હોમ

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

બે બોધ કથા - Two Moral Stories.


વાર્તા - ૧

ધર્માંધતા અને વિવેકભાન વગર આજે લોકો ખરા ખોટા સંપ્રદાય પાછળ દોડે છે તે અનુસંધાને અને આ બાબા બાબા અત્યારે જે ચાલી રહ્યું છે આ’શ્રમ’ ન કરવો પડે એટલે આશ્રમ બનાવે વગેરે.. એક વાર્તા ક્યાંક વાંચેલી તે યાદ આવે છે.

એક સરસ આશ્રમ અને એમાં મોટી ગુરૂજીની સમાધિ. ગામો ગામથી લોકો આવે અને ચઢાવો આપે. ગાદીપતી એકદમ સમૃદ્ધ. હવે એનો એક ચેલો. ભારે ભક્તિ વાળો. દિવસ રાત જોયા વગર સેવા કરે. દસ વરસ ખૂબ સેવા કર્યા પછી ગાદીપતિને કહે કે મને પણ આશીર્વાદ આપો, કાંઈક પ્રમોશન આપો. મારો પણ ઉદ્ધાર થાય.

ગાદીપતી ગુસ્સે થયા. અને ખૂબ ખીજાણા... બે-શરમ, નાલાયક કામ કર તારું. મજૂરીને જ લાયક છો. ન જોયો પ્રમોશન વાળો. મહીના પછી ચેલો પાછો ગયો... એમ કે ગુરુજી હવે ઈંડા પડી ગયા હશે. ત્યાં તો ગુરુજી ડબલ ગરમ... ગ્રેચ્યુઇટી પકાવી જ દીધી. એક મરેલ જેવો ગધેડો આપીને ચેલાને કાઢી મૂક્યો.... અને ધમકી પણ આપી ખબરદાર આંહીં બીજી વાર દેખાયો તો.. તારી ખેર નથી.

ચેલો મૂંઝાયેલો... હ્રદયભંગ થઈ ગધેડો લઈને ચાલી નીકળ્યો. નસીબ પણ બે ડગલા આગળ. ૫-૭ કિલોમીટર આગળ ગયો ત્યાં તો ગધેડો મરી ગયો.

ચેલો મુંઝાણો... એણે રસ્તો કાઢ્યો. એ ગધેડાની સમાધિ બનાવી. પ્રસાદનો તો હતો એટલે. અને સમાધિ જામવા માંડી. લોકો આવવા માંડ્યા.. આજુબાજુમાં દુકાનો, હોટેલો બનવા માંડ્યું અને પાંચ વરસમાં તો યાત્રાધામ બની ગયું. ચમત્કાર ફેલાવા લાગ્યો. અને મૂળ બાબાના આશ્રમમાં મંદી આવી ગઈ. ભક્તો હવે નવા ધામમાં જ જાય.

ગુરુજી તપાસ કરવા ગયા કે આ નવો ગુરુ કોણ છે? ત્યાં ગયા પછી આશ્ચર્ય અને આનંદનો આંચકો લાગ્યો. બન્ને ઘણા વરસ પછી મળેલા એટલે સુખ દુખ ની વાતો કરી અને ચેલા એ ગુરૂજીનો આભાર માન્યો. પણ ગૂરૂજીનું જે કુતૂહલ હતું તે તો યથાવત્ જ હતું. એણે પૂછ્યું કે આ ચમત્કારી બાબા કોણ છે કે જેની સમાધિ પર તું એટલો સમૃદ્ધ થયો?

ચેલો કહે ગુરુજી આપની સમક્ષ કોઈ જ પડદો નહી. એ તો તમે આપેલ પેલો ગધેડો... બીજું કોઈ નહી. પણ ગુરુજી આપના ધામમાં જે સમાધિ છે તે ક્યા મહાનુભાવ છે??

ગુરુજી કહે કે તેં પેટ છુટ્ટી વાત કરી તો મને પણ કહેવા જ દે. તને જે આપેલ ને તે ગધેડાના બાપની સમાધિ મારે ત્યાં છે.

તારી બી ચુપ અને મેરી બી ચુપ.

બોધ: ગુરુ કેવા હોય? અને કોને કરી શકાય? વિવેક જાળવવો જરૂરી છે.

વાર્તા - ૨


એક વાર એક નદી કીનારે ગામ હતું. એક વખત ત્યાં નદી કીનારે તરબૂચના વેલા ઊગી નીકળ્યા હતા. અને મોટા ફળ જોઇ ગામના લોકો ડરતા થયા. નક્કી રાક્ષસનું માથું કે એના જેવું જ છે, એમ પણ દ્રઢ પણે માને. કોઈ જ કીનારે જાય નહી. અને લાંબો રસ્તો પકડી, પોતાની પાણીની જરૂરિયાત માટે જતા થયા.

એક ’જ્ઞાની’ આવ્યો. જઈને કહે કે આમાં ડરો છો શું? જો આતો ફળ છે અને જઈને તરબૂચ ફોડી નાખ્યું, હાથ વડે અને ખાવા લાગ્યો. બધા હવે કીનારે જતા તો ડરતા જ હતા, પણ હવે એ જ્ઞાની’થી પણ ડરવા લાગ્યા. કે લે આતો રાક્ષસનું માથું ખાય છે.

સમસ્યા ત્યાં જ હતી, પછી એક અનુભવી આવ્યો. એણે કેટલાં વેરાયેલા બીજ લઈને પાછાં લોકોની સામે જ નદીના પટમાં નાખ્યા. અને ધીરે ધીરે વેલા થયા, ફળ આવ્યા અને પછી લોકોને સમજાવ્યા. કે આ તો ફળ છે, આહાર પણ કરી શકાય. અને લોકોનો સંશય દૂર થયો.

બોધ: આજે કોઈને સમસ્યા હોય છે તો એ સમસ્યાના સમાધાન માટે કોઈ એના ંમૂળ સુધી જવાનો પ્રયત્ન નથી કરતો.

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

Share & Care - કોઈની પણ કાળજી લેવી કેટલી જરૂરી છે.


શિયાળાની સખત ઠંડી રાત હતી. માર્ટીન રાત્રિના પોતાની ફરજ ઉપરથી ઘેરે આવ્યો, અને થોડું જમી એ અને એની પત્ની હીટર ચાલુ કરી જસ્ટ ઊંઘ્યા જ હતા. અંદાજે ૧ વાગ્યાનો સમય થયો હશે. અચાનક ફોનની ઘંટડી રણકી. પતી પત્ની બન્ને સફાળા બેઠાં થયા, અને થોડા ચિંતા ગ્રસ્ત પણ. કે આ કસમય કોનો ફોન હશે? માર્ટીન ફોન ઊંચકે છે, અને એના આશ્ચર્ય અને આઘાત વચ્ચે એક યુવતીના કુસકાં, રુદન અને તૂટ્યો અવાજ સંભળાય છે. અને એ કહે છે કે પાપા... મને બચાવો.. હું તકલીફમાં છું.

