હોમ

સોમવાર, 29 ઑક્ટોબર, 2012

વાવો તેવું લણો - What you sow, will get back.


એક પ્રેરક પ્રસંગ ::



એક ગરીબ ખેડૂત હતો. સ્કૉટલેન્ડ ખાતે. એમનું નામ ફ્લેમીંગ. મજૂરી કરી એ સ્વયંનું ગુજરાન કરતો હતો. એક દિવસ એ જ્યારે એના ખેતર જવા નીકળ્યો તે સમયે એક બાળકનો રડવાનો અવાજ સંભળાયો. એ એના હાથમાં રહેલાં સાધનનો ઘા કરી અવાજની દિશામાં દોડે છે, અને એનું ધ્યાન એક કાદવના તળાવ તરફ જાય છે અને એ કાદવના દ્ળદળમાં એક બાળક ફસાયેલો હતો. અને લગભગ કમર સુધી અંદર ઊતરી ગયો હતો. એ તરફડિયાં મારતો હતો, રડતો જતો હતો અને એ પ્રયાસમાં એ દળદળમાં ઊતરતો જતો હતો. બાળકના એ ધીમાં અને નિશ્ચિત મૃત્યુમાંથી ફ્લેમીંગ એને હેમખેમ બહાર કાઢે છે.


બીજા દિવસે ફ્લેમીંગના લગભગ ઝૂંપડા જેવા ઘર સામે એક વૈભવી ઘોડાગાડી આવી ઊભી રહે છે. એમાંથી એક વ્યવસ્થિત પોશાક પહેરેલા સજ્જન ઊતર્યા. અને એ એમની ઓળખ ફ્લેમીંગને આપે છે, એ સ્વયં ફ્લેમીંગ વડે બચાવાયેલા બાળકના પીતા છે. 

એ સજ્જન આવીને જણાવે છે કે હું આપને ઋણ ચુકાવવા માંગું છું. આપે ખરેખર એક બહાદુરી અને ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે, આપે મારા પુત્રનું જીવન બચાવ્યું છે અને એ મારી ફરજમાં આવે છે કે આપને એક પુરસ્કાર આપું. 

ફ્લેમીંગ કહે કે હું આપની કોઈ ભેટ કે પુરસ્કાર સ્વીકારીશ નહી. મેં તો મારી ફરજ બજાવી છે. અને એમની ઑફર નમ્રતાથી નકારી કાઢે છે.

એ સમયે ફ્લેમીંગનો પુત્ર બારણા પાસે આવીને ઊભો રહે છે. 

એ સજ્જન પૂછે છે કે શું આ આપનો પુત્ર છે?

ખેડુત: હા..સાહેબ એ મારો પુત્ર છે.

સજ્જન: તો ચાલો એક સોદો કરીએ. હું આપના પુત્રને સારું શિક્ષણ અપાવું. અને ભવિષ્યમાં આપને ગૌરવ થશે.

ખેડૂત એ સોદો નકારી શકતો નથી. અને એ સહમત થાય છે.

એ ગરીબ ખેડૂતનો પુત્ર લંડનની પ્રખ્યાત સેંટ મેરીઝ હોસ્પિટલ એન્ડ મેડિકલ કૉલેજમાંથી સ્નાતક તરીકે ઉત્તીર્ણ થાય છે. અને ભવિષ્યમાં સર એલ્ક્ઝાન્ડર ફ્લેમીંગ તરીકે નામના મેળવે છે. જેમણે પેનીસીલીનની શોધ કરી.

વરસો પછી એ સજ્જનનો પુત્ર ન્યુમોનીયાથી પીડિત હતો, 

અને એ વ્યક્તિને બચાવ્યું કોણે? પેનીસીલીન.

એ સજ્જ્નનું નામ? લૉર્ડ રેન્ડોલ્ફ ચર્ચીલ

અને એમના પુત્રનું નામ? સર વિન્સ્ટન ચર્ચીલ.

