમાન આવ્યું. રાજ્યમાં સામ્યવાદ અને રશીયાને લગતું તમામ સાહિત્ય જપ્ત કરો અને તેનો નાશ કરો. નહીતર આપના રાજ્યમાં બળવાની પરિસ્થિતિ સર્જાશે. 

મહારાજે પ્રધાનને આદેશ કર્યો. અમલની બજવણી તત્કાલ અને સખ્તીથી થવી જોઇએ. અને જપ્ત કરેલા પુસ્તકોની યાદી રજુ કરો. 

પ્રધાને સ્કુલ, લાયબ્રેરી અને અમુક શિક્ષકોના ઘરની તલાશી લઈ તમામ પુસ્તકો કબજે કર્યા અને લીસ્ટ રજુ કર્યું. 

- રશીયાની ક્રાંતી - લે. મેક્સીમ સ્ક્વોર્સ્કી
- રશીયાના ઉદ્યોગ - લે. વ્લાદીમીર ઇલ્યોનેવીચ
- રશીયાની રાજ્ય વ્યવસ્થા - લે. પીટર ઉત્સીનોફ
- રશીયાની નારી - લે. વેલેન્તીના ગોર્કી
- રશીયાની યુવા શક્તી - લે. નાતાલીયા ટેરેસ્કોવા
- રસીયાના ભક્તિ રાસ - લે. દયારામ મહારાજ.

#ક્યાંક_વાંચેલું #આ_તો_એક_વાત

શુક્રવાર, 3 મે, 2013

What is there in Name? નામાયણ, નામની પારાયણ



નામમાં શું રાખ્યું છે? અને નામનું શું છે?


એક જમાનો હતો કે નામ એવા જોરદાર રહેતા લોકોના કે બોલતાં અને સાંભળતાં જાણે વજન પડે. અમારા એક મુરબ્બીનું નામ પ્રજ્વલીતરાય, અને સાસરે જાય એટલે પ્રજ્વલીતરાય ભાઈ કે પ્રજ્વલિત કુમાર. હવે સાસરા પક્ષે એમને આવકારે કે પ્રજ્વલીતકુમાર પધારો પધારો એટલું  બોલે  ત્યાં તો બૂટ મોજાં કાઢીને ફ્રી થઈ ગયા હોય. અને કેવાં કેવાં નામો રહેતા, બોલતાં મોઢાં ભરાઈ રહે અને બોલવાની મજા પડે.
જેમ કે
ભારતેન્દુ, પ્રજ્વલીતરાય, માર્કંડરાય, પ્રહલાદરાય, ભાલેન્દુચંદ્ર, કનકચંદ્ર, અદ્વૈતશંકર, જન્મેજયરાય, નરભેરામ, ધીરેન્દ્રરાય, ધૈર્યચંદ્રરાય, કમલેન્દ્ર, કમલનયનચંદ્ર

અને સ્ત્રીઓના નામ?


કુસુમલતા, ધૈર્યબાળા, કાત્યાયની બાળા, ચંદ્રકાંતા, હિમજા
અને નામનું ગૌરવ પણ હતું. અમુક પરિવારમાં નામને બદલે પછી ટૂંકા નામે બોલાવવાનો રિવાજ પડે. દુષ્યંતચંદ્રને દીકુભાઈ, પ્રદ્યુમનરાયને પદુભાઈ, જીતાત્માનંદને જીતુભાઈ જશવંતરાયને જશ ભાઈ
અમુક જ્ઞાતિ વિશિષ્ટ નામ પાડવા માટે મશહૂર છે. જ્ઞાતિ સિવાયના લોકો જો એક સાથે નામ બોલે તો થૂક ઊડવાને કારણે એને ડિહાઇડ્રેશન થવાના સંજોગો વધી જાય.
જેમ કે,
અનભિજ્ઞમોહ્જ્ઞદૈવજ્ઞતૃષિતકાત્યાયનીકૃપણતદ્રુપવૈદેહીવર્ચસ્વની, બૃહ્નીતા, પર્જન્ય, નિર્ધારીકા
અદ્વૈત, અચ્યુત, કામાક્ષી, સુશ્રુત, વત્સસ

અમુક નામમાં માણસો મુંઝાઇ જાય કે બેન હશે કે ભાઇ?
પંકજ, કનક, સુમન, નમન,
અમુક નામ એવા કે એક કાનોમાતર લિંગ ફેરવી નાખે...

પંકજ પંકજા, નયન નયના, ભરત ભારતી, જ્યોત જ્યોતિ દિવ્ય દિવ્યા
અમુક નામ એમની પ્રકૃતિ કે સ્વભાવને જાણે સજાવતા હોય એમ લાગે. પણ અંદરથી જુવો તો કોઈ માત્રામેળ હોય.
નામ એવા ગુણ હોય? (બધાને લાગુ પડે પણ કેટલાં આવા પણ હોય છે) કોઈના અંગતમાં નામ હોય તો મન ઉપર કાંઈ લેવું પ્લીજ્જ્જ.