પુત્રી: પાપા હું તમારી બેટી વાત કરૂં છું, તમે નારાજ તો નથીને મારાથી?
માર્ટીન: બેટી સ્વસ્થ થઈ ને વાત કર. હું કે તારી માં કોઈ જ તારાથી નારાજ નથી.
પુત્રી: પાપા, સ્વસ્થ થવાય તેટલી હિંમત નથી મારામાં. હું તમને ફક્ત પીડા જ આપતી રહી છું અને આજે મને મારી ભૂલનો અહેસાસ છે.
માર્ટીન: ના બેટી તેં ક્યારેય કોઈ જ પીડા આપી નથી. તું પહેલાં એ જણાવ કે તું ક્યાં છો? અને શું થયું છે?
પુત્રી: ના હમણાં તમને જણાવી શકું એ સ્થિતિમાં હું નથી, અને મને પણ ખબર નથી કે હું ક્યાં છું.
માર્ટીન: તને શું થયું છે? કોઈ ઈજા કે કાંઈ વાગ્યું તો નથીને?
પુત્રી: ના કોઈ મોટી ઈજા નથી. હવે મને સારું લાગે છે.
માર્ટીન: બોલ શું થયું હતું?
પુત્રી: હું તમને જાણ કર્યા વગર મારા મિત્રો સાથે બહાર ફરવા નીકળી હતી. અને આજે પહેલી વાર મેં શરાબને સ્પર્શ પણ કર્યો.
માર્ટીન: ઓકે. તું હવે ૧૬ વરસની છો, તને ખબર જ છે કે તું હવે તારી રીતે નિર્ણય લઈ શકે છે. આગળ વાત કહે.
પુત્રી: પણ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર મેં કાર ચલાવી અને એ પણ શરાબની અસર હેઠળ.
માર્ટીન: અરે... કોઈને ઈજા તો નથી પહોંચાડીને?
પુત્રી: ના. કોઈને ઈજા તો નથી થઈ પણ એક ટેલિફોન બૂથને મેં પાડી નાખ્યું છે અને મારો મિત્ર છે એનો હાથ ભાંગી ગયો હોય તેમ લાગે છે.
માર્ટીન: તો એક કામ કર. પહેલાં તું એમ્બ્યુલન્સને જાણ કર. અને પછી તું ઘેરે આવતી રહે. તને કોઈ કાંઈ નહી કહે. ચિંતા ન કરીશ.

એ દરમ્યાન માર્ટીનની પત્ની એકદમ ચીંતાગ્રસ્ત ચહેરે આ વાતચીત સાંભળી રહી હતી.

માર્ટીન: હું તને એમ્બ્યુલન્સ સર્વીસનો નંબર આપું છું, તું નોંધ કરી લે અને પછી એમને ફોન કરીશ તો એ સત્વરે આવી જ જશે.
પુત્રી: મારી પાસે પેન કે કાગળ નથી કે હું લખી શકું. મને પ્લીઝ મદદ કરો.
માર્ટીન: તો એક કામ કર. તું મને જ્યાં ઊભી છો ત્યાંનું વર્ણન કર. હું તને એ જગ્યા ઓળખવામાં મદદ કરીશ અને હું જ એમ્બ્યુલન્સને જાણ કરીશ.
પુત્રી માર્ટીનને એ સ્થળનું વર્ણન કરે છે અને માર્ટીન બીજા ફોન ઉપર એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરે છે.
માર્ટીન: ફોન ચાલુ જ રાખ. જો હમણાં ગણતરીની મીનીટ્માં જ તારી પાસે પહોંચશે.
પુત્રી: હા પાપા. હું ફોન ચાલુ જ રાખીશ.
માર્ટીન: હવે તું રડવાનું બંધ કર. બધું સારું જ થશે.
અને એમ્બ્યુલન્સના સાઇરનનો અવાજ સંભળાય છે.
પુત્રી આશાભર્યા અવાજે કહે છે કે પાપા એમ્બ્યુલન્સ આવી ગઈ છે અને હવે હું ફોન મુકીશ. માર્ટીન હા કહે છે અને જણાવે છે કે તું કોઈ ચીંતા કર્યા વગર તરત જ ઘેરે આવ. પુત્રી હા કહે છે અને ફોન મુકે છે.

માર્ટીનની પત્નીના ચહેરા ઉપર ચિંતા સખત હતી. બન્ને એમના રૂમની બાજુમાં આવેલા રૂમમાં હળવેથી પ્રવેશે છે અને ત્યાં ઊંઘેલી એમની પુત્રી ઉપર ધાબળો સરખો ઓઢાડે છે અને રૂમને બંધ કરી બહાર નીકળે છે. માર્ટીન એની પત્નીને કહે છે કે એ રોંગ નંબર હતો. પણ આખરે એ પણ કોઈની પુત્રી હતી. બન્નેની આંખમાં આંસુ હતાં. પણ એક સત્કાર્યનો આનંદ પણ હતો.

સોર્સ: આવેલો એક ઇ-મેઇલ.

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

કેટલાક રમુજી અનુભવો - પણ કંઈક શીખવી ગયા. - Experience is still a Good Teacher


લીથલ અનુભવનું કલેક્શન ભાગ - ૧ ::


અનુભવ - ૧


એક વખત એક ઇન્સ્યોરન્સ સેલ્સના કોલમાં કસ્ટમરને ત્યાં ગયા હતા. સાંઝનો સમય હતો. સાથે મારા એજન્ટ પણ હતા. કસ્ટમર એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેકસમાં રહેતા અને ત્યાં બધા ફ્લેટસના દરવાજા સામ-સામે ખુલ્લા જ રહેતા હતા.

કોલ સક્સેસફુલ થયા પછી, કસ્ટમરના શ્રીમતી કહે, ચા બનાવું, ૫ મીનીટ બેસો. અને એ રસોડામાં ચા બનાવવા ગયા. એ દરમ્યાન કસ્ટમરના ડ્રોઇંગ રૂમમાં ૩-૪ વરસનો બાળક રમતો હતો. અને અમારા એજન્ટભાઇ તરત બોલી ઊઠ્યા... ક્યૂટ બાબો છે. બિલકુલ તમારા પર ગયો છે.

