હોમ

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2012

Simple Lessons of Life - જીવનના સરળ પ્રસંગો જે લગાતાર શીખવતા રહે છે.


જીવનના સરળ પ્રસંગો જે શીખવતા રહે છે. લગાતાર........



અધીરાઈ કે સંજોગ:

આપણે ઘણી વાર વિચારતા હોઈએ કે સંજોગો મારે અનુકૂળ કેમ નથી હોતા? અને ક્યારેક તક હોય તો તૈયારી નથી હોતી અને તૈયારી હોય ત્યારે? ... તક નથી હોતી.

મને એક વાત યાદ છે, મારા એક વડીલ હંમેશા એ પોતાનો અનુભવ ક્વોટ કરતા.. આ પરિસ્થિતિ સમજાવવા માટે. એમના જ શબ્દોમાં...

- અમારા જમાનામાં મુસાફરી ઓછી રહેતી અને બહારનું રાંધેલું ખાવાનું તો પ્રતિબંધિત હતું. વ્યવસાય વકીલ અને સ્ટેટ (આઝાદી પહેલાંના વખતમાં) માટે અવારનવાર બ્રીટીશ એજન્સીની ઓફીસ ખાતે જવું પડતું. હવે રેલવેની મુસાફરી અને રાજકોટનું અંતર આશરે ૫-૬ કલાક. અને જે વસ્તુ પ્રતિબંધિત હોય તે મેળવવાની મજા કંઈક ઓર જ હોય.

ટ્રેઇન ઊપડે એટલે ચેવડા વાળો આવે અને પહેલો ઑર્ડર મારો હોય કે બે આનીનો (આ પણ એક કરન્સી હતી લગભગ ૧૨-૧૫ પૈસા) ચેવડો આપ. અને પેંડા વાળો ક્યાં? પેલો કહે બાજુના ડબ્બામાં છે મોકલું. અને પેંડા વાળો આવે ત્યાં ચેવડાની ઉજવણી ચાલુ થઈ જાય અને છેલ્લા બુકડે પેંડા વાળો પ્રગટ થાય. પાછી એજ પરંપરા, પેંડા આપ અને ઓલો ચેવડા વાળો ક્યાં, એજ જવાબ, આમ કરતાં લગભગ આઠ આના ના પેંડા અને આઠ આના નો ચેવડો ખાલી કરી જાઉં પણ સાલું આ ચેવડો પેંડા કોઈ દી ભેગાં ન થાય. 

ભૂખ, કોઈ જાણીતું જોઇ ન જાય અને બહારનું ખાવાનું (જે ભાગ્યે જ નસીબ હોય) આ ભેગું થાય આમાં ધીરજ કેમ રહે???

આજે બધું છે પણ ધીરજ ક્યાં???"



"સંબંધ પાલન કે સમય પાલન:

થોડા વરસો પહેલાં જ્યારે હું મુંબઈ અભ્યાસ કરતો હતો તે વખતે મારા કેટલાક સગા ત્યાં ફરવા માટે આવેલ હતા. તેમનો રાત્રી મુકામ બોરીવલી ખાતે અન્ય સંબંધીને ત્યાં હતો. એક શનિવાર નક્કી કર્યું કે રવિવાર આખો ચર્ચગેટ, મ્યુઝિયમ અને મરીન ડ્રાઇવ ફરવું. 

શનિવાર સાંજે મારી સાથે ફોન ઉપર કાર્યક્રમ ’ફાઇનલ’ કર્યો. એ પણ નક્કી કર્યું કે રવિવાર સવારે ૯.૦૦ કલાકને ચર્ચગેટ સ્ટેશન ઉપર વ્હીલરના બુક સ્ટૉલ પાસે મળવું. 

માંડ મળતો રવિવાર - ૭ વાગે ઊઠીને સવારે ૯.૦૦ કલાકને વ્હીલર પાસે ઊભો રહ્યો અને લગભગ ૧૦.૩૦ કલાક સુધી સંઘના દર્શન જ નહી, અને પાછું વ્હીલર છોડીને જવાય પણ કેમ? છત્તાં હિંમત કરી બોરીવલી ફોન કર્યો તો કહે, રવિવાર થોડું આળસ આવી ગયું અને નિરાંતે ૯.૦૦ વાગે તો ઊઠ્યાં. અને પછી થયું કે ચાલને બોરીવલી નેશનલ પાર્ક જઈ આવીએ. અને ખાસ શબ્દો હતા કે આપણે ક્યાં ’સાવ ફાઇનલ’ કર્યું હતું?