કોઈકે ખરેખર કહ્યું છે કે જે તમે સાચા હ્રદયથી આપો છો તે તમને પાછું અવશ્ય મળે છે.

સોર્સ: ઈ-મેઈલ.

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

માન ન માન મૈં તેરા મહેમાન. What Guests we had


ઘેરે મહેમાન આવે ત્યારે કેવું કેવું વર્તન થાય એ ક્યારેય નોંધ્યું છે?? અને કેવા કેવા પ્રશ્નો પુછે?

મુંબઈમાં મારૂં ઘર રેલ્વે સ્ટેશનથી તદ્દન નજીક. તદ્દન એટલે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ચાલીને પહોંચતા ૫ મિનીટ થાય. મહેમાનોનો લાભ ખુબ મળે. એમના આગમનનો આનંદ પણ હોય. અને આનંદ દેખાડતો રહેવો એવો વડીલોનો આદેશ પણ.

અમુક સજ્જનો (જુવો મેં હજી પણ સજ્જન જ લખ્યું છે) રેલ્વે સ્ટેશને ખાસ તેડવા આવવું, એવો આગ્રહ રાખે. ઘેરે આવી, સંકડાશ (ઓફકોર્ષ જગ્યાની - મનની હોત તો ઘેરે જ ન આવી શક્યા હોત) અને નહાઈ, બપોરનું ભોજન અને આરામ કરી એમના સગાને ત્યાં જવા પ્રસ્થાન કરે. અને સંભળાવતા પણ જાય. આ તો એને તકલીફ ન પડે એટલે શું અહીં પ્રાથમીક કાર્યો પતાવીને જઈએ.

દરેક પ્રશ્નો ખરેખર અનુભવેલા, સાંભળેલા છે. જે બ્રેકેટ્સમાં નીચે લખેલું છે તે મનમાં જ સ્ફુરેલા અને ત્યાં જ વીરમેલા જવાબો છે. કોઈ વડીલ હોય, એમને આવું કેમ કરીને સંભળાવી શકાય?


- શું તમે આ રસોઈ હાથે બનાવી છે?
(ના અમારે ઘેરે તો પગેથી બનાવે છે.)

- અમારા ઇ તો ક્યારેય બહારનું ખાય જ નહી.
(અરે એનું હાડ ગાંઠિયાનું છે)

- અમે તો RO Plant નું જ પાણી લઈએ.
(અમે તો કુવે જઈએ)

- એ.સી. નથી તમારે ત્યાં?
(અગાસીમાં બાખું પડાવવાનું જ છે. બાર માસ એ.સી./ અને કેમ એનું ઘર સેન્ટ્રલી એ.સી. હોય?)

- તમે કાર્પેટ નથી રાખતા? અમને ખુલ્લા પગે ન ફાવે એમ જમીન પર ચાલવાનું.
(કાર લીધા પછી પેટ ખાલી રહે છે - કાર્પેટની ક્યાં કથા કરો છો)

- તમારા ભાઇને તીખું અને તળેલું નથી માફક આવતું.
(રેંકડીએ ૨૫૦ ભજિયા સાથે ૧૫ મરચાં ઉલાળી જાય છે મારો ભાઇ ઇ તને ખબર છે?)

- અમને સેપરેટ રૂમ આપજો.
(એ અમે ઓટે ઊંઘી જશું. બસ.)

- લે તમે હજી લક્ષ સાબુ વાપરો? અમને ડવ વગર તો ફાવે નહી.
(કોડાવ અમે તો રણછોડભાઇનો પીળો સાબુ વાપરીયે. આ તો તમને જોઇને ગયા વરસે લીધેલો
લક્ષ કાઢ્યો છે બાર, તમે જાસો એટલે લુઇને પાછો મૂકી દેશું)

- અમારા છોકરો/છોકરી બહુ શાંત
(એક અરીસો તોડ્યો, સ્કૂટરની સીટ ફાડી, બે કાચના ગ્લાસ તોડ્યા પછી?)