અને રસોડામાં તપેલી પડવાનો અવાજ આવ્યો. અને એક દબાયેલા ગુસ્સા ભરેલો અવાજ પણ..
.
અત્યાર સુધી હું જ શંકા કરતી હતી, હવે તો અજાણ્યા લોકો પણ કહેવા લાગ્યા...

અને અમારા શ્વાસ ઊડી ગયા.. થયું એની...માં..ને.. લોચો..

પછી વાત વાળવી કેમ?? એજન્ટની ઉંમર અને અનુભવ કામ લાગ્યા. એ કહે કે આ તો ભાઇ એ કીધેલું કે જો તમે મશ્કરીમાં આમ બોલો... જુવો અંદરથી શું પ્રતિભાવ આવે છે?

કસ્ટમર કોમ્પ્લેક્સના ગેઈટ સુધી મૂકવા આવ્યો. અને કહે કે સારું થયું તમે વાત વાળી લીધી. નહીંતર ખબર નહી મારું તો આજે શું જ થયું હોત?

પછી એજન્ટ મશ્કરીમાં કહે પણ સાચું શું છે?? અને ઓલો કહે કે ભાગો નહીંતર ચેક અને ડોક્યુમેન્ટ પાછાં લઈ લઈશ.

અનુભવ - ૨


હમણાં મિત્ર સાથે અમદાવાદમાં આશ્રમ રોડ પર મેક્ડોનાલ્ડસમાં ગયો હતો.

કાઉન્ટર ઉપરના બેન ને પૂછ્યું કે શું મળશે?
બેન કહે બધ્ધું.
મેં કહ્યું તો ઠીક ૫૦ ગાંઠિયા ને અડધી ચા ઠપકારો.
પછી ઇ બેન મુંઝાણા.
કે એમ નય...
મેં પૂછ્યું કે તમે કીધું બધ્ધું. તો કાં ના?

બેન ક્યે એમ નય, આંયા લઈખું ઇ બધ્ધું.
પછી એમને જણાવ્યું કે તમે ફોડ પાડતા હોય તો? ખોટા ખોટા રાજી ન થીએ.

અનુભવ - ૩


જાહેરાતના આજે તો અનેક માધ્યમ છે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનીક્સ, AV, ઇન્ટરનેટ વગેરે... પણ એક વખત એવો હતો કે નાના સેન્ટરમાં કોઈ એક વાહન ઉપર માઇક લગાવીને પ્રોડક્ટ કે સેવાનો પ્રચાર થતો.

વલસાડમાં આવી જ રીતે એક રીક્ષાવાળા ભાઇ પ્રખ્યાત હતા. એમનો અવાજ પણ સારો અને બોલવાની શૈલી પણ સારી. અઠવાડીયે બે વાર તો અચૂક એ રિક્ષા લઈને આવી જ જાય અને એક ટીપીકલ સ્ટાઇલમાં શરૂઆત કરે..
.
પહેલાં કોઈ પણ ફિલ્મનું ગીત માઇકમાં વગાડે
 અને પછી એમના મેસેજની શરૂઆત થાય.
જેમ કે કોઈ ફરસાણની દુકાનની જાહેરાત હોય તો,
... વલસાડની સ્વાદ પ્રેમી જનતાને ખુશ-ખબર....
કોઈ રેડી-મેઇડ ગારમેન્ટ્સ કે ટેઇલરીંગ શૉપની જાહેરાત હોય તો
... વલસાડની ફૅશન પ્રેમી જનતાને ખુશ ખબર....
ભાગવત સપ્તાહ વિશે માહિતી આપવાની હોય તો
... વલસાડની ધર્મ પ્રેમી જનતાને ખુશ ખબર....
.
એક વખત કૈલાસ ધામના જીર્ણોદ્ધાર માટે એ રીક્ષાવાળાભાઇ આવ્યા અને ગીત વગાડી ઉભા રહ્યા ત્યાં મેં અને મારા માત્ર એની બાજુમાં જઈ ધીરે થી કહ્યું કે એ હમણાં બોલશે...
.
.
... વલસાડની મૃત્યુ પ્રેમી જનતાને ખુશખબર....
(કારણ કૈલાસ ધામ એ વલસાડના સ્મશાનનું નામ છે)
.
પેલા ભાઇને એટલું હસવું આવ્યું કે ગીત વગાડીને સીધ્ધા કોલોની બહાર જતા રહ્યા.. કે સાંજે પાછો આવીશ.

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

કોઇ એક વ્યક્તિ શું કરી શકે? One Man - Who started Revolution



એક વ્યક્તિ એકલ શું કરી શકે? અને એમાં પણ જ્યારે એ કેન્સર જેવી મહા ભયંકર બીમારીથી પીડિત હોય અને એનો એક પગ સર્જરી કરીને દૂર કરવામાં આવ્યો હોય?

હું તમે કે કોઈ પણ એ કલ્પના કરતાં અચકાઇએ અને કદાચ એવી કઠોર કલ્પના પણ ન કરી શકીએ.

પણ એક વ્યક્તિ કલ્પનાના વિશ્વથી ઉપર ઊઠીને એક અનોખું કાર્ય - આટલી તકલીફ વચ્ચે કરવા સર્જાયેલ.

જેમનો જીવન કાળ ૨૮ જુલાઈ, ૧૯૫૮ થી ૨૮ જૂન, ૧૯૮૧ વચ્ચે રહ્યો. મુશ્કેલીથી ૨૩ વરસના જીવનકાળમાં અનેક વ્યથાઓ વચ્ચે એમણે સમગ્ર જગતને એક નવી દિશા બતાવી. શાળા જીવન દરમ્યાન એક મેરેથોન દોડવીર, બાસ્કેટબૉલ ખેલાડી રહ્યો. અને શાળા ઉપરાંત યુનિવર્સિટીમાં પણ નામના કાઢી.

પણ, ૧૯૭૭ માં એમને એક અસાધ્ય રોગ લાગુ પડ્યો. કેન્સર. ઓપરેશન બાદ એમનો એક પગ દૂર કરવામાં આવ્યો, એ પછી પણ એમની અંદર રહેલો એક ખેલાડી અને એ જુસ્સો યથાવત્ રહ્યો. એ કૃત્રિમ પગ વડે ઓપરેશનના ત્રણ અઠવાડીયામાં એણે ફરી ચાલવાનું શરૂ કરી દીધેલું.  એમણે કૃત્રિમ પગ વડે દોડવાનું અને વ્હીલચેર બાસ્કેટ બોલ રમવાનું ચાલુ જ રાખ્યું. અને ત્રણ વખત રાષ્ટ્રીય ચેમ્પીયનશીપ પણ મેળવી.