બધા વડીલો, કોને કહેવું? શું એક ફોન ન કરી શકે? કે પછી એક વિદ્યાર્થી તરીકે મારા સમયની શું કોઈ મોટી કિંમત હોય? કે પછી બે-જવાબદારી? હજી મને જવાબ નથી મળ્યો.

આપણે હજી આવા જ છીએ. LOL"



એક બીજાને ઠેકાણે પાડવામાં અને ઠેકાણે કરવામાં માણસ ખુદ પોતે ઠેકાણા વગરનો થઈ જાય
છે – અજુભવોક્તિ

રવિવાર, 23 ડિસેમ્બર, 2012

Laughter any time. હસીને હળવા થવા માટે ક્યારેય ઓછા મોકા નથી મળતા.


હસવા માટે કોઈ વિશેષ વાત મહત્વની નથી. અચાનક અવસર મળી આવે અને હાસ્ય પ્રાપ્ત થાય.

પ્રસંગ - ૧

પ્રેક્ટીકલ જોક જો સમજ્યા વગર કોઈ કરે તો ક્યારેક નુકશાન કારક બની શકે છે. એને અજમાવતા પહેલાં સાવધાની ખૂબ જરૂરી થઈ પડે છે.

કોઈ એક બપોરને મિત્રને ત્યાં પ્રસંગમાં જમવા ગયો હતો. અને ત્યાં ઘણા મહેમાનો પણ હતા. અંદાજે ૨૦૦-૨૨૫ લોકોનું ફંક્શન હતું. જેમ બુફે લાગ્યું તેમ લોકો પોતાની ડિશ લઈને જમવાનું લેવા લાગ્યા અને ભોજન શરૂ થઈ ગયું. પાછી દરેક વાનગી માટે અંગ્રેજીઓમાં લેબલ પણ મારેલાં. સમજ માટે અને કહેવાની જરૂર નથી કે બધું જ શાકાહારી હતું.

એક સબજી હતી અને એની પાસે લેબલ હતું. PANEER LABADAAR આ જોઇ મારો એક મિત્ર જોરથી બોલ્યો...

એની જાત ને આ શું? પનીર લાબ્રાડોર?? આંહીં થોડું રખાય? અને લોકો ખાય પણ છે???

બસ પછી જોવા જેવી થઈ. કેટલાં ડિશમાંથી એ શાકનો ઘા કરી આવ્યા.... કેટલાં તો ઉબકા કરવા લાગ્યા અને કોગળા કરવા લાગ્યા... જે હોસ્ટ હતો તે અને તેનો પરીવાર કાંઈ સમજે તે પહેલાં તો લોકો ફરિયાદ અને ઝગડો કરવા લાગ્યા.... 

પછી સમજાવટ અને મારા મિત્રની માફી અને તેની મજાકની આદત... અને જોગાનુજોગે એને ઘણા ઓળખતા ત્યાં એટલે પછી એ ગુસ્સો હાસ્યમાં ફર્યો.. પણ ૧૨-૧૫ મીનીટ ભારે રહી.

પ્રસંગ - ૨

લો ગાર્ડન પાસે એક રાત્રે જમવા ગયા હતા. અને થોડી ભીડ હતી, ઑર્ડર આપી ને રાહ જોઇ રહ્યા હતા. એટલાં માં એક ગધ્ધા પચ્ચીસમાં હોય એવું એક કપલ આવ્યું. બેન કચકચાટી કરતા હતા ઓફકોર્સ એમના હબી હારે. થોડું રોવે... થોડા ખીજાય કાંઈ ચણભણ ચાલુ જ હતી. ભાઇ સતત મનાવે, હસાવવાનો પ્રયત્ન કરે. 

ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ પણ જમવા માટે આવેલ હતા. એ આ બધું પહેલાં અચરજથી અને પછી રમૂજથી જોતા હતા. અને વેઇટર પણ ધીમું ધીમું હસતા હતા. અને એ બેન પગ પછાડીને કોઈ બાબત ઉપર ધડ કરવા લાગ્યા, ત્યાં એક બે વિદ્યાર્થીના હસવાના બંધ તૂટી ગયા. અને અટ્ટહાસ્ય કરી બેઠાં. 
.
અચાનક ઝગડતા કપલની નજર આ વિદ્યાર્થીઓ અને વેઇટર પર પડી. ભોઠાં પડવાના બદલે... પહેલાં બેનનો સુર બદલાયો.
.
કેમ કોઈ દિવસ કોઈ પરણેલાને વાત કરતા નથી જોયા? આમ કેમ હસો છો?
.
અને માસ્ટર ડાયલૉગ... (એના પછી કોઈ ગોત્યું ન જડે એમ ઉભા રહ્યા)
.
તમે પરણેલા નહી હશો, તમારા ઘરમાં કોઈ ક તો હશે ને પરણેલું? જુવો ને એને... અમને શું કામ? અને જમી ને હાલતા થાવો. છે ને બોલ્ડ અને બ્યુટીફુલ.

નવો પવન ::

આપણા ભાયુંની એક વાતની ખૂબ મજા આવે. 

જ્યારે પણ બહાર હોટેલમાં જમવા જાય ત્યારે મેનુ નક્કી કરતા હોઈએ અને તમે જો બોલો કે શાક શું મંગાવશું? તો કેટલાયના ડોળા અધ્ધર ચડી જાય. પછી નમ્રતાથી સમજાવે કે આને સબજી કહેવાય. 

અરે મુરબ્બી વડીલ.... ઘેરે દૂધી/રીંગણાં ડીટીયા સાથે ખાતા હશો અને આંયા સબજીના માંનું કન્યાદાન?

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

Lessons from Life - જીવનના પ્રસંગો જે સતત શીખવતા રહ્યા


કેટલા પ્રસંગો જે નાના છે પણ યાદગાર બની રહ્યા, અને સતત શીખવતા રહ્યા. 

પ્રસંગ - ૧

કોઈ વ્યક્તિને તમે પ્રથમ નામે યાદ રાખશો કે બોલાવશો તે એમને પસંદ આવશે જ. 
આ સીમ્બોલીક ફોટો છે.

સાત વરસ પહેલાં રાજકોટથી જામનગર જતો હતો, અને કારમાં ડીઝલ ભરાવવા માટે એક પંપ ઉપર ઊભો રહ્યો. એટેન્ડન્ટ પાસે આવીને એમને જે તાલીમ મળેલી એ અનુસાર કહે કે નમસ્કાર સાહેબ, . મેં સામું નમસ્કાર કહ્યું અને પૂછ્યું કે સલીમભાઇ કેમ છો? ૨૦ લીટર ડીઝલ ભરી આપો. તો સલીમભાઇ તરત જ મને ધીમાં અવાજે કહે કે સાહેબ, આપ પરીચીત છો એટલે એક અંગત સલાહ આપું છું. ગઈકાલ રાત્રિથી અમારા ડીઝલના ભાવમાં ૨.૫૦ રૂપિયા એક લીટર વધી ગયા છે. તમે અહીંથી ફક્ત ૫૦૦ મીટર આગળ જશો ત્યાં ભારત પેટ્રોલિયમનો પંપ છે. ત્યાં ભરાવો. એમના રેઈટ્સ હજી જુના જ છે. તમને ૫૦ રૂપિયાનો ફાયદો થશે.

અમે ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં મારો કલીગ કહે તું આ સલીમભાઇને કઈ રીતે ઓળખે? 

એ એટેન્ડન્ટના શર્ટ ઉપર એમના નામની ટૅગ હતી, અને બસ એ જ્યારે નમસ્કાર કરતો હતો ત્યારે મેં વાંચી લીધેલું.

પ્રસંગ - ૨

થોડા વખત પહેલાં અમદાવાદમાં એક કસ્ટમરની ઓફીસ બહાર બોર્ડ મારેલું હતું.

મહેરબાની કરી બૂટ-ચંપલ પહેરી ઓફીસમાં જશો.

એ કસ્ટમરને થોડા અચરજથી પૂછ્યું. નોર્મલી લોકો બૂટ-ચંપલ બહાર કઢાવે છે અને તમે આ પ્રકારે બોર્ડ મારો? 