- તમારા ગામમાં બહુ કાંઈ ફરવા જેવું નહી.
(૨૦૦૦ના પેટ્રોલનો ધુમાડો કર્યા પછી હાવ આવું?)
આ તમારે પાર્કિંગ સાવ નાનું હો... કાર પાર્ક કરવા મા બહુ તકલીફ પડે....
( તી મે ક્યાં કિધુ તુ કે કાર લઈ આવ... સાઈકલ પર આવ ને ....)
આ તમે કોઈ ઇન્ટીરિયર પાસે કામ નથી કરાયવું લાગતું....
( તે જાણે તારા ઘર ના નળિયા માટે આર્કિટેક્ટ રોક્યો હોય.....)
તમારી શેરી મા કુતરાવ બહુ હો....
( તે તમારે ગિર મા રહેવા નું... સિંહ ના ટોળા છુટ્ટાં ઘા થતા હોય???)
ઓહોહો.. ચ્હા તો ઓલા બજરંગ ની જ હો.....
( આ ગોલકી ના ને કેમ હમજાવુ કે આય તું આવ્યો એટલે સારી બની.... ને એવા અહોભાવ મા પાર્સલ કરાવી ને જ અવાય ને....!!!)
તમારે વાસ્તુ મુજબ નું ઘર છે?????
( આ પૂછે છે કે ટમકું મુકે છે એ જ ન સમજાય......?)
આ તમે મરચું કઈ બ્રાંડ નું વાપરો.....
( ભાઇ હમજ... આ તારી લપ થી કંટાળી ને જુનો હરસ તને યાદ કરાવવાનો પ્લાન શ્રીમતીજી નો છે.........)
આ તમારે કલર એશીયન પેઇન્ટ ના લગાડ્યા???
( ના ભાઇ ના... અમારે ગાય ભેસૂ કલર વાળા પોદળા કરે... એના થી લીંપેલ છે..)
અમે તો બહુ ક્યાંય નીકળતા જ નથી અમને અમારા ઘર જેવું ક્યાંય ફાવે નહિ ( તયેં આયા હું અઠવાડિયા થી ધામો નાખી ને પડ્યા છો )

લાસ્ટ બટ નોટ લીસ્ટ:

- જતાં જતાં.... તમે તો ક્યારેય આવતા જ નથી અમારે ત્યાં... આવું ન ચાલે. અથવા તમારે તો
આવવું જ નથીને અમારે ત્યાં? ક્યારેક ફુરસદ લઈને આવો?
(અરે કોઈ દિવસ ખોટા વિવેક પણ કર્યો છે ખરો? અને કોઈ આવે છે ખરા તમારે ત્યાં?)

એક SMS અનુસાર:: 

માતા: બેટા મહેમાન માટે કાંઈક લેતો આવ.
બેટો: હા મમ્મી, હું રીક્ષા લઈ આવ્યો.



છે કોઈ આવા મહેમાનનો અનુભવ??

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

Travel Snaps - મુસાફરી દરમ્યાન મોબાઇલ ફોનનો ઉપયોગ.

Dance of Sun & Shade - Golden Bridge - Bharuch
Sun Set on National Highway - 8 સુર્યાસ્ત રાષ્ટીય ધોરીમાર્ગ ૮ ઉપર
Wetland between Rajkot - Ahmedabad
Road Side Temple - Hyderabad Ring Road
Fort DIU - UT
River Mahi Sagar - Nr. Baroda
Sun Set Near Aji Dam - Rajkot
Lake Near Jadeshwar Temple - Wankaner Dist. Rajkot
Mini Hill station Nr. Rajkot - Analgadh

River Narmada - From National Highway - 8

શનિવાર, 20 ઑક્ટોબર, 2012

Best Time of My Life - જીવનનો શ્રેષ્ઠ સમય!