કેન્સર રોગની સારવાર માટે જન જાગૃતિ અને રોગગ્રસ્ત લોકોના ઇલાજ માટે પૂરતાં નાણા માટે એમણે એવી હાલત (કૃત્રિમ પગ સાથે) મેરેથોન ફોર હોપ શરૂ કરી. કેનેડાના એક છેડેથી બીજા છેડા સુધી. કુલ ૫૦૦૦+ માઇલ (કી.મી. નહી) દોડવાનો પુરુષાર્થ આરંભ કર્યો. પણ સંજોગો એવા નિર્માણ થયા કે ૧૪૩ દિવસમાં એ યાત્રા અટકાવવી પડી. અને એ ૧૪૩ દિવસમાં એ વ્યક્તિઓ કુલ ૫૩૭૩ કી.મી. (૩૩૩૯ માઇલ) દોડી કાઢ્યા. અને એ સમય દરમ્યાન એમના આ મિશન માટે અઢળક કેનેડીયન ડોલર એકઠા કર્યા. આજ સુધીનો રેકૉર્ડ છે કે ૫૦૦ મીલીયન કેનેડીયન ડોલર એમના નામથી એકત્ર થયા છે. એ અલગ અને દુઃખદ વાત છે કે એ અટકાવેલી દોડ એ પછી ક્યારે પણ પૂર્ણ ન કરી શક્યા. એમનું ૨૮ જૂન, ૧૯૮૧ના રોજ અવસાન થયું.

આજે તેઓ તેમના આ કાર્યથી જીવંત છે અને તેમના નામ સાથે દુનિયામાં અનેક સ્થળે મેરેથોન ફોર હોપ યોજાય છે. જેમાં ભાગ લેવો અગત્યનો છે. હાર કે જીત નહી. એમનું નામ છે ટેરી ફોક્સ. તેમને કેનેડાનો ખેલ જગતનો સર્વોચ્ચ ખિતાબ પણ મળ્યો. આજે એમના નામે અનેક પાર્ક, બીલ્ડીંગસ, મકાન અને રોડના નામ છે. તેઓ એક રાષ્ટ્રીય હીરો તરીકે પ્રસ્થાપિત છે.

આજે પણ મેરેથોન ફોર હોપ કે જે હવે ટેરી ફોક્સ રનના નામથી વિશ્વના અનેક દેશોમાં એક રાષ્ટ્રીય પર્વ બની ગયું છે જે ૫ થી ૨૫ કી.મી. જેટલી મેરેથોન યોજાય છે. જેમાં સ્પોન્સરશીપનું મહત્વ નથી.

હાર કે જીતનું મહત્વ નથી. એમાં ભાગ લેવું જ અગત્યનું છે અને ભાગ લઈને પૂર્ણ કરવું.


આ વીડીયો અવશ્ય આપને પ્રેરક બનશે.

માહિતિ સોર્સ: ઇન્ટરનેટ, વીકીપીડીયા અને કેટલાક પ્રવચનો જે મેં એમના વીશે સાંભળેલા છે.

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

નવું શીખવાની કોઇ ઉંમર ખરી? GROWING OLDER IS MANDATORY. GROWING UP IS OPTIONAL


નવું શિખવાની કઈ ઉંમર યોગ્ય ગણી શકાય? વ્યક્તિ જો ઈચ્છા ધરાવે તો કોઈ પણ ઉંમરે એમની ઇચ્છા પૂર્ણ કરી શકે છે. એક સત્ય ઘટના જે મને આજથી લગભગ ૧૦ વરસ પહેલાં એક મિત્રના ઇ-મેઇલ વડે મળેલો કિસ્સો છે. આ કિસ્સો ખરેખર ઘણું શીખડાવી જાય છે.

આગળ વાંચો... એમના શબ્દોમાં જ.

આ ચીત્ર સીમ્બોલીક છે. રોઝનું ચીત્ર નથી.


અમેરિકાની કોઈ એક યુનિવર્સિટીના સેમેસ્ટરનો પહેલે દિવસ હતો. પ્રોફેસર આવીને એટેન્ડન્સ લઈ રહ્યા હતા,

અને બધાના આશ્ચર્ય વચ્ચે એક વૃદ્ધ સ્ત્રી ક્લાસમાં પ્રવેશ્યા.
ચહેરો એકદમ કરચલી વાળો હતો અને ચહેરા ઉપર સોનેરી ફ્રેઈમના ચશ્મા.
સાધારણ ઉંચાઇ પણ સ્મિત સાથે બધાને અભિવાદન કર્યું.
અને લોકો સમજ્યા વગર એમની ઉંમરને માન આપતાં ઉભા થયા.

એ વૃદ્ધ સ્ત્રી એ વિનંતી કરી, મહેરબાની કરી બેસી જાવ. હું પણ આપની જેમ એક વિદ્યાર્થી જ છું.રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

પહેલી બેંચ ઉપરના વિદ્યાર્થીઓ એમને બેસવા માટે જગ્યા કરી આપી. તો એ વૃદ્ધ સ્ત્રી કહે કે મારી હંમેશાની બેઠક તો છેલ્લા બેંચ જ રહી છે. ખાસ તો એટલાં માટે કે હું કોઈ તોફાન કરૂં તો પકડાઈ ન શકું. બધાને ફરી એક વાર હસવું આવ્યું. અને એમને માનભેર છેલ્લા બેંચ ઉપર બેસાડ્યા.

અને એ મારી પાસે આવીને બેઠાં. અને કહે હાય હૅન્ડસમ! કેમ છો? મારું નામ રોઝ છે. તારું?

મારી ઉંમર ૮૭ વરસની છે. શું તું મને એક જાદુ કી ઝપ્પી આપી શકે? મને હસવું આવ્યું પણ પ્રેમથી એમણે કહ્યું તેમ કર્યું.
મેં એમને મારું નામ જણાવ્યું. અને પૂછ્યું કે તમે આ નાજુક ઉંમર કૉલેજ અભ્યાસ?

તો રોઝ કહે કે હું તો મારા સોનાનો રાજકુમાર શોધવા આવી છું. અને મને લગ્ન કરવા છે અને બાળકો પણ જોઇએ છે.
અને એમનું નિર્મળ સ્મિત મને સ્પર્શી ગયું. એમના ચહેરા ઉપર અજબ તેજ હતું.