નયનસુખ = આંખ અને નંબર હોય.
ધનસુખ = બચ્ચાડો માંગીને ખાતો હોય.
તનસુખ = અડધો પગાર દવામાં જતો હોય
મનસુખ = માનસિક રોગી હોય
મીનાક્ષી = નજીકના ચશ્મા હોય
કેશવલાલ = ટાલીયા હોય.
દુર્લભજી = કોઈ એને બોલાવતું પણ હોય
હસમુખ = મૂંજી અને ખીજકુડીયો હોય
દીલસુખ = હ્રદય રોગી હોય
જોરાવર = બાઈડીથી બીતો હોય
શાલિની = કોઈ શાલીનતા હોય
નરોત્તમ = અધમ માનસીકતા પણ હોય
ધીરજ = ભારે અધીરા હોય
મોનાલીસા = ગાલ ઉપર ખીલના થથેડા હોય
શ્યામા = રૂપાળી હોય
શાંતીલાલ = ઉધમાતી સ્વભાવ હોય
કાંતી = ચહેરા પર જરા પણ ઉજાસ હોય
સુંદરલાલ = ભારે કદરૂપાં હોય
ઉમંગ = સોગીયું મોઢું કરીને ફરતો હોય.


અને હવે કેવાં કેવાં નામ પડે છે?
ડેનીશ, જેનીશ, તેનીશ, કેનીશ, ફેનીશ, રેનશી, જેનશી, ટેનશી, મેનશી, રીકીન, જીકીન, લેકીન, ટેનીન, જોકીન, બોકીન, મેકીન, જોકીન, તનીસા, ડેનીસા, ધીન્સા, હેન્સી, રોનીસા
આમ જુવો તો એવો અહેસાસ થાય કે લોટાનો ઘા કરે અને જે અવાજ આવે નામ પાડતા હશે.
પણ વોટ ઇઝ ધેર ઈન નેઇમ? ખરું કે નહી? વડીલોને જે ગમે ખરું.

ટહુકો : આધુનિક નામ ધરાવતા આજના બાળકો જ્યારે વરસો પછી જ્યારે વડીલ થાશે ત્યારે જેનશી બા, અને લેકીન દાદા કેવું લાગે?

આ લેખ ભેલપુરી.કોમ ઉપર એપ્રીલ-૨૦૧૩માં પ્રકાશીત. આભાર ધર્મેશભાઇ વ્યાસ.

અને આ નામાયણ શબ્દ માટે આભાર દ્વિરેફ વોરા - અંજાર.

રવિવાર, 10 માર્ચ, 2013

Art of Invitation & Invitation art.. આમંત્રણ આપવાની કળા કે કળાઓ...


આમંત્રણ આપવાની પ્રથાની કથાની કળા કે કળાથી અપાતું આમંત્રણ.......

લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગને આમંત્રણ આપવા મહેમાન પધારે અને જે આનંદ આવે (કોને એ પછી ખબર પડે) એ મજા જ કાંઈ ઓર છે. હાલમાં (આમ તો દર શિયાળે અને વૈશાખ મહિને) લગ્ન ગાળો રોગચાળાની જેમ ફાટી નીકળ્યો છે. અને વિવિધ પ્રકારની કંકોત્રી લઈ નોતરાં દેવા મહેમાન આવે.

આજે કંકોત્રી કિંમતી થતી જાય છે અને આમંત્રણ ઉમળકા વગરના થતા જાય છે. લોકોને વ્યવહાર પતાવવામાં અને વ્યવહાર નિભાવવામાં જે ફોર્માલીટી છે એ ઉકેલે છે.

અમુક સંબંધી છાપામાર સૈનિકની જેમ આવે, ’૭ ઘર પતાવ્યા, હવે તમને પતાવ્યા, હજી ૯ પતાવવાનાં બાકી છે. આમાં શું પતાવતા હશે? પાણીની પણ જગ્યા નથી. મનસુખભાઇને ત્યાં શરબત પીધું, ધનસુખભાઇને ત્યાં આઇસક્રીમ ખાધા અને કરશનભાઇને ત્યાં કોફી. એમ કહી ચા બાકી છે એ પણ આપણને જણાવી દેશે. અને ઉભા ઉભા પણ એક કપ ચા પતાવશે.

અમુક સજ્જનો શરૂઆત જ એવી કરે કે આ પ્રસંગમાં આવવા માટે કંકોત્રી આપે છે કે નહી આવવા માટે? એની રજૂઆત જ એવી હોય કે ’જો જો તમે આમ તો ક્યાંય જતા નથી અમને ખબર જ છે પણ અહીં આ પ્રસંગમાં અવાય એ પ્રયત્ન કરશોતમારી અનુકૂળતા પહેલાં. પણ આવશો તો અમને ગમશે’. હવે તમને પહેલાં જ રોકી પાડ્યા.
આપણે ત્યાં એક વિશિષ્ટ વ્યવસ્થા છે. ભોજન સમારંભ હોય કે સત્કાર સમારંભ એક લાઈન ચિંતા જનક હોય છે. આપશ્રી/આપ બન્ને/સહ પરીવાર અમુક આમંત્રણમાં યોગ્ય ઑપ્શન માર્ક કરવાનું રહી ગયું હોય, છેક સુધી ઘરમાં અવઢવ રહે કે કેટલાં જવાનું રહેશે અને કોણ જશે? ઘરમાં મહાભારતના યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય. (કાં જવા માટે અને કાં અન્યને મોકલવા માટે)

