હોમ

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2017

ખુદ્દારી અને ખુમારી... સલામ છે એ સજ્જનને.

ખુમારી ::

ગયા અઠવાડીયાની આ વાત છે. રાત્રે વરસાદ હતો અને પાલડીથી નવરંગપુરા માટે રીક્ષામાં બેઠો.

મીટર ઝીરો કરવા માટે આગળ નાની લાઈટ કરી રીક્ષા ચાલકે ખાત્રી કરાવી કે જોઇ લેજો. મીટર ઝીરો કરેલ છે.

એ લાઈટના થોડા પ્રકાશમાં એ રીક્ષા ચાલકના હાથ ઉપર ગાંઠ જેવા બે ત્રણ ગઠ્ઠા (હથેળીથી કોણી વચ્ચે) દેખાણા.

સાહજીક રીતે પુછ્યું - આ કોઈ તકલીફ છે કે કોઇ ઇજા?

રીક્ષા ચાલક: મારી કીડની છેલ્લા બે-ત્રણ વરસથી ફેઈલ છે. અને હવે અઠવાડીયે બે વખત ડાયાલીસીસ કરાવું છું. અને એના કારણે વેઈન આ રીતે દેખાય છે. આજે જ રાત્રે દસ વાગ્યે સીવીલમાં મારો ટર્ન છે. એટલે સવારના ૩ સુધી ઉજાગરો રહેશે.

હું: એક ડાયાલીસીસનો કેટલો ખર્ચ આવે છે?

એ: સરકારી મદદ છે. કોઇ ખર્ચ તો નથી, પણ ત્યાર બાદ થોડી દવાનો ખર્ચ આવે છે જે આ રીક્ષાનો વ્યવસાય પુરો પાડે છે.

હું: કોઇ મદદ કરી શકું તમને દવા માટે?

એ: આભાર. મેં ત્રીસ વરસ કાપડ મીલમાં નોકરી કરેલ છે. મીલ બંધ થઈ, બેકારી આવી અને ત્યાર બાદ શરમ મુકી આ રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું. પંદર વરસથી ચલાવું છું અને શરીર ચાલે ત્યાં સુધી રીક્ષા ચલાવીશ. પછી હરી ઇચ્છા. મદદ મારા પુત્ર પાસેથી પણ નથી માંગતો.

અને મીટર મુજબ જ ભાડું લઈ એ રવાના થયો. સલામ એના સ્પીરીટને.