મેં એમને કહ્યું કે એમ મજાકમાં નહી. ખરેખર જણાવો, કે આ ઉંમર એવું કયું પરિબળ છે કે જે તમને અહીં કૉલેજ સુધી ખેંચી લાવ્યું? રોઝ કહે કે મારી જીવનની એક અદમ્ય ઇચ્છા રહી છે કે મારે કૉલેજ શિક્ષણ પણ લેવું છે.

ક્લાસ પૂર્ણ થયા પછી અમે બન્ને કેન્ટીનમાં ગયા. અને ચા સાથે બીસ્કીટસ પણ ખાધાં.
એ પછી અમે બન્ને ગાઢ મિત્રો બની ગયા. ત્રણ મહિના નિયમિત સાથે ક્લાસ એટેન્ડ કરવાનો, સાથે ચા-નાસ્તો અને એમની અલભ્ય વાતોનો ખજાનો. સાંભળીને બસ એમ જ થાય કે પાછાં ભૂતકાળમાં જતા રહ્યા. અને પછી તો આખી કૉલેજના ડાર્લિંગ બની ગયા. જાણે ૮૭ વરસના યૂથ આઇકોન. કોઈ પણ સાથે સરળતાથી એ ભળી શકે, મિત્રો બનાવી શકે અને નવા સમયને અનુરૂપ ડ્રેસિંગ પણ અપનાવી લીધું.

સત્રના અંતે કૉલેજના ઓડીટોરીયમમાં એમને ખાસ વક્તવ્ય માટે નિમંત્રણ મળ્યું. અને એ પળ જીવનભર ન ભુલાય તેવી રહી.

તેમના નામનો જ્યારે ઉલ્લેખ અને પરિચય અપાયો ત્યારે તેઓ મંચ ઉપર પોડીયમ પાસે ગયા અને એમના હાથમાંથી એક-બે કાર્ડ પડી ગયા (જે એમણે પોતાના વક્તવ્ય માટે તૈયાર કરેલા હતા) એ થોડા ગભરાયેલા દેખાણાં. અને માઇક્રોફોન પાસે આવીને બોલ્યાં કે મને માફ કરશો. જરા ગોટાળો થયો મારાથી. આજે કદાચ મારાથી ચશ્મા ઘેરે રહી ગયા છે એટલે આ અગાઉથી તૈયાર કરેલ વક્તવ્ય તો નહી વાંચી શકું પણ જે હું જાણું છું તે વિશે વાત કરીશ. બધાને સ્મિત આવ્યું. અને તેઓ ગળું ખોંખારીને શરૂઆત કરી.

આપણે જેમ મોટા થઈએ એટલે રમવાનું બંધ નથી કરતાં, પણ રમવાનું બંધ કરીએ છીએ એટલે મોટા થઈએ છીએ. કાયમને માટે યુવાન, સફળ અને આનંદિત રહેવાના સરળ રહસ્યો છે. જીવનમાં રમૂજ અને હાસ્ય બહુ જ જરૂરી છે. ન મળે તો શોધીને પણ મેળવો.

બીજું, જીવનમાં સ્વપનાઓ પણ એટલાં જ જરૂરી છે. જો સ્વપનાઓ ન જોઇ શકો, કે ખોવાઈ જાય તો સમજી લ્યો કે તમે મૃત છો. આપણી આસપાસ એવા અનેક માણસો ફરે છે જે મૃત છે અને એમને ખબર સુધ્ધાં નથી.

આગળ વધવું અને ઉંમર વધવી એ બન્નેમાં ખૂબ તફાવત છે. કોઈ ૧૯ વરસની વ્યક્તિ કશું જ કાર્ય કરવા વગર પથારીમાં પડી રહે તો એની મેળે વરસ પછી ૨૦ વરસની થવાની જ છે. કોઈ પણ ઉંમરમાં વધી શકે છે અને એના ઉપર આપણો કોઈ કાબુ પણ નથી. એમાં કોઈ કાબેલિયતની જરૂર પણ નથી.

પણ ઉન્નતિ મેળવવી એટલે આપણી આસપાસ રહેલી તકને હકારાત્મક રીતે ઝડપવી અને એને અનુરૂપ પરિવર્તન પામવામાં છે. અને એમાં કોઈ જ રંજ ન હોય. રંજ તો એ બાબતનો નથી જ રહેતો કે આપણે શું કર્યું છે. એના કરતાં રંજ તો એ રહે કે આટલી ઉંમર પછી આપણે એવી કઈ બાબત હજી કરવાની બાકી છે? અને રંજ તો એમને વધુ હોય જે ફક્ત વધતી ઉંમર સાથે મૃત્યુની પ્રતીક્ષા કરતા હોય છે.

અને એમણે પછી એક સુંદર ગીત એમના ધ્રુજાતા અવાજને રજૂ કર્યું. અને એ ઓડીટોરીયમમાં બેઠેલા ૨૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિસાદ રૂપે એમને સાથ આપ્યો.

વરસના અંતે એઓ સફળતા પૂર્વક સ્નાતક તરીકે ઉત્તીર્ણ થયા. અને એ પછી એક અઠવાડીયામાં એ શાંતિથી મૃત્યુ પામ્યા. એમની સ્મશાન યાત્રામાં કૉલેજના ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થી આંખમાં આંસુ સાથે કબ્રસ્તાનમાં હાજર હતા. રોઝ દરેકના હૈયાંમાં જ હતાં.

REMEMBER, GROWING OLDER IS MANDATORY. GROWING UP IS OPTIONAL.
We make a Living by what we get, We make a Life by what we give.

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

સમસ્યા માનસિક છે - Enjoy What you Do.


સામાન્ય રીતે આપણી સમસ્યા આપણને ખૂબ મોટી લાગે અને એના વિશે રડવાનું, ગામ ગજાવવાનું , ફરિયાદો કરવાની બહુ પસંદ આવે. અને ખાસ કરીને જૉબ અથવા નોકરી એમાં અગ્રસ્થાન રહેતી હોય છે.

કરવું શું? ક્યારેક ઘણું શીખવા મળે છે. ફરિયાદમાંથી નહી, એની માટે કામ કરવાથી.

૬ વરસ પહેલાંની આ વાત છે. મારા એક સાઉથ આફ્રિકન બોસ હતા, પ્રીવિયસ ઓર્ગેનાઇઝેશનમાં. એમણે નવરાત્રી દરમ્યાન ગુજરાતની બ્રાંચ વીઝીટ, એજન્ટ મીટીંગ્સ અને મૅનેજર રીવ્યુઝનું આયોજન કર્યું. શૉર્ટ નોટિસ, ૨૦ બ્રાંચની મુલાકાત અને મોટા ભાગે સાંજે અને મોડી રાત્રિની પણ મુલાકાત વધારે હતી.