અમુક આમંત્રણ આપનાર સજ્જનો ઉઘરાણી કરતા હોય એમ લાગે. આમંત્રણ આપીને તરત જ કન્ફર્મેશન માંગે, કેટલા આવશો? અત્યારે જ કહી દ્યો, તો શું અમને ખબર પડે. અને આમંત્રણ આપતી વખતે એને સહેજ પણ વિવેક કરો કે ચા પીશો કે ઠંડું? તો તરત જ જણાવી દેશે, ચા તો આગલા ઘેર પી લીધી. મતલબ, ઠંડું આવવા દ્યો. પણ એ અનોખી મજા છે.

અમુક નિમંત્રકના સ્વયંસેવકો (નિમંત્રક વતી આવતા સ્વજનો) આપણા ઘરમાં બેસીને મૂળ યજમાનને ફોન કરશે, કે એ આને કેટલા લોકોને નોતરવાના છે? એ જવાબ મેળવી આપશ્રી/આપ બન્ને/સહ પરીવાર એમાંથી અયોગ્ય ઑપ્શન ભૂંસી નાખશે અને પછી સહર્ષ જણાવશે કે આપશ્રી પહોંચી જશો.

મારા એક મિત્રના લગ્ન પ્રસંગ ગામડામાં યોજાયેલ હતો. ત્યાંની પરંપરાને ધ્યાનમાં લઈ આમંત્રણ પત્રિકામાં લખેલ હતું કે વાસણ પ્રથા બંધ છે. અમે રહ્યા શહેરી અબુધ. ચાંદલો કર્યા વગર પરત આવી ગયા, અને એ મિત્રના સ્વજનો એ બાબતની ગંભીર નોંધ લીધી, ત્યાર બાદ બે વરસ સુધી અમારી હાજરીમાં એ મિત્રના સ્વજનો વારે તહેવારને સંભળાવે કે આ શહેરી લોકો વ્યવહારમાં સમજે જ નહી. પ્રસંગ ભેટમાં ટુકા પડે. બે વરસ પછી એને ઘેર પારણું બંધાયું ત્યારે વ્યાજ સહિત એ ચુકવણી કરી ત્યારે પરિવારને આનંદ થયો.

અમુક સંયુક્ત પરીવાર હોય અને એમાં જ્યારે સહ પરીવાર નિમંત્રણ આપનાર અને મેળવનાર સાવધાની વરતે છે. મારા એક સ્વજનના પરિવારમાં જ્યારે કોઈ આમંત્રણ આપે અને એમ સૂચના હોય કે સહ પરીવાર ત્યારે એ પરિવારના મોભી ચોખવટ કરે. ભાઈ ઘેર પૂછી લેશે. અમને સહ પરીવાર જનરલી કોઈ નિમંત્રણ આપતું નથી. કારણ કે અમે ઘરમાં કુલ ૩૨ જણા છીએ.

રૂબરૂ મળ્યા તુલ્ય સમજી આ પત્રિકા વાંચશો જી.... અરે ભાઇ કુરીયરમાં મોકલી દીધી, હવે એમ જ માનશું ને. અને અમુક કંકોત્રીમાં સ્વર્ગસ્થ સ્વજનોના નામ પાછાં દર્શનાભિલાષમાં લખ્યા હોય. ભાઇ અમને કોઈ જ ઉતાવળ નથી એમને મળવામાં. અને જ્યારે જાન જવાની હોય ત્યારે સસ્પેન્સ છેલ્લા ઘડી સુધી જળવાઈ રહે, કોને લઈ જવાના છે? જેની પાસે કારની વ્યવસ્થા છે તે મોસ્ટ વેલકમ અને બાકીના ભીડ-કમ એ ન્યાયે પ્રત્યેક ઘર દીઠ ૧ વ્યક્તિ જાનમાં આવશે. અને પાછું મહાભારત.

ઉમળકો, આનંદ અને પ્રસંગને ઊજવવો એ હવે મર્યાદિત સાધનો, આર્થિક સંકડામણ અને અન્ય ઔપચારિકતાઓ બધાને અનુકૂળ નથી રહેતી. પણ સમાજમાં રહીને થતું હોય તેટલું તો કરીએ, એ ન્યાયે આગે સે ચલી આતી હૈ, ચલાતે રહો એ ન્યાયે બસ ચલતે ચલે જાતે હૈ.

ટહુકો :: તોતડા અને બોબડા શબ્દો રમૂજ આપે છે. આમંત્રણ આવું હોય તો પ્રસંગ કેવો હશે? જોઈશું આગળ.