એક સત્ય પ્રસંગ ઉપરથી પ્રેરિત ::

૨૩ ઑક્ટોબર મારા જીવનનો મહત્વનો બનાવ બનવા જઈ રહ્યો છે. મારો ચાળીસમો જન્મદિવસ. જન્મદિવસનો ઉત્સાહ હવે ઓછો થતો જાય છે. સાથે સાથે મનમાં એક અનોખી લાગણી પણ કે જીવનના એક અનોખાં દશકમાં પ્રવેશી રહ્યો છું. બાકીનો સમયગાળો કેવો રહેશે? જવાબદારીઓ વધતી જાય છે અને જીવનના શ્રેષ્ઠ દિવસો હવે પૂર્ણ થતા જાય છે. એ જ સવાર અને એજ સાંજ લાગે છે કે આવનારા દિવસો સંઘર્ષમય તો રહેશે જ. વેલ.. આ વિચારોથી ઘેરાયેલો હું સવારે બગીચામાં ફરવા નીકળ્યો. અને રોજના જે મિત્રો હતા તેમને મળ્યો. અને ધ્યાન સુંદરલાલ શાહ ઉપર ગયું. એ નિયમિત સવારે આવે અને બગીચામાં સ્ફુર્તીથી લગભગ અડધી કલાક ચાલે, કસરત પણ કરતા હોય, હસતા હોય અને મિત્રોને હસાવતા પણ હોય.

સુંદરલાલ શાહ - એક જૈફ વયના સજ્જન. જીવનના સાત દશકાઓ જીવી ચૂકેલા. એ મારી સમક્ષ આવ્યા અને પૂછ્યું, કે ભાઇ આ ચહેરો કેમ પડેલો હોય તેમ લાગે છે? સવારની તાજગી કેમ નથી? કોઈ સમસ્યા છે? મેં એમને મારી દ્વિધા જણાવી. ચાળીસના દસકા પછીના સંભવિત પ્રશ્નોની. પણ એમની જે સ્ફુર્તી હતી તે મને પ્રભાવિત કરી ગઈ. મેં એમને પૂછ્યું કે આપના જીવનનો શ્રેષ્ઠ સમય કયો હતો?

સુંદરલાલ શાહ - જો ભાઇ મને ૭૯ વરસ પૂર્ણ થયાં. તારા આ ફીલોસોફીકલ પ્રશ્નનો જવાબ થોડો લાંબો પણ છે અને ફીલોસોફીકલ પણ છે.

મારો જન્મ કચ્છના એક નાના ગામમાં થયો હતો. અને એ ગામની વસ્તી તે સમયે ૫૦૦-૭૦૦ આસપાસ હશે. ગામમાં શાળા પણ નહી. ૪ કી.મી. દૂર એક નજીકના ગામમાં ભણવા જતા. અને જે આનંદ આવતો તે જીવનનો શ્રેષ્ઠ સમય. વરસમાં ૯ મહિના પાણી માટે ગામ બહાર વાસણો લઈને ગાડીએ જતાં, અને જે મજા આવતી એ જીવનનો શ્રેષ્ઠ સમય. દિવાળી ઉપર ચાર ભાઈઓ અને ત્રણ બહેનો વચ્ચે થોડા ફટાકડા મળે અને વહેંચીને ફોડતાં અને જે આનંદ આવતો એ જીવનનો શ્રેષ્ઠ સમય.

પાંચમાં ધોરણ પછી ભુજ બોર્ડિંગ સ્કૂલમાં ભણવા જવાનું થયું અને પહેલી વખત મોટું શહેર જોયું, ત્યાં ભણવાનો, ફરવાનો જે આનંદ આવતો એ પણ જીવનનો શ્રેષ્ઠ સમય. અંજારમાં ધરતીકંપ આવ્યો, અમારાં ઘર અને ગામની દુકાન નાશ પામી. પરીવાર સાથે મુંબઈ આવ્યા. એક રૂમના ઘરમાં ૧૦-૧૨ જણા રહેતાં. નવું શહેર, નવી ભાષા અને નવા રીત-રિવાજો શીખવાનો જે આનંદ આવતો એ પણ જીવનનો શ્રેષ્ઠ સમય.