એમને મેઇલ વડે જણાવ્યું કે સાહેબ પ્રૉબ્લેમ છે. ગુજરાત, નવરાત્રી અને સાંજ અને રાત્રિની મીટીંગ્સ.. લોકો નહી આવે અને આપનો ધક્કો જોઇતું પરિણામ કદાચ નહી લાવી શકે.

એમણે ૪ લાઈનનો જવાબ મોકલ્યો.

ડિયર મિતેષ,

પ્રૉબ્લેમ એ એક એવી ડાકણ (Bitch) છે જે બધાને ખાવા તત્પર છે. અને પ્રોબ્લેમ્સ છે એટલે જ આપણું અસ્તિત્વ પુરવાર થાય છે. જો પ્રોબ્લેમ્સ ન હોત તો હું અને તું બન્ને જોબ વગરના હોત. એન્ટીસીપેટ પ્રોબ્લેમ્સ, ફીલ યોર જોબ સીક્યોર્ડ.. આપણો પ્રોગ્રામ ફાઈનલ જ છે. નો ચેઇન્જ.

થેન્ક્સ.
-
અને એમની વીઝીટ થઈ, લોકો આવ્યા અને એકદમ સફળ પણ રહી.

ઘણી સમસ્યાઓ માનસિક હોય છે, સમાધાન આપણી પાસે જ છે. પણ આપણે કાં તો જોવા માંગતા નથી અને કાં તો જોવા તૈયાર નથી.

એન્જોય વોટ યુ ડુ.

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2012

ક્યારેય અડધેથી પડતું ન મુકશો. Never Give Up!


બાર્સેલોના ઓલીમ્પીક્સ ૧૯૯૨.

એક બ્રીટીશ એથલીટ. ૪૦૦ મીટરની રેઈસમાં ગોલ્ડ મેડલ માટે હોટ ફેવરીટ.

રેઈસની શરૂઆતથી એ એકદમ આગળ અને જાણે એ હવે ગોલ્ડ મેડલથી ફક્ત ૨૫૦ મીટર જ દૂર હતો.

અને

પગનો સ્નાયુ ખેંચાયો અને એ સખત પીડા સાથે દોડતો અટકી ગયો.

બાકીના એથલીટ આગળ નીકળી ગયા. અને એ જોતો જ રહી ગયો.

ઓલીમ્પીકના અધિકારી ગણ એની તરફ સ્ટ્રેચર લઈને આવ્યા. એને ખબર હતી કે હવે શું કરવાનું છે.
એ પાછો ઊભો થયો. પીડાને ગણકાર્યા વગર પાછો લંગડાતો ટ્રૅક ઉપર દોડવા લાગ્યો. એ દ્ગશ્ય જોઇને પ્રેક્ષક ગલેરીમાં બેઠેલા એક મોટી ઉંમરની વ્યક્તિ સીક્યુરીટી કોર્ડનને તોડી ટ્રેક ઉપર દોડી આવ્યા. અને એ એથલીટના પિતા હતા.
એ એના પુત્રને કહે છે કે આવું કરવાની કાંઈ જરૂર નથી. રહેવા દે હવે. આંખમાં આંસુ સાથે પુત્ર કહે છે, નહી મને આ કરવા દો. અને હું આમ કરીશ જ.

તો એના પિતા કહે છે તો ઠીક છે, આપણે બન્ને સાથે પૂર્ણ કરશું.

અને એ વખતે એના હાથ પુત્રને સપોર્ટમાં રાખી અને એને લંગડાતો પણ દોડવામાં મદદ કરે છે.  અને ફીનીશ લાઇન પહેલાં એ પુત્રને છુટ્ટો મૂકી દે છે. અને પુત્ર ફીનીશ લાઇન પાર કરે છે.

તે વખતે ૬૫૦૦૦ જેટલા પ્રેક્ષક ઉભા થઈ આ પ્રયત્નને દિલથી બિરદાવે છે.

એ એથલીટનું નામ ડેરિક રેડમન્ડ, બ્રીટીશ એથલીટ રેઇસ જીતી તો ન શક્યો પણ રેઈસને પૂર્ણ કરી શક્યો.

પગમાં સખત દુખાવો હતો, આંખમાં સતત આંસુ હતા અને દ્રઢ નિર્ણય હતો. અને એના પિતાનો પ્રેરક ઉત્સાહ અને પ્રેમ હતો. જે નિર્ણાયક બન્યો જ્યારે એ પડી ગયો હતો. એના પિતાને આવું કરવાની જરૂર શું પડી? શું એ એના પુત્રને દુઃખમાં એકલો રડતો જોઇ શકે? એ પોતાના બાળકના ચહેરા ઉપરનું દર્દ જોઇ ન શક્યા. એનો પુત્ર ઇજાગ્રસ્ત હતો. અને એને રેઇસ પૂર્ણ કરાવવા એ એની પાસે પહોંચી ગયા.


આ એક સત્ય ઘટના છે. એક ચેતવણી અવશ્ય છે કે આ વીડીયો આંખમાં આંસુ લાવશે.


ઇશ્ચર ઉપરની શ્રદ્ધા એક આવું જ પરિબળ છે. જ્યારે કોઈ તકલીફમાં હોય છે ત્યારે તેની મદદ મળી રહે છે. ફક્ત દ્ર્ઢ નિર્ણયથી કાર્યમાં લાગી રહેવું પડે છે.

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

એક ચમત્કારની કિંમત કેટલી??


એક ચમત્કારની કિંમત કેટલી??

એક નાનકી બાળકી નામે ટેસ, એના રૂમમાં એકલતાની પ્રતીક્ષા કરતી હતી. અને જેવી એકલતા મળે છે ત્યારે એ એક કાચની બોટલ ખોલી સિક્કા ગણે છે અને એ સિક્કા લઈ ચુપચાપ ઘરની બહાર નીકળે છે અને એક મેડિકલ સ્ટોર પાસે જઈને ઊભી રહે છે. ત્યાં ભીડ ઓછી થાય તેની પ્રતીક્ષા કરે છે.

જેવી ભીડ ઓછી થાય છે ત્યારે ગળું ખોંખારી ધીમાં અવાજે કહે છે તમારે ત્યાં ચમત્કાર મળે?