નોંધ: ભેલપુરી.કોમ માટે વિશેષ લખેલ અને અહીં પુનઃ રજુઆત. આભાર ધર્મેશભાઇ વ્યાસ, સિદ્ધાર્થ છાયા અને સમસ્ત ભેલપુરી.કોમ ટીમ

http://www.bhelpoori.com/2013/03/07/art-to-invite-or-invitation-art/ 


ગુરુવાર, 17 જાન્યુઆરી, 2013

Have a Breakfast or Be breakfast. - તમે નાસ્તો કરો છો કે કોઈનો નાસ્તો બની રહ્યા છો?


તમે નાસ્તો કરો છો કે કોઈનો નાસ્તો બની રહ્યા છો?



અત્યારે વ્યવસાય, નોકરી કે ધંધામાં હરીફાઇ સતત અને સખત છે. કોણ કોને ક્યારે પછાડી દેશે અને કયા સંજોગોમાં એ મહાત આપશે એની આગાહી કરવી અશક્ય છે. આજનો નંબર વન આવતી કાલે ક્યાં હશે એ પણ નક્કી નથી હોતું.

ભારતમાં સૌથી વધારે ડીજીટલ કૅમેરા કોણ વેચતું હશે? સામાન્ય રીતે પહેલા જવાબ આવે કે સોની, કેનન કે પછી નીકોન. જવાબ ખોટા છે. એ હવે સેમસુંગ કે નોકીયા છે. અને નોકીયા કે સેમસુંગનો મૂળ વ્યવસાય કૅમેરા બનાવવાનો નથી જ. એ જ રીતે, ભારતમાં સૌથી વધારે એલાર્મ ક્લૉક બનાવતી મોરબીની કંપનીનો હરીફ કોણ? અગેઇન જવાબ છે મોબાઇલ ફોન. 

ભારતમાં સૌથી વધારે રેવન્યૂ રેકોર્ડેડ સંગીતમાં કોણ કરતું હશે? ટી-સિરીઝ? HMV સારેગામા? જવાબ છે, એરટેલ. ૩૦ સેકન્ડના એક કૉલર ટ્યુનની એમની આવક આ બન્ને મ્યુઝિક કંપનીના વાર્ષિક ટર્નઓવર જેટલી હોવાનો એક અંદાજ છે. અને એરટેલ એ સંગીત ડીસ્ટ્રીબ્યુશન કંપની નથી જ. એરટેલ એ ભારતનું સૌથી મોટું મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર ગૃપ છે. ૨૦૧૦ સુધી મોબાઈલ એટલે નોકીયા, એ પર્યાયવાચક શબ્દ ગણાતો. આજે આ સ્માર્ટફોનની રેઈસમાં નોકીયા લગભગ પરાજય પામ્યું છે. 

તો પ્રશ્ન એ ઊઠે કે મારો હરીફ કોણ છે?

એપલે સોની સાથે શું કર્યું? જે સોની એ કોડાક સાથે કરેલું? સરળ બાબત છે કે નહી? કોડાક એ ફિલ્મ બેઝ્ડ કૅમેરામાં જ રહેવું કે ડીજીટલમાં આગળ વધવું એ નિર્ણયમાં ખુવાર થઈ ગયું. અને સોની એટલે ડીજીટલ એમ આગળ વધી ગયું. સોનીએ એક જમાનામાં ચમત્કાર કહી શકાય એ પ્રકારને વોકમેન કૉન્સેપ્ટ મૂકેલો, અને અત્યંત સફળ રહ્યા હતા. પણ એક કોમ્પ્યુટર બનાવતી કંપની એ જ સોનીના વ્યવસાયમાં ગાબડું પાડે એ સોની માટે કદાચ કલ્પના બહારની બાબત હતી. એમને સ્વપ્નોમાં પણ ખ્યાલ નહી હોય કે એકે કોમ્પ્યુટર બનાવતી કંપની મહાત આપી શકે. એવું જ કાંઈક IBM સાથે થયું, એમનો મેઈનફ્રેમ કોમ્પ્યુટરનો જામેલો ધંધો, પર્સનલ કોમ્પ્યુટર ક્ષેત્રમાં પ્રવેશવા માટે ધ્યાનમાં ન રાખ્યો કે ન રહ્યો, અને આજે ઇતિહાસ છે કે IBM પર્સનલ કોમ્પ્યુટીંગમાં બજાર ચૂકી ગયું છે. નેટસ્કેપ એ એક એવું ઇન્ટરનેટ બ્રાઉઝર હતું કે જે ખરીદવું પડતું (ભારતમાં આપણને સોફ્ટવેર ખરીદવું એ અજાયબ લાગે, પણ સત્ય છે) માઈક્રોસોફ્ટ વીન્ડોઝની સાથે IE (ઇન્ટરનેટ એક્સ્પ્લોરર) મફત મળવા લાગ્યું, નેટસ્કેપની દુકાન રાતોરાત બંધ થઈ ગઈ.

આજનો હરીફ કાયમી નથી, અને આવતી કાલના હરીફ કોણ છે? કયા ખૂણેથી પ્રગટ થશે એ કલ્પના પણ નથી હોતી.