મારા બાપુજી નાની દુકાનની શરૂઆત કરી અને એ દુકાનમાં હું એમને મદદ કરવા જતો, નવું શીખતો એ પણ જીવનનો શ્રેષ્ઠ સમય. સમય જતાં મેં સ્વતંત્ર વ્યવસાય બનાવ્યો. મહેનત કરી, નવો વેપાર ઊભો કર્યો એ પણ જીવનનો શ્રેષ્ઠ સમય. અમારા ગામના જ એક પરિવારની કન્યા નામે કેસર એમની સાથે લગ્ન થયા, એ સંઘર્ષના દિવસોમાં, પણ કેસરનો સાથ એ પણ શ્રેષ્ઠ સમય.

આજે પુત્ર અને પુત્રીના સંતાનોને મોટાં થતાં જોઈને જે આનંદ આવે છે એ પણ શ્રેષ્ઠ સમય. અને હા, કેસરને હું આજે પણ એક આનંદમય જીવન જીવીએ છીએ. એક બીજાને સહારો. એ પણ શ્રેષ્ઠ સમય જ છે. બોલ તને ક્યા શ્રેષ્ઠ સમયની વાત કરૂં?

આવનારો સમય કેવો હશે? એની ચિંતા આજે શું કામ કરે છે? આજનો જે સમય છે એ જ શ્રેષ્ઠ સમય છે.

મને મારી સમસ્યાનું સમાધાન મળી ગયું અને હું સ્ફુર્તીથી મારા રસ્તે ચાલવા લાગ્યો.

સોર્સ: એક મિત્ર સાથેનો સંવાદ અને એક ઇ-મેઈલ

શુક્રવાર, 12 ઑક્ટોબર, 2012

Three Stories - ત્રણ વાર્તાઓ....


કેટલીક સ્ટોરીઝ

સ્ટોરી - ૧

એક પર્વત ઉપર આવેલ ધર્મ સ્થાનમાં જવા લોકો પગથિયાં ચડતા હાંફતાં હતાં. અને એક બાર-તેર વરસની બાળકી એના ૪ વરસના ભાઈને તેડીને ચડતી હતી.

લોકો પૂછ્યું તને આનો ભાર નથી લાગતો?

બાળકી: ભાર? ના... એ તો મારો ભાઇ છે.

સ્ટોરી - ૨

એક પ્રેરક પ્રસંગ ::

૧૯૬૮ મેક્સીકો ઓલીમ્પીકસમાં મેરેથોન રેઇસ પછી સ્ટેડીયમ સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું. મીડિયા, ટેલીવીઝન વગેરે પણ સ્ટેડીયમની બહાર નીકળી ગયા હતા. ૨૬ માઇલની એ દોડને પૂર્ણ થયે એક કલાક થઈ ગયો હતો. અને એક વ્યક્તિ સ્ટેડીયમમાં પ્રવેશે છે. એ સૌથી છેલ્લા હતો. એનું નામ જહોન સ્ટેફાન અખ્વારી - ટાન્ઝાનીયા દેશનો એથલીટ હતો. અને ફીનીશ લાઇન પાસે જઈને જ ઊભો રહે છે.

એને એક હારેલો ખેલાડી કે થાકેલો ખેલાડી તરીકે જજ કરતાં પહેલાં નીચેની લાઇનસ પણ વાંચશો.

પણ એ લંગડાતો હતો અને એ રેઈસના મધ્યભાગમાં પડી જવાને કારણે ઈજાગ્રસ્ત હતો. પગમાંથી લોહી નીકળતું હતું અને એનો ખભો પણ ઈજાગ્રસ્ત હતો. અને જ્યારે પૂછવામાં આવ્યું કે તેં આમ કેમ કર્યું? તને તો હોસ્પિટલમાં સારવાર મળતી હતી, આરામ કરી શક્યો હોત, આવી લમણાઝીક કરવાની શું જરૂર હતી?