દુકાનદાર મુંઝાઇને પૂછે છે કે જરા ફરીથી બોલીશ?

એ બાળકી ફરી એક વાર પૂછે છે કે ચમત્કાર મળશે?

દુકાનદાર કહે કે તારે કામ શું છે ચમત્કારનું?

એ બાળકી કહે કે મારો એક નાનો ભાઇ છે અને એના માથામાં સખ્ત દુખાવો રહે છે. એ ખૂબ રડ્યા કરે છે. અમે ડૉક્ટરને બતાવ્યું પછી મારા મમ્મી કહે છે કે આને ફક્ત ચમત્કાર જ બચાવી શકે એમ છે. અને તમે ચિંતા ન કરો મારી પાસે ડોલર પણ છે. તમને આપીશ અને જો એ ઓછા પડે તો અન્ય લોકો પાસેથી લઈને આપીશ. પણ પ્લીઝ મને ચમત્કાર આપોને.
એની આંખના આંસુ એ દુકાનદાર જોઇ શકતો હતો અને એ પણ લાચારી અનુભવતો હતો.

તે વખતે એ દુકાનમાં શીકાગોથી આવેલા એક સજ્જન ઉભા હતા એ આ આખી વાતચીત ધ્યાનથી સાંભળતા હતા. એણે એ બાળકીને પૂછ્યું કે તારી પાસે કેટલા સિક્કા છે? બાળકી એ સજ્જને જણાવે છે કે મારી પાસે એક ડોલર અને અગિયાર સેન્ટ્સ છે. અને મારા ભાઇને ઓપરેશન કરાવવાનું છે અને અમારી પાસે એ ઓપરેશન માટે નાણા નથી.

એ સજ્જન કહે કે ઓહ... કેવો સંજોગ છે કે આ ચમત્કાર માટે ફક્ત એક ડોલર અને અગિયાર સેન્ટસ જ જોઇએ અને તારા નાના ભાઇને માટે એ એકદમ પૂરતા છે.. મને એ આપી દે અને ચાલ તારા ઘેર મને લઈ જા. તારા પપ્પા શું કામ કરે છે? બાળકી જણાવે છે કે મારા પપ્પા પાસે એટલાં બધા નાણા નથી.

એ સજ્જનનું નામ ડો. કાર્લટન એન્ડરસન હતું અને એ પ્રસિદ્ધ ન્યુરો સર્જન હતા. એ બાળકી સાથે એના ઘેર ગયા અને બાળકની પરિસ્થિતિ જોઇ તાત્કાલીક ઓપરેશનની વ્યવસ્થા કરી નાખી. થોડા સમયમાં એ બાળક પુનઃ તંદુરસ્ત થઈ રમતો થયો.

માતા-પિતા જ્યારે ડૉક્ટરને એ ઓપરેશનની ફી વિશે પૂછવા ગયા ત્યારે એ ડોક્ટરે જવાબ આપ્યો કે મને મારી ફીસ મળી ગઈ છે. ટેસ પાસેથી મેં લઈ લીધી છે. આપ ચિંતા ન કરો પ્લીઝ.

આશ્ચર્યથી એમણે ટેસને પૂછ્યું? તેં કેટલી ફીસ આપી છે? ટેસ કહે કે એક ડોલર અગિયાર સેન્ટ. અને ડોક્ટરે ઉમેર્યું સાથે ખૂબ શ્રદ્ધા પણ.


Source: E-mail.

બુધવાર, 5 સપ્ટેમ્બર, 2012

મુશ્કેલી, એનો સામનો અને પોઝીટીવ એટ્ટીટ્યુડ.

પ્રેરક પ્રસંગોમાં નોર્મલી વિદેશી કિસ્સાઓ કે કોઇકના સાંભળેલા કિસ્સાઓ વધુ વાંચવા કે સાંભળવા મળતા હોય છે. પણ મેં નજરે જોયેલો હોય તેવો એક બેજોડ કિસ્સો છે.

એક વખત દક્ષીણ ગુજરાતના એક શહેરમાં જેસીઝની એક ટ્રેઇનીંગ માટે જવાનું થયું હતું. એ સમયે જે મારા હોસ્ટ હતા શ્રી સંજયભાઇ તે મને સ્ટેશન ઉપર તેડવા આવેલ. એમની મીત્સુબીશી લેન્સરમાં રેલ્વે સ્ટેશનથી હોટેલ જતા હતા. રસ્તામાં એમની સાથે વાતચીત ચાલુ હતી, પણ એમનું એક વર્તન મને થોડું નવાઇ પમાડે એવું લાગ્યું. ટ્રાફીકમાં ઉભા રહીએ અને કોઇ રીક્ષાવાળો મળે તો એની સાથે વાત કરે, હાથ મીલાવે અને આગળ વધે. ઉપરાંત એક ઓવર બ્રીજ ઉપર લોખંડની ખીલાસળી ભરેલી લારી લઈ જતા મજુરને ધક્કો આપવા કારમાંથી ઉતરી એ દોડ્યા. અને આવી ને કહે એમને મારી મદદની જરૂર હશે.

સાંજે હોટેલ ઉપર મને મુકીને એ તો જતા રહ્યા. પણ અન્ય એક મિત્ર આવ્યા ત્યારે કુતુહલથી એમને આ વીશે પુછ્યું અને એક નવું જ પરીમાણ સંજયભાઇ વીશે મારી સામે આવ્યું.

ગુજરાતના એક નાના સેન્ટરમાં એક સંયુક્ત પરીવાર રહેતો હતો. માં-બાપ અને ચાર ભાઇઓ, એ ચારમાંથી બે ભાઇઓ પરણીત અને એક એક બાળકો ધરાવતા હતા. સંપુર્ણ પરીવારને આધાર રૂપ એક જ ઉકેલ હતો. એમની સહીયારી કરીયાણાની દુકાન.

પરીવાર લગભગ દરીદ્રતાની હાલતમાં હતો. અને એ પરીવારના મુખ્ય બે મોભી એવા મોટા ભાઇઓએ એક કઠોર નિર્ણય લીધો. સંજયભાઇ અને એનાથી એક વરસ નાના જયેશભાઇને પરીવારે સુચના આપી કે તમે હવે બહાર જાવ અને કાંઇક નવું કરો. આ દુકાનમાંથી આવડો મોટો પરીવાર નહી ચાલે. અને દક્ષીણ ગુજરાતમાં આપણા ગામના ઘણા લોકો સેટલ થયા છે ત્યાં નસીબ અજમાવો. અને હાથમાં હજાર રૂપીયા આપી રવાના કર્યા. સંજયભાઇ ત્યારે ૧૯ વરસના હતા અને જયેશભાઇ ૧૮ વરસના. એક જોડી કપડાં અને હજાર રૂપીયા લઈ ભારે હૈયે રવાના થયા.