૨૦૦૮ના વરસમાં બ્રીટીશ એરવેઈઝના લંડન-ભારત રૂટ ઉપર હરીફ કોણ સાબિત થયું હશે? એર-ઈન્ડીયા, સીંગાપોર એરલાઈન્સ? જવાબ છે CISCO. આ CISCO કે HP ની ટેલી-વીડિયો કોન્ફરન્સીંગ સર્વીસીઝને કારણે બિઝનેસ ટ્રાવેલ્સમાં મોટો ઘટાડો નોંધાયેલો અને એ સતત ચાલુ જ છે. બિઝનેસમાં મંદી, કોસ્ટ કટિંગ અને ખર્ચા ઉપર કાપ મૂકવાના અનેક પગલાંઓને કારણે આ પ્રકારની સર્વીસીઝ નિયમિત ઉપયોગમાં લેવાવા માંડી. હવે એક એર-લાઈન્સને કેમ કલ્પના હોય કે એમના હરીફ ક્યાંથી પ્રગટ થશે? એર-લાઇન્સના મૅનેજમેન્ટને આશા હતી કે જેવી મંદી પૂર્ણ થશે, બિઝનેસ પાછો યથાવત્ થશે. પણ એ આશા ઠગારી નીવડે એમ સાબિત થઈ રહ્યું છે.

બે દસકા પહેલાં એક રાત્રિની અંદર ૩-૪ ફિલ્મ જોવા માટે ભારે ધરખમ VCR કે VCP ભાડે લાવીને જોતા હતા. ભાડે એટલાં માટે કે એ VCR/VCP કિંમતમાં પણ ભારે જ હતાં. મોટી VHS કેસેટ (જેની લાઇફ પાછી મર્યાદિત) અને આજે બ્લ્યુ-રે DVDના જમાનામાં તો એ મ્યુઝિયમ આઈટમ બની  જ ચૂક્યાં છે. લાખ રૂપિયા આસપાસથી મળતાં પર્સનલ કોમ્પ્યુટર આજે ફક્ત થોડા જ હજારોમાં મળતાં થઈ ગયા. અને હવે ટૅબ્લેટ, નોટિસ વગેરે લેપટોપ, અને એના સસ્તા પર્યાય જેવા નોટબુકને પણ ખાઈ રહ્યા છે.

ક્રિકેટ અને બોલીવુડ – ભારતના મોટા આકર્ષણ કેન્દ્ર. બન્ને અલગ અલગ ક્ષેત્ર. એક બીજા સાથે નાહવાનો કોઈ જ સંબંધ નહી. વન ડે મેચ આખા દિવસનો, હરીફાઈનો કોઈ પ્રશ્ન જ ન આવે. પણ આ ૨૦-૨૦ મેચ એ ત્રણ કલાકનો થઈ રહ્યો. અને એમાં પણ આ વર્લ્ડ કપ કે પછી IPL મુવીને ઝાંખાં પાડી નાખે છે. એ સમયગાળામાં નવા મુવી રીલીઝ થતાં નથી. અને આ ક્રિકેટની મેચ વખતે મુવી હોલ ખાલી નજરે ચડે છે. ખાલી હોલ તો પોસાય નહી? એટલે એ મલ્ટીપ્લેક્સ વાળાઓ IPL કે વર્લ્ડ કપના રાઈટ્સ લઈ મેચને સ્ક્રીન કરે છે. ક્રિકેટ એ માત્ર રમત ન રહેતાં એ એક પૂર્ણ મનોરંજન બની રહ્યું છે. હરીફાઈ ક્યાંથી આવે?

છેલ્લા વીસ વરસમાં કેટલી પ્રોડક્ટ બજારમાંથી અદ્ર્શ્ય થઈ કે થઈ રહી છે?

એલાર્મ ક્લૉક, રેડિયો, મ્યુઝિક સીડી (જેને MP3/MP4 ફોરમેટ ખાઈ ગયું) અને વધ્યું એ FM રેડિયો કામ તમામ કરી રહ્યું છે. અને FM રેડિયો ક્યાં સાંભળે? મોબાઈલ – ઓબ્વીયસ જવાબ છે. ટાઈપરાઈટર હવે અદ્રશ્ય થઈ ગયા છે. કદાચ કોર્ટની બહાર જોવા મળે છે. આજે બેંકમાં કશિયર ચેમ્બર બહાર લાઈન્સ પણ ગાયબ થઈ રહી છે. ATMને કારણે સગવડ ખૂબ વધી, કામમાં સરળતા પણ વધી છે.

અસંખ્ય આ પ્રકારના ઉદાહરણ આપણી સમક્ષ આવશે. 

મુસાફરી કરતી વખતે કુંજા/વોટરબેગ એ સામાન્ય જરૂરિયાત રહેતી, આજે બોટલ્ડ વોટર એ અનિવાર્ય જરૂરિયાત બની રહી છે. પહેલાં કોઈ પણ શહેરમાં પ્રવેશો એટલે તમને અનેક મોટર ગૅરેજ જોવા મળતાં, અને એમ્બેસેડર, પ્રીમિયર પદ્મની લાઈન બંધ ત્યાં સર્વિસ (આમ તો તકલીફ નિવારણ) માટે જોવા મળતી, આજે એ તમામ વર્કશોપ અદ્રશ્ય થઈ ગયા છે. 