ત્યારે એણે એક સરસ વાક્ય કહ્યું : મારા દેશ વતી હું આ ૭૦૦૦ કી.મી. દુર્ રેઇસ શરૂ કરવા નથી આવ્યો. પણ હું આ રેઇસ પૂર્ણ કરવા આવ્યો છું. મારી પરિસ્થિતિ એ મારો પ્રૉબ્લેમ છે, દેશનો નહી. દેશ માટે રેઇસ પૂર્ણ કરવી એ મારું કર્તવ્ય છે. અને મને આનંદ છે કે મેં આ રેઇસ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરી.

આપણે કેવાં છીએ? આરંભે શુરા? કે પછી આપણી રેઇસ પૂર્ણ કરીને જ રહીએ છીએ?

- સોર્સ: એક ઇ-મેઇલ"

સ્ટોરી - ૩

ચક્કર નવાણુંનું.

વરસો જુની વાત છે. જ્યારે રૂપિયાનો સિક્કો ખૂબ મોટો અને ગાડાના પૈડાં જેવો ગણાતો.

એક ગામમાં કરશન શેઠ અને રંભા શેઠાણી. મોટી હવેલી જેવો બંગલો. ઘરમાં વ્યક્તિ દીઠ એક કાર. જાહોજલાલી. પણ શેઠાણી રોજ સાંજે બાલ્કનીમાં શેઠની રાહ જોઇને બેસી રહે. એ બંગલાની સામે એક ઝૂંપડું. અને એમાં એક દંપતી રહે. સાંજે સાત વાગે ચૂલો શરૂ થાય અને એ બન્ને ૮ વાગતાં તો જમીને ફૂટપાથ ઉપર આનંદથી વાતો કરતા હોય. અને શેઠાણીને એમનું સુખ જોઇને ઇશ્ર્યા પણ થાય અને નવાઈ પણ લાગે કે કેવી મસ્ત જીંદગી છે.

કરશન શેઠ મોડી રાત્રે આવે અને શેઠાણી ફરિયાદ કરે. કે આ સામે ઝૂંપડામાં રહેતા દંપતીને જુવો. કેવો આનંદ કરે છે. અને તમે આટલાં રૂપિયા કમાવ છો અને તો પણ આરામ કે આનંદના કોઈ જ ઠેકાણા નથી.

શેઠ કહે કે એ તો આનંદ કરે. કારણ એ ૯૯ ના ચક્કરમાં પડ્યો નથી. શેઠાણી કહે મને સમજાવો એ ૯૯ નું ચક્કર. શેઠ કહે તને કાલથી સમજાઈ જશે.

બીજા દિવસે સવારે જ્યારે એ ઝૂંપડામાંનું દંપતી પોતાના રોજંદા કામે બહાર નીકળે છે તે પછી કરશન શેઠ ત્યાં એક કોથળીમાં ૯૯ સિક્કા (એક રૂપિયા વાળા) ભરેલી એક નાની થેલી મૂકી આવે છે. સાંજે એ લોકો થેલીને અચરજથી જુવે છે અને સિક્કા ગણે છે. ૯૯ થયા. અને ફરી એક વાર ગણે છે. પાછાં ૯૯ જ થાય છે.

રાત્રે બન્ને નક્કી કરે છે કે કાલથી રોજ જો બે કલાક વધુ કામ કરીએ તો અઠવાડીયામાં એક રૂપિયો એડ કરીએ તો સો રૂપિયા પુરા થાય. અને પછી જો બીજા દસ ઉમેરીએ તો ૧૧૦ થાય.

બન્ને દ્રઢ નિર્ણય લઈ લે છે.

અને બીજા દિવસથી આજ સુધી ૭ વાગે ચૂલો સળગતો નથી અને એ ફૂટપાથ ઉપર આનંદ થતો નથી. આજે પણ ૯૯નું ચક્કર ચાલુ જ છે. મને, તમને, બધાને. છે કે નહી?

- ક્યાંક સાંભળેલું પણ સત્ય લાગે તેવી વાત."