પછી સંજય અને જયેશ એ ગામ પહોંચ્યા. અને પોતાના ગામના ઓળખીતાને ત્યાં જઈને વાત કરી. તો એ સજ્જન પણ મુંઝાઇ ગયા. એ કહે કે હું પોતે એક સેન્ટ્રીંગ મટીરીયલના સ્ટોરમાં ક્લાર્ક છું અને મારૂં ગુજરાન મુશ્કેલીથી ચલાવું છું. તમારો કેમ સમાવેશ કરૂં? એક-બે રાત રહેવાની સગવડ કરી આપું બાકી મદદમાં મારી અશક્તી છે.

પછી એ સજ્જને એક વાત કરી, અમારી સેન્ટ્રીંગના સ્ટોરમાં લારી ચલાવવા વાળાની જરૂર છે. બન્ને ભાઇઓએ એ કામ સ્વીકાર્યું. અને રાત્રીના રીક્ષા ચલાવતા શીખ્યા.  નવી નવી બનતી સોસાયટીઓમાં સીમેન્ટ, રેતી અને લોખંડ પહોંચાડવાનું કામ શરૂ કર્યું અને મહિનામાં રીક્ષા ચલાવતા શીખી ગયા. દિવસે મજુરી અને રાત્રે રીક્ષા ચલાવે અને ગુજરાન ચાલે. પણ આમ કેટલા દિવસ?

એક વખત એક સોસાયટીમાં એક ડોક્ટરનો બંગલો બનતો હતો તેમાં ચોકીદાર તરીકે જયેશ લાગ્યો અને એ વખતે ડોક્ટરને નાના મોટા ફેરફાર કરાવવા મજુરની જરૂર પડી. એ બન્ને ભાઇઓએ તક ઝડપી. અને ૧૦,૦૦૦ રૂપીયા એડવાન્સ માગ્યા. ડોક્ટર કહે ભરોસો કેમ કરવો? પણ ડોક્ટરે ૧૦,૦૦૦ નું જોખમ આ બન્ને અજાણ્યા ભાઇઓ ઉપર લીધું. અને નક્કી કરેલા સમયમાં સંતોષકારક કામ પણ કરી આપ્યું. ડોક્ટરે ખુશ થઈ એ સોસાયટીમાં બન્નેને ચોકીદાર કમ મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટર તરીકે પરચુરણ કામ કરવા નોકરી અપાવી. અને મહેનત અને લગનથી એક વરસ કામ કર્યું. સાથે રાત્રીના રીક્ષા ચાલુ જ હતી.

એ પછી કોન્ટ્રાક્ટર તરીકે પહેલો બ્રેક મળ્યો. અને પછી ચાર વરસમાં એક બીલ્ડર તરીકે નામના કાઢી. આજે એપાર્ટમેન્ટસ, શોપીંગ કોમ્પ્લેક્સ, રોડ, બ્રીજ વગેરે કામ એમની કંપની કરે છે. ૩૦૦થી વધારે કર્મચારીઓ, સીમેન્ટના સુપર સ્ટોકીસ્ટ, સ્ટીલ અને વોટરપૃફીંગ કેમીકલ્સના સુપર સ્ટોકીસ્ટ વગેરે એમ કુલ ૬ વ્યવસાય છે.

પ્રશ્ન એ થશે કે એમના પરીવારનું શું?

એ બન્ને ભાઇઓ જેમણે આ સંજય અને જયેશને ઘર બહાર નીકળવા કહ્યું હતું એ બન્ને ભાઇઓને એ નાનું ગામ છોડાવી પોતાની સાથે બંગલામાં રહેવા બોલાવી લીધા અને બન્ને મોટા ભાઇઓ માટે એક વ્યવસ્થિત ડીપાર્ટમેન્ટ સ્ટોર પણ ખોલી આપ્યો. આજે એ સમસ્ત પરીવાર પાછો એક જ રસોડે અને એક જ છત નીચે છે.

આજે જયેશ ૩૦ વરસનો છે અને સંજય ૩૧ વરસનો.

પોઝીટીવ એટ્ટીટ્યુડ અને હાર્ડવર્ક.... બસ આ એક જ મંત્ર છે.

બીજા દિવસે જ્યારે એમના ઘરે ચ્હા-નાસ્તા માટે ગયો ત્યારે એમની આ ગુણવત્તા અને મહેનતની લગન વીશે સાંભળ્યા પછી તેમના પ્રત્યેની આખી દ્રષ્ટી બદલાઇ ગઈ.

સેલ્યુટ દોસ્ત.


એ મિત્રની અંગત બાબતોને ધ્યાનમાં રાખતાં એમનું નામ અને ગામનું નામ બદલાવ્યું છે.

સોમવાર, 3 સપ્ટેમ્બર, 2012

છાપાના શિર્ષકો અને એ પણ રાજકોટના...


ઘણા વખત પછી ટીપીકલ સૌરાષ્ટ્રના ન્યુઝ હેડલાઇન (ઓન-લાઇન) જોઇને હાઇશ થઈ. વાંચીને એવું લાગે કે તમે ત્યાં જ છો (Like being there).

જેમ કે....

૧. લાલઘુમ...
૨. ધ્રુજારો
૩. આ..લે..લે..
૪. ભરી પીવાની ધમકી...
૫. ભારે જહેમત ઉઠાવી હતી...
૬. ચાબખા....
૭. (સામુહીક ઘટના માટે) ઘાણવો
૮. બઘડાટી
૯. ધબધબાટી
૧૦. ધમધમાટ
૧૧. તડામાર તૈયારી.
૧૨. લમધાર્યો
૧૩. અડબોથ વળગાડી દીધી
૧૪. એરૂ આભડી ગ્યો.
૧૫. ભડનો દીકરો
૧૬. ધીંગાણુ
૧૭. માતેલા સાંઢ જેવો ખટારો
૧૮. ડખ્ખો
૧૯. ધીંગાણુ
૨૦. લાલ આંખ
૨૧. તંત્રનું ઉં હું.
૨૨. વખ ઘોળ્યું.
૨૩. ચોરનો હાથ ફેરો
૨૪. રાડ ઉઠી છે.
૨૫. રાવ ઉઠી છે.
૨૬. સમળીનો તરખાટ (ચેઇન સ્નેચર માટે)