આજે હરીફ કઈ દિશામાંથી આવશે એ ખબર નથી પડતી. જરૂર છે તો ફક્ત માર્કેટને સતત જાણતા રહેવાની, અને નવા પરિમાણો ઉમેરતાં જ રહેવાની છે. આજનો ગ્રાહક વેલ્યૂ એડીશનને વધુ મહત્વ આપે છે. ગ્રાહકોને જે ભૂલશે, ગ્રાહક એને ભૂલવાનો જ છે. અને સગવડ, સવલત અને યોગ્ય કિંમત એ મહત્વના પરિબળ છે અને રહેશે.

માટે જ તમે તમારો નાસ્તો કરે છે કે કોઇનો નાસ્તો બની રહ્યા છો?


એક ઇ-મેઇલને આધાર

જમાવેલી પ્રતિષ્ઠા બરફના સિંહાસન જેવી હોય છે. ધ્યાન રહે તો પીગળી શકે છે. ગમ્મે ત્યારે. – અનુભવોક્તિ



મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

Travelers & Tourists - આવા મુસાફરો આવે એટલે આનંદ અને ખુબ આનંદ આપે,


:: મુસાફરીના ઉમદા અનુભવો ::


મુસાફરી મોટાભાગે મજબૂરીથી જ કરવી પડતી હોય છે. સીવાય કે વેકેશનમાં કોઈ દૂર હીલ સ્ટેશન ઉપર કે સમુદ્રકિનારો ફરવા જવાનું હોય. પણ વાહન, સ્થળ, પ્રદેશ, ભાષા આ તમામ ઉપર એક હંમેશા જીતે છે અને એ છે માણસો. અનુભવો તો એમના જ હોય. એને મોઢા ઉપર જવાબ ન આપી શકીએ, પણ મનમાં તો જવાબ નક્કી જ થઈ જાય કે અનુકુળતાએ આ જવાબ ચોપડાવી જ દેવો જોઇએ.

- પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભાગ્યેજ ચડતા મુસાફરો અને એમના અનુભવો

   - લગભગ ૧૨ વરસ પછી ટ્રેઇન/બસમાં બેઠો/બેઠી. વાઉ... આ અનુભવ પણ લેવો જોઇએ. 
(કેમ બાર વરસે રૂપિયા ભેગાં થયા?)
   - ઓહ ટ્રેઇન અંદરથી આવી હોય? રીઅલ્લી? કેટલી વિચિત્ર છે? 
(ના આ ટ્રેઇનમાં તો ખાલી ઘોડિયાં જ આવે, તમને ખબર ન હતી?)
   - આ કેટલી ગંદકી છે? (લે હમણાં તો ધોઈ હતી આખી ટ્રેઇન)
   - આમાં સુવાનું? (ના જા ને ભાઈ છાપરે, ઠંડક પણ મળશે)
   - હુહ્હ્હ્હ કેવાં કેવાં લોકો હવે વોલ્વોમાં જવા લાગ્યા? (તો કેવાં લોકો જવું જોઈએ?)
   - ક્લીનર - એસી કુલ કરના. (રાષ્ટ્રભાષામાં તો ભારે પ્રવીણ)
   - બસમાં બેસતાં તરત ક્લીનર યે બસ કબ પહોંચાડે ગા? (રાષ્ટ્ર્ભાષામાં હજી પણ પ્રવીણ)
   - રાસ્તેમેં ચાય-પાની કા સ્ટોપેજ આવેગા કે નહી? પેલે જ બોલ દો. (રાષ્ટ્રભાષામાં તો ભારે પ્રવીણ)
   - સીટ્સ તો એવી લાંબી કરશે - રીક્લાઇનર રહી અને આપણે તો ટીકીટના રૂપિયા વસૂલ કરવાના પાછાં. 
(બે વખત ઉબકા જેવા અવાજ કરો, આગલી સીટને ચોંટીને બેસી રહે)
   - અમુક સીટ્સ એવી લાંબી કરે જાણે તમે પૅસેન્જરને ખોળે લીધા હોય એમ લાગે.
   - પાન/મસાલાના કોગળા કરે અને કાચ લાલ કરી મૂકે. (પછી ખ્યાલ આવે કે વોલ્વોમાં કાચ ખૂલતા નથી)
   - બસ જ્યારે હાઇ-વે ઉપર કોઈ હોટેલ પાસે ઊભી રહે એટલે એટલો ઝડપથી દોડે જાણે બસ હવે નથી રહેવાતું...........