એના તર્ક સાથેના જવાબ ::



૧. મારી પાસે કોઈના બૂટ-ચંપલ સાચવવા માટે ચોકીદાર નથી.
૨. કોઈના મોજાં કાણાવાળા હોય તો એમને ક્ષોભજનક સ્થિતિમાં મૂકીશ નહી
૩. મારે એર-ફ્રેશનરનો ખર્ચો બજેટ બહાર જતો રહેતો. એ ઓછો કરવા માટે પણ.
(એર-ફ્રેશનર એટલાં માટે કે મોજાં સાથે મોજાં આવે ’સુવાસના’)
૪. અલગ અલગ કલરના મોજાં પ્રદર્શન નથી જોવાતાં.
૫. બહાર પડેલા બૂટને પાલીશ (જો હોય તો) ખરાબ થાય. એ મને પસંદ નથી.

ઉપરોક્ત અનુભવો ખૂબ થતા અને એ ન થાય માટે જ બૂટ ચંપલ પહેરીને આવો.

પ્રસંગ - ૩

જામનગર જિલ્લાના જામજોધપુર ગામ પાસે એક નાનું ગામ છે ઘુનડા. ત્યાં શ્રી હરીરામ બાપુનો આશ્રમ છે. ૨૦૦૪ની સાલમાં ત્યાં એક સંસ્થાનો ટ્રેઇનિંગ પ્રોગ્રામ ગોઠવેલો, ત્રણ દિવસ અને બે રાત્રી. એક એવી કઠણાઈ કે કોઇપણ મોબાઈલ સર્વિસના નેટવર્ક બહારનો વિસ્તાર. અને ત્યાં પાણી પણ બોરવેલનું જ મળે. ઘુનડાની વસ્તી અંદાજે ૧૦૦૦ આસપાસ અને આશ્રમ બહાર એક જ દુકાન કહો કે ગલ્લો કહો જે આખા ગામની જરૂરિયાત સંતોષે. પાણી સ્વાદમાં થોડું અનુકૂળ ન આવે, એટલે એ દુકાને જઈને પૂછ્યું કે પાઉચ છે પાણીના? તો એ સજ્જન કહે કે ના અમે પાઉચ નથી રાખતા.

હવે એ તાલીમશાળામાં અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર અને અન્ય શહેરોમાંથી કુલ ૩૦ જેટલા પાર્ટીસીપેન્ટ્સ હતા. મારા એક મિત્ર કહે કે જો પાઉચ ન હોય તો બીસ્લેરી તો નહી જ મળે. ત્યાં એ સજ્જન કહે કે બીસ્લેરી નથી. પણ આક્વાફીના છે. અને ૧ લીટર, પાંચ લીટર પેકમાં પણ છે. બાલાજીની વેફર્સ નથી પણ લેય્ઝની વેફર્સ મળશે. થમ્સ-અપ, ફેન્ટા, લીમ્કા ૫૦૦ મી.લી. (મોબાઈલ) અને ૧ લી. માં મળશે અને એ પણ ઠંડી. કેડબરીઝની ડેરીમીલ્ક પણ હતી. લાર્જ સાઇઝ પેકમાં. 

આંચકા ઉપર આંચકા લાગ્યા. કે એવું એક ગામ જ્યાં નજીકનો STD PCO ૭ કી.મી. દુર્ લાલપુર પાટીયે હોય, કોઈજ મોબાઈલ નેટવર્કનું કવરેજ ન હોય, દિવસમાં ફક્ત ૩-૪ ST બસ આવતી હોય, અને આ બધી વસ્તુઓ?

આ સીમ્બોલીક ફોટો છે.
એમનો સરળ જવાબ હતો. કે અહીં આશ્રમમાં જે ડીવોટીઝ આવે છે તે બધા કાં તો ગુજરાતના મોટા શહેરોમાંથી અથવા મુંબઈથી આવે છે અને એ ઉપરાંત NRI આવે છે. એમને શું જોઇએ એ મને ખબર છે. પ્રત્યેક શુક્રવારને સવારે હું સ્ટોક કરી રાખું છું અને રવિવાર સાંજ સુધીમાં સ્ટોક ખાલી થઈ જ જાય છે. 

એ ગ્રામીણ સજ્જનને પણ માર્કેટિંગ મંત્ર ખબર છે. કોઈ જ એજ્યુકેશન વગર.






શસ્ત્ર જો ધારદાર હોય તો બુધ્ધીની બહુ જરૂર નથી પડતી, પણ શસ્ત્ર ધારકને. બાકી અન્યને ખુબ જરૂર પડે, સંજોગોમાં. - અનુભવોક્તિ