મોટા પરીવાર સાથે મુસાફરી કરતા લોકો અને તેમના અનુભવ

    - ચાલ બકુ કાકાના ખોળામાં બેસીજા. બારી તને મળી જ જાશે. 
(કાકો અજાણ્યો હોય અને ખુદના છોકરાં કોઈ દિવસ ખોળામાં બેઠાં ન હોય)
    - એ અમારો ૩૩, અને ૩૭ એમ બે અલગ અલગ ટીકીટ છે. જો તમે ત્યાં જતા રહો તો અમે એક સાથે રહી શકીએ 
( તો અમારે શું અલગ થવાનું તમારા માટે?)
    - લ્યો ચા પીવો, ઘરની છે. અને બકુના મમ્મી હાથેથી બનાવી છે. 
(અમારે તો બહાર જ બને અને બને તો પણ પગેથી બને)
    - છાપું આપોને, મેગેઝીન આપોને, અમને તો મુસાફરીમાં વાંચવાની બહુ ટેવ. (ખુદના ખર્ચે તો ખરીદો ક્યારેક)
    - બકુ હવે ચીકીને બારીમાં બેસવા દેશે. એ અંકલને બહુ હેરાન ન કરતી. (તમારી બારી તો લુંટાઇ જ ગઈ)
    - આ બેગ કોની છે? અને તમે જવાબ આપો એ પહેલાં તો બહાર માંડે મૂકવા, અને રુઆબ, અમારી સીટ છે અમે જ આંહીં બેગ મૂકશું. (બાપુજી રેલવે મંત્રી છે)
    - તમે જરા બહાર બેસો, અમારે જમવાનું છે. (અમે તો ગમ્મે એની થાળીમાંથી કોળિયા ચોરી લઈએ, એટલે બહાર કાઢવા બહુ સારા)
    - પ્રશ્નાવલી શરૂ - તમે ક્યાં ના? જાતે કેવાં? ક્યાં રહો છો? ક્યાં જવાના? ક્યારે પરત આવશો? રિઝર્વેશન છે કે નહી? ધંધો છે કે નોકરી? (અરે શ્વાસ તો લેવા દે)
    - અમારા ધાબળાને અડ્યા જ કેમ? અમારા ઓશીકાને અડ્યા જ કેમ? (હજી સુધી તો એ રેલવેની પ્રૉપર્ટી છે, ચોરવાનો ઇરાદો લાગે છે - અને ઝગડો કરવાનું એક બહાનું)
    - દર બીજા સ્ટેશન આવે પૂછશે, અમદાવાદ આવ્યું? આવે એટલે કહેશો. (ભલે ને ઓખા જવાનું હોય પણ જાણીને આનંદ કરવો)
    - સવારે - ટુથ-પેસ્ટ ઉધાર આપો તો જરા. (ઘેરે ટુથ બ્રશ ઉપર ચાંદલા કરતા હોય પણ મફતમાં લીટા તાણી લે)

હવાઈ જહાજ આઇ મીન એરો પ્લેઇનના મુસાફર (ડોમેસ્ટીક)

     - અમારે ઇન્ટરનેશનલમાં પ્લેઇન્સ મોકળા બહુ હોય યુ નો. (તો એમાં જા ને)
     - લેગ રૂમ સ્પેશીયસ બહુ હોય, યુ નો. (કહેતા હોય તો આગલી પાછલી સીટ્સ કઢાવી નાખીએ)
     - એર હોસ્ટેસ દેશી છે. (આમાં આપણે શું કરી શકીએ?)
     - અમારે ન્યાં ફૂડ બહુ ક્વોન્ટીટીમાં અને હાઇજીનીક મળે. આંહીં એવું ખરું કે? 
(આવે એટલે અડખે પડખે વાળાના ડબ્બા ઉતારી લ્યે)
     - પેલી એરલાઇન્સ બહુ સારી, અને ઓલી તો ખૂબ સારી (જેમાં બેઠાં છો એના તો વખાણ કરો)

કોઈકની કારમાં મુસાફરી કરતા મહેમાનો

     - મને તો આગળ જ ફાવે.
     - મારા છોકરાંઓને તો બારી જ જોઈએ.
     - અમારે તો હાઇ-વે ઉપર નીલકંઠમાં જ જમવા જોઈએ. (અરે તારું નીલકંઠ આ રોડ ઉપર ન આવે)
     - તમે બહુ ધીમે ચલાવો, અમારા બનેવી તો ૧૦૦-૧૨૫ જ હોય. (અરે એ તો ૪૨૦ પણ હોય એમાં અમારે શું?)
     - તમારી કાર બહુ નાની છે. (તમે હજી હીરો-મેજસ્ટીક ચલાવો છો એનું શું?)
     - હવે નવી લઈ લ્યો. (અરે આના તો હપતા તું ભરી દે હાલ)
     - બીસ્લેરીની બોટલ લઈ લેશો, અને નાસ્તો પણ લેશો. તળેલું બહુ ન લેતા. હું સીંગ-દાળિયા લેતો આવીશ
     - કાર ચોખ્ખી રાખતા હોય તો. 
(આ સૂચના મુસાફરીના ત્રણ કલાક પછી આપે, જ્યારે એના પરીવારો આખી કાર સીંગના ફોતરાંથી ભરી મૂકી હોય)
     - એસી બરાબર નથી હાલતું લાગતું.
     - જુના ગીત મૂકો, નવા ગીત મૂકો, ગજલ મૂકો, રેડિયો મૂકો (સૂચનાઓ અવિરત ચાલુ જ હોય)
     - એ આંહીં જુવો ને ન્યાં જુવો... હાથ તો એવા લાંબા કરશે કે ડ્રાઇવર મુંઝાઇ જાય કે મને તો સામે જોવા દો.



આપણું જીવન સાલું ડ્રાયફ્રુટ જેવું થઈ રહ્યું છે. રહી રહીને હાથમાં માળાહાળાઅખરોટબહુ આવે. - અનુભવોક્તિ



બુધવાર, 2 જાન્યુઆરી, 2013

Impressive Behavior - આવું વર્તન કરીએ તો જમાવટ તો થશે જ. પણ કોની?


વર્તન: જાહેરમાં, જાણીતી કે અજાણી જગ્યાએ, પરીવાર સાથે કે ગૃપમાં. આપણી ઓળખ બને છે. ઝીંકે રાખો. 


- આપણે કે અન્ય કોઈના  ઘેરે પ્રસંગ હોય પાર્કિંગ કેવું કરેલ હોય છે? 
 જાણે રોડ પુ. પિતાશ્રીની માલિકીનો હોય અને પાડોશીને એમના ઘેરે જવા માટે ઓબસ્ટેકલ કોર્સ જેવું થાય.

- આપણે કે અન્ય કોઈના ઘેરે પ્રસંગ હોય ત્યારે બુટ/ચંપલ કેમ રાખીએ છીએ?
જાણે કુંભનો મેળો. એકે એક જોડી વીખાય જાય. એક બૂટ પાલીશ વાળું રહે અને બીજું ઘસાઈ જાય. ઢગલો હોય.

- કોઈ પણ વાહનમાં મુસાફરી દરમ્યાન નાસ્તો કર્યા પછી એ પડીકાનું શું કરીએ?
એ.... ઘા. પાછળ આવતા વાહન ઉપર, રસ્તા ઉપર, કોઈના માથા ઉપર. અને તમે જો માર્ક કર્યું હશે તો રસ્તાની કે ટ્રેઇનના ટ્રેકની બન્ને બાજુએ પ્લાસ્ટિકનો પથારો નયનરમ્ય તો નથી જ લાગતો ને.

- સિનેમા હોલમાં થોડી ક્ષણો માટે લાઇટ જતી રહે તો કેવું વર્તન કરીએ છીએ?
જાણે સીટી વગાડવાથી કે બરાડા પાડવાથી લાઇટ આવી જવાની હોય. અને કાં અંધારાંની બીક લાગે છે?

- વરઘોડામાં રસ્તા ઉપરનું વર્તન કેવું હોય છે?
જગતમાં પહેલા લગ્ન હોય, રસ્તો પિતાશ્રીનો હોય, હોસ્પિટલ કે સ્કૂલ મારી ફરે. ફટાકડા અને લાઉડ મ્યુઝિક અબાધિત હક્ક બને અને આંગળી ઊંચી કરીને ભાંગરા કેમ થાય એ જોવા આખા પંજાબને જોવા બોલાવવા પડે.

- ટ્રેઇનની મુસાફરીમાં રાત્રે ૧૦ પછી મોટા અવાજે વાતો કરીએ છીએ?
સાથી મુસાફરોને એકલતા ન લાગે. એ પણ આપણી ચર્ચામાં અને ઠહાકામાં ભાગ લે (અનિચ્છા) એ પછી ભલે માથા પછાડતો હોય.

- હેડફોનમાં મ્યુઝિક સાંભળવું એ સારી બાબત છે.
પણ સાથે મોટા અવાજને સાથે ગાય એ કેવું સુંદર લાગે?

- જાહેર મુતરડીમાં સફાઈની જવાબદારી તો સફાઈ કામદારની હોય. પણ યુરીનપોટમાં પાનના કોગળા કરી નાખે અને પછી એ છલકાય.
તો ભાઇ શું લોકોએ થુકદાનીમાં લઘુશંકા કરવી?

- હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા જાય ત્યારે બાજુના પેશન્ટનું કેટલું ધ્યાન રાખીએ?
અરે... એના ખાટલે તો બેઠાં હોઈએ. ભલેને એના ઓક્સિજનની નળી દબાય.

લાસ્ટ બટ નોટ લિસ્ટ...

- ટ્રાફિકના નિયમોનો ભંગ કરીએ, જાણી જોઇને જ સ્તો. અને પછી એ કોન્સ્ટેબલને પૂછીએ... તને ખબર છે?? હું કોણ છું??? મારા બાપુજી કોણ છે?? બકલ પટ્ટા ઉતારી દઈશ.
તું કોણ છે અને બાપુજી કોણ છે એ તને અને તારી બા ને ખબર. અને એ કૉન્સ્ટેબલ છે હરતીફરતી ફોરેન્સીક લૅબ